વિવેચન:
“ભોર ભયો જાગો મોરે લાલા”
પ્રેમાનંદ સ્વામીનું આ પદ ભૈરવી રાગમાં છે.
ભારતના કવિઓએ ભાતભાતના શાસ્ત્રીય રાગોમાં પદોની રચના કરી છે.
અમદાવાદમાં દર વર્ષે સપ્તકનું આયોજન થાય છે, દેશભરમાંથી ભારતીય સંગીતના ખેરખાંઓ આવે છે, શાસ્ત્રીય સંગીત પીરસે છે, અમદાવાદની વ્યાપારપ્રધાન સૂકી ભઠ્ઠ ધરતી ઉપર સંગીતની હેલી વરસે છે! આનંદની સાબરમતીમાં બે કાંઠે પૂર આવે છે! આમ તો જોકે આપણા રામને શાસ્ત્રીય સંગીતમાં ગતાગમ ન પડે. પણ દેખાદેખીથી કે જિજ્ઞાસાથી એક-બે વાર મેં સપ્તકનો લાભ લીધો હતો.
સંગીતકારો કરતાંય એને દાદ આપનારાઓને જોઈને મને મજા આવે! મનમાં સવાલ પણ જાગે કે ‘આ બધા ડોલે છે તે સમજીને ડોલતા હશે કે મારી જેમ દેખાદેખીથી?’ જવાબ તો રામ જાણે! પરંતુ એક વાત નક્કી કે જો તમને શાસ્ત્રીય સંગીતની થોડી પણ ગતાગમ પડી જાય તો એનો ચસકો અનેરો છે! શાસ્ત્રીય સંગીતનો સ્વાદ માણ્યા પછી ઘોંઘાટિયા ગીતોમાં મજા ન આવે! પછી ભલેને એ ‘ભજન-કીર્તન’ કહેવાતા હોય!
ભારતીય શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતમાં કેટલાક પાયાના ભેદ છે.
શાંતિથી બેઠો હોય એને વાંદરાની જેમ ઠેકડા મરાવે તે પાશ્વાત્ય સંગીત કહેવાય!
વાંદરાની જેમ કૂદતો હોય તેને મુનિની જેમ મૌન કરે, શાંત કરે તે ભારતીય સંગીત કહેવાય!
અમેરિકામાં એક સજ્જને મને વાત કરી હતી કે ‘પાશ્ચાત્ય સંગીત શરૂ થાય તો ગાયો પારસો ચોરી જાય, દૂધ ન આપે અને ભારતીય સંગીત સાંભળે તો ગાયો સવાયું દૂધ આપે!’
સમજાય તો શાસ્ત્રીય સંગીતનો આનંદ અનેરો છે નહીંતર આ જ શાસ્ત્રીય સંગીતને ભારતનો ભરવાડ સાંભળે તો એને તો એમ જ લાગે કે ‘આને મારા પાડાની જેમ ગળું અરાડીને ગાંગરવાનો રોગ થયો છે તે ગુજરી ન જાય તો સારું!’ તળપદી ભાષામાં આ રોગને ‘સાકરીયાનો રોગ’ કહે છે.
સમજાય નહીં તો શાસ્ત્રીય સંગીત ‘સાકરીયાનો રોગ’ લાગે.
શાસ્ત્રીય સંગીતની વાતોને બાજુએ રાખી મૂળ વાત પર આવીએ તો આ પદ ભૈરવી રાગમાં છે. ભૈરવી પ્રભાતી રાગ છે. પ્રભાતી રાગ સવારે કોઈને જગાડવા માટે ગવાય.
પ્રેમાનંદ સ્વામી ભૈરવીથી ભગવાન શ્રીહરિને જગાડે છે –
‘ભોર ભયો જાગો મોરે લાલા’
આ પંક્તિના ‘ભોર ભયો’ શબ્દો શબ્દો નથી, પણ આત્મજાગરણના અદ્ભુત મંત્રો છે.
અનેક સંતો, ભક્તો, મહાપુરુષોનાં જીવનના અમર ઇતિહાસો આ ચાર અક્ષરોથી સર્જાયા છે.
આ ચાર અક્ષરો ક્રાંતિકારી છે. આ ચાર અક્ષરોએ અનેક મહાત્માઓનાં જીવનમાં ઊથલપાથલ મચાવી છે. આ ચાર અક્ષરોએ અનેક મહાપુરુષોના જીવનમાં અનુપમ જાગરણ આણ્યું છે.
બંગાળના મારવાડી શેઠ હતા. નામ ‘લાલાબાબુ’ હતું. એક વાર લાલાબાબુ પરિવાર સાથે હરિદ્વાર ગયા. ગંગાજીને સામે કિનારે રેતીનો વિશાળ પટ હતો. હિમાલયનાં રમણીય હરિયાળા જંગલો ત્યાંથી શરૂ થતાં હતાં. દૂર આભને આંબતા હિમાલયના પર્વતોની ઊંચી હારમાળા હતી.
યાત્રિકો હોડકાંમાં બેસીને સામે કાંઠે જતા, હિમાલયની ગોદમાં મનભરીને મોજ માણતા અને હોડકાંમાં પાછા ફરતા.
લાલાબાબુ પણ હોડકામાં બેસીને સામે કિનારે ગયા. રેતીના વિશાળ પટમાં ટહેલવા લાગ્યા. આ પવિત્ર સ્થળના શાંત અને સાત્વિક વાતાવરણે લાલાબાબુના અંતરને અંદરથી ઊભરાવી દીધું. લાલાબાબુ કોઈ અનોખી દુનીયામાં ખોવાઈ ગયા! કેટલો સમય પસાર થયો એનોય ખ્યાલ રહ્યો નહીં. એમ કરતાં કરતાં સાંજ પડવા આવી.
જંગલી પશુઓનો ભય હોવાથી સંધ્યા પછી આ બાજુ કોઈથી રહેવાય નહીં બધાં યાત્રિકો હોડકાંમાં બેસી પાછા ફરી ગયા પણ લાલાબાબુ તો અલૌકિક મસ્તીમાં એમ ને એમ બેઠા રહ્યા.
હોડકાંવાળાનો હવે છેલ્લો ફેરો હતો. મોટાભાગના મુસાફરો સામે પહોંચી ચૂક્યા હતા. એક લાલાબાબુ એમ ને એમ બેઠા હતા.
લાલાબાબુનું ધ્યાન ખેંચવા હોડકાંવાળાએ સાદ કર્યો –
‘અરે ચલો ભૈયા! અબ મેરા છેલ્લા ફેરા હૈ...’
હોડકાંવાળાના આ શબ્દોએ લાલાબાબુના દિલમાં જાદુઈ અસર પેદા કરી. આ શબ્દો લાલાબાબુ માટે ‘ભોર ભયો’ની ભૈરવી સાબિત થયા. હોડકાવાળાનો સાદ સાંભળી લાલાબાબુ ભાવસમાધિમાંથી જાગી ગયા.
હોડકાવાળો હજી સાદ દેતો હતો, ‘અરે ચલો ભૈયા! અબ મેરા છેલ્લા ફેરા હૈ:’.
લાલાબાબુએ હોડકાંવાળાને સામે સાદ દીધો. ‘ભૈયા મેરા ભી અબ છેલ્લા ફેરા હૈ.’ પણ આ છેલ્લા ફેરામાં બિચારો હોડીવાળો શું સમજે?
લાલાબાબુએ નિર્ણય કર્યો : ‘હવે ઘરે નથી જવુ.’ સર્પ જેમ કાંચળી ઉતારે એમ એમણે ધીકતા ધંધા અને અઢળક સંપત્તિને છોડી દીધાં. તેઓ હરિદ્વારથી સીધા વૃંદાવન ગયા.
ગંગાકિનારે સાંજના સમયે લાલાબાબુના અંતરમાં ‘ભોર ભયો’ની ભૈરવી ગુંજી.
સૂર્યોદય પહેલાં જાગવું એ તો શરીરનું સ્થૂળ જાગરણ છે. લાલાબાબુનું જાગરણ તો આત્મજાગરણ હતું અને એ જાગરણ તો ગમે તે ઘડીએ થાય. સવારેય થાય અને સાંજેય થાય. ભરબપોરે થાય અને મધરાતેય થાય. એ જાગરણ જ્યારે થાય ત્યારે જ સાચું બ્રાહ્મમુહૂર્ત સમજવું.
લાલાબાબુએ શેષ જીવન ‘શ્રીકૃષ્ણ’ના સાન્નિધ્યમાં વિતાવવાનો સંકલ્પ કર્યો. સગાંસંબંધીઓએ લાખ મનાવ્યા પણ ન માન્યા! પ્રભુએ આપેલી સંપત્તિમાંથી એમણે વૃંદાવનમાં સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું જે આજે ‘લાલાબાબુ’ના મંદિર તરીકે ઓળખાય છે.
લાલાબાબુ વૃંદાવનમાં વસ્યા, મંદિર કરાવ્યું, ભજનસ્મરણ કરે, સદાવ્રત ચલાવે પણ ક્યારેક ક્યારેક એમના જીવને અજંપો ઘેરી વળતો. નિદ્રા આવતી નહીં. લાલાબાબુને વિચારવાયુની વ્યાધિ લાગુ પડી.
એક વાર ભગવાન સ્વામિનારાયણના પવિત્ર સંતો ધ્યાનાનંદ સ્વામી, સાંખ્યાનંદ સ્વામી અને સુખાનંદ ફરતા ફરતા એમને ત્યાં પધાર્યા.
પવિત્ર સાધુ જાણી લાલાબાબુએ સંતોની સર્વ પ્રકારે સરભરા કરી. સાધુઓએ ભગવાન સ્વામિનારાયણની કથા કરી. શેઠના જીવને જંપ થયો. શાંતિ થઈ. વિચારવાયુની વ્યાધિ શમી ગઈ. શેઠને મીઠી ઊંધ આવી.
શેઠને સાધુ ભારે પ્રતાપી જણાયા. કાયમ રહેવાનો આગ્રહ કર્યો. પણ નદીઓના પ્રવાહ જેવા પરમહંસો એક જગ્યાએ કેમ ઠેરાય!
શેઠે ભારે આગ્રહ કર્યો. પણ સંતો ન રોકાયા. એમણે શેઠને કહ્યું, ‘ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજે છે, તમે એમના દર્શને આવો.’
શેઠ કહે, ‘મારું શરીર હવે અશક્ત છે એટલે મારાથી એટલો લાંબો પંથ ખેડી નહીં શકાય. પણ મારા વતી ભગવાનને પ્રાર્થના કરજો અને આ નાનકડી ભેટ અર્પણ કરજો.’
શેઠ ભગવાન માટે ભેટસામગ્રીની પોટલી અને ઊંચી જાતના અત્તરની એક શીશી આપી.
સંતોએ ગઢપુર આવી લાલાબાબુની વાત કરી સર્વ સામગ્રી શ્રીહરિને અર્પણ કરી.
શ્રીહરિએ શેઠની મુમુક્ષુતાની પ્રશંસા કરી કહ્યું, ‘તમારા જેવા સાધુના સમાગમથી જેને અમારી ઓળખાણ થઈ છે એ શેઠનો દેહ થોડા સમય પહેલાં છૂટી ગયો છે અને હવે એ સત્સંગમાં દેહ ધરશે.’
સ્વમિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ પ્રમાણે લાલાબાબુ બીજા જન્મે લોહાણા પરિવારમાં કરમશી શેઠ થયા. મુંબઈમાં એમનો ધીકતો વેપાર હતો. અંગ્રેજોએ એમને જે.પી.નો ઇલ્કાબ આપેલો.
કરમશી શેઠે અતિ અનાસક્ત ભાવે હરિસ્મરણ સાથે જીવન પૂર્ણ કરેલ એમના દીકરા કલ્યાણજી શેઠ થયા. એ પણ મહામુક્તરાજ હતા. કલ્યાણજી કરમશી દામજી શેઠને આજે પણ લોકો આદરપૂર્વક યાદ કરે છે.
ઇતિહાસમાં ‘ભોર ભયો’ આવાં તો અંનેક ઉદાહરણો છે.
તુલસીદાસજીનાં પત્નીએ કહ્યું, ‘મારા આ હાડમાંસના પિંડમાં પ્રેમ કરવાને બદલે રામને પ્રેમ કરો.’ આટલા શબ્દો તુલસીદાસજી માટે ‘ભોર ભયો’ બની ગયા.
ચિંતામણિએ ‘બિલ્વમંગલ’ને કહ્યું, ‘બિલ્વમંગલ! તું મારી પાછળ આટલો પાગલ! સર્પને દોરડું માન્યું! મડદાને તરાપો માન્યો. આ દુર્ગંધથી ભરેલા દેહમાં તને આટલો બધો મોહ? તું ભગવાન પાછળ આટલો દીવાનો થયો હોત તો તારું કામ થઈ જાત!’
ભક્તરાજ ‘બિલ્વમંગલ’ માટે આ શબ્દો ‘ભોર ભયો’ની ભૈરવી થયા.
જાગરણ અનેક જગ્યાએ અનેક રીતે થાય.
વિષયાંધ જીવોને જગાડવા માટે સંતો ચાખબા છાપ કીર્તનોનો પ્રયોગ કરે છે.
‘અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે નહીં કોઈ’
‘ભજ્યો નહી ભગવાન મૂરખ જીવતો મર્યો.’
સાધકના સૂતેલા ગાફલ આત્માને જગાડવા સંતો જ્ઞાનમય પદોનો પ્રયોગ કરે છે:
‘ઊઠ જાગ મુસાફર ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ...’
‘અમે રે વટામણાં જી રે વાટના...’
પ્રેમથી પોઢેલા પ્રાણપ્યારા પ્રભુને જગાડવા માટે સંતો પ્રભાતિયાં ગાય છે.
નરસિંહ મહેતાનું સુંદર પદ છે. મા જશોદા કનૈયાને ભાવથી જગાડે છે,
‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનુમાં કોણ જાશે.’
ભક્તો દ્વારા ગવાતી ભૈરવી કોઈ અનોખા બ્રાહ્મમુહૂર્ત વેળાની ભૈરવી છે.
કોઈ જીવને જગાડવા ભૈરવી ગાય છે. કોઈ બ્રહ્મને જગાડવા ભૈરવી ગાય છે.
જ્યારે અહીં નરસિંહ અને પ્રેમાનંદ સ્વામી જેવા ભક્તો ભગવાનને જગાડવા ભૈરવી ગાય રહ્યા છે.
ભોર ભયો જાગો મોરે લાલા, લોચન પલક ઉઘારો...
જ્ઞાનીઓના ભૈરવી આલાપ આત્મચૈતન્યના પ્રબોધ માટે છે. ભક્તોના ભૈરવી-આલાપ આત્માના આરાધ્ય પરમાત્માને જગાડવા માટે છે.
જ્ઞાનીઓ માટે ‘ભોર ભયો’ એટલે બ્રહ્મજાગરણની વેળા. ભક્તો માટે ‘ભોર ભયો’ એટલે પરબ્રહ્મના જાગરણની વેળા.
જ્ઞાનીઓની યાત્રા જે ગૌરી શિખરે પૂર્ણ થાય છે, પ્રેમીઓની યાત્રા ત્યાંથી શરૂ થાય છે.
જ્ઞાનીઓ બ્રહ્મચિંતનમાં ડૂબે છે, પ્રેમીઓ પરબ્રહ્મની સેવામાં ડૂબે છે.
‘ભોર ભયો જાગો મોરે લાલા’
દશમસ્કંધના અંતે વેદસ્તુતિનો અધ્યાય છે જેમાં ક્ષીરસાગરમાં શેષશય્યા પર પોઢેલા પરમાત્માને શ્રુતિઓ જગાડે છે.
જય જય જહ્મજામજિત! દોષગૃભીતગુણામ્।
‘હે અજિત! નિર્ગુણ! પુરાણપુરુષ! જાગો, લીલાવિહાર રૂપે સૃષ્ટિનું સર્જન કરો. અવતાર ધરો અને અમારી વાણીના વિષય બનો! હે અનિર્વચનીય! જો તમે સૃષ્ટિ સર્જન અને અવતારધારણરૂપ લીલા નહીં કરો તો અમારાથી તમારા નિર્ગુણના ગુણાનુવાદ શક્ય નથી. તમારા ગુણાનુવાદ ગાવા અમારાં હૈયાં તડપે છે, પરંતુ તમારા લીલાવિહાર સિવાય એ શક્ય નથી.’
રાજભવનમાં સૂતેલા સમ્રાટને જગાડવા માટે બંદીજનો દૂર બેસી બિરદાવલીઓ ગાતા હોય એમ વેદોની શ્રુતિઓ દૂરથી અર્થાત્ ‘પરોક્ષ ભાવે’ પરબ્રહ્મને જગાડે છે.
વેદોને જે દૂર છે તે જશોદાની નજર સામે પોઢ્યો છે. પ્રેમસખીના શબ્દોમાં જશોદા કાનકુંવરને જગાડી રહ્યા છે.
‘ભોર ભયો જાગો મોરે લાલા, લોચન પલક ઉઘાડો’
પ્રેમાનંદ સ્વામીનું આ કીર્તન પ્રભાતમાં ખીલતા કોમળ કમળના ફૂલ જેવું છે.
એક એક શબ્દ ભાવસભર શબ્દો છે! આ પ્રેમનું પદ છે. જો જ્ઞાનનું પદ હોત તો ભારેખમ લાગે તેવા શબ્દો વીણી વીણીને મૂક્યા હોત!
આ પ્રેમપૂર્ણ પદના શબ્દો હૃદયને વીંધે છે. તીરથી નહીં ફૂલોથી! તીરથી વીંધાયેલા ઊગર્યા હોય એવા હજારો દાખલા છે પણ ફૂલથી વીંધાયા પછી ઊગર્યા હોય એનો કોઈ દાખલો નથી.
એ તો ‘ઘાયલની વાત ઘાયલ જાણે’ જેવી વાત છે.
‘ભોર ભયો જાગો મોરે લાલા’
શ્રીહરિની સદા સોળ વર્ષના કુમાર જેવી અવસ્થા છે. અથર્વવેદ કહે છે: ‘धीरमजरं युवानम् ’ - ભગવાન ધીર છે, અજર છે અર્થાત્ જરા અવસ્થા ક્યારેય ન આવે એવા છે, યુવાન છે.’
જેના રોમરોમમાંથી રસ ઝરે છે એવા રસિકવર શ્રીહરિ પોઢ્યા છે.
પરમાત્માનું પોઢવાનું અને જાગવાનું આપણા જેવું માયામય નથી, પણ લીલામય છે.
પ્રેમના પલંગ પોઢેલા શ્રીહરિ શયનલીલા કરી રહ્યા છે. પ્રેમાનંદ સ્વામી પ્રેમથી શ્રીહરિને જગાડી રહ્યા છે.
જગાડવા જગાડવામાં ઘણો ફરક હોય. મા બાળકને જગાડે તો જુદી રીતે જગાડે, બાપા બાળકને જગાડે તો જુદી રીતે જગાડે, સોહાગન સુંદરી પોતાના સ્વામીને જગાડે તો જુદી રીતે જગાડે.
આજની મહાસતીઓ પતિને જગાડે તો વળી સાવ જુદી રીતે જગાડે!
‘ઊઠો હવે ઊઠો, આ દિ’ માથે આવ્યો તોય અઘોરીની પેઠે ઘોર્યા કરો છો! શરમ નથી આવતી?’ વગેરે વગેરે.
પ્રેમી ભક્તો પ્રભુને જગાડે છે એ વાત જ ન્યારી છે.
મુંબઈમાં એક વૈષ્ણવને ઘેર જવાનું થયું. ઘરની દીવાલ ઉપર એક અદ્ભુતચિત્ર ભગવાનની શયનલીલાનું હતું. ચિત્ર નાથદ્વારાથી પ્રસિદ્ધ થયેલું. નાથદ્વારાની ચિત્રકળા વખણાય છે.
‘સુંદર ભવનમાં સુંદર પલંગ ઉપર સુંદર શ્યામ પોઢ્યા છે. આછી આછી પામરી ઓઢી છે. પારદર્શક કાચમાં આરપાર દેખાય તેમ પારદર્શક પાતળી પામરી સોંસરવા પ્રભુનાં શ્રી વિગ્રહનાં દર્શન થાય છે. શ્રીહરિનું એક એક અંગ અતિ સુંદર છે. કોમળ કમળની કળી જેવાં બીડાયેલાં નેત્રો છે. મહાપ્રભુ વલ્લભાચાર્ય અતિ ભાવથી પ્રભુને જગાડી રહ્યા છે. કોમળ હાથોથી ઠાકોરજીના મુખારવિંદ ઉપરથી પામરી થોડી આઘી કહે છે. મહાપ્રભુજીનાં નેત્રોમાંથી સ્નેહ વરસી રહ્યો છે.
ચિત્રકારે પણ અદ્ભુતભાવો ઉપસાવ્યા છે. ચિત્રનું એ દ્રશ્ય મારા દિલમાં કાયમ વસી ગયું.
પ્રેમાનંદ સ્વામી પણ આવા જ ભાવવિભોર થઈ પોતાના પ્રાણાઆધાર પ્રાણપ્યારા પ્રભુને જગાડે છે.
‘ભોર ભયો જાગો મોરે લાલા’
અહીં ‘લાલા’ શબ્દમાં ભારોભાર પ્રેમ ઝળકે છે. ‘લાલા’ શબ્દ ‘લાલન’ ‘પાલન’ ‘લાડ’ ‘પ્યાર’ નો શબ્દ છે.
લાલન કરવા યોગ્ય હોય એને લાલ કહેવાય, પ્યાર માગે એને લાલ કહેવાય, એટલું જ નહીં લાલન કરે, પાલન કરે, પ્યાર કરે તેને પણ લાલ કહેવાય.
ભગવાનની દિવ્ય માનુષી લીલાઓ ભક્તોને લાડ લડાવવા માટે છે.
એ નંદનંદન બને છે ત્યારે જ જશોદા એને ઝુલાવી શકે છે.
એ દશરથનંદન બને છે ત્યારે જ કૌશલ્યા હીલો ગાઈ શકે છે.
એ ધર્મનંદન બને છે ત્યારે જ પ્રેમવતી એને પારણિયે પોઢાડી શકે છે.
શ્રીહરિ ભક્તો પાસેથી લાડ માગે છે માટે એ ‘લાલ’ છે.
શ્રીહરિ ભક્તોને લાડ લડાવે છે માટે એ ‘લાલ’ છે.
લાલ રંગ પ્રેમનું પ્રતીક છે. વસંત ઋતુમાં લાલ લાલ નવાંકુરો ફૂટે એમ પ્રેમની મોસમ પૂરબહાર ખીલે ત્યારે પ્રેમીઓનાં અંગેઅંગમાં લાલ લાલ સુરખીઓ પ્રગટે!
માયાના અંધકારથી પાર તેજોમય અક્ષરધામમાં શ્રીહરિની શયનલીલા ચાલે છે. શ્રીહરિને જાગવા માટે વિનવતાં પ્રેમસખીના અંગેઅંગમાંથી પ્રેમની લાલાશ પ્રગટી રહી છે તો સામે શ્યામસુંદર શ્રીહરિનો રંગ પણ પ્રેમથી લાલ લાલ થઈ રહ્યો છે.
લાલી મેરે લાલ કી, જીત દેખો તિત લાલ,
લાલી દેખન મૈં ચલી, મૈં ભી હો ગઈ લાલ.
“લોચન પલક ઉઘારો”
પ્રેમસખીના કવનનો મર્મ છે: ‘હે પ્રભો! આપનાં દર્શન આડે આવતી પામરીનાં આવરણ તો દૂર થયાં પણ એટલાથી વાત પૂરી થતી નથી. હવે તમારી પાંપણોના પરદા પણ હટવા જોઈએ.’
‘આપ અમને નેહભરી નજરથી નીરખો ત્યારે જ અમે કૃતાર્થ થઈએ. માટે હે લાલ! કમળની પાંખડી ખીલે એમ આપની પલકોના પરદાઓને ખોલો.’
‘આપનાં નયનકમળો ખીલે છે ત્યારે મહામાયા અનંત સૃષ્ટિનાં સર્જન કરે છે.’
શ્રુતિ કહે છે स एक्षत I સર્જનહાર શ્રીહરિએ મહામાયા સામે દ્રષ્ટિ કરી. એ દ્રષ્ટિમાં સર્જનનો સંકેત હતો. મહામાયાએ શ્રીહરિના સંકલ્પ માત્રથી બ્રહ્માંડોનાં સર્જન કર્યાં.
વેદાંતીઓ સમજ્યા વગર ભલે ભગવાનને નિર્ગુણ નિરાકાર કહે પણ સ્વયં વેદોએ શ્રીહરિનાં અંગેઅંગનું સુંદર વર્ણન કર્યું છે. શ્રીહરિના નયનકમળનું વર્ણન કરતા ભગવતી શ્રુતિ કહે છે –
तस्य कप्यास इव अक्षिणी I
‘સુર્યથી ખીલતાં કમળપત્રો જેવાં શ્રીહરિનાં નેત્રો છે.’
શ્રીહરિનાં નેત્ર ખૂલે એટલે ભક્તોના અંતરમાં આનંદનો મહાસાગર માઝા મેલે.
શ્રીહરિનાં નેત્રો ખૂલે એટલે અનંત અનંત જીવો ધન્ય બને.
શ્રીહરિ નજર ભરીને નીરખે એટલે વ્રત, જપ, તપ, દાન વગેરે સર્વ સાધન પૂર્ણ થઈ જાય.
કોઈ કીર્તનની મધુર પંક્તિ છે,
‘નેણાં ભરીને તમે નીરખો છો જેને એને કરવું રહેતું નથી કાંઈ’
શ્રીહરિ પ્રેમભરી નજર ન કરે ત્યાં સુધી ભક્તોનાં પ્રેમી હૈયાંને જંપ ન વળે માટે પ્રેમસખી વિનવે છે: ‘લોચન પલક ઉધારો’:
હે હરે! તમારા શ્રીઅંગ ઉપરની પામરી હું દૂર કરું, તમારા નયનોના પલકો રૂપી પરદાઓને તમે દૂર કરો.
પામરી દૂર કરવાનું અમારા હાથમાં છે.
પલકોના પરદાઓ ખોલવાનું તમારા હાથમાં છે.
નિશિની ઘટી રવિરથરુચિ રાજી, ભયો હે ભુવન ઉજીયારો...
આ કીર્તન ગુજરાતી ભાષામાં હોવા છતાં એના મોટા ભાગના શબ્દો સંસ્કૃત ભાષામય છે. પ્રત્યેક શબ્દ રસમય અને મધુર છે.
નિશિની ઘટી એટલે રાત્રિ ઘટવા માંડી છે. રવિરથ એટલે સૂરજનો રથ, સુચિ એટલે કાંતિ-પ્રકાશ, રાજી એટલે ઝળહળવું-શોભવું.
પ્રેમાનંદ સ્વામી કહે છે, ‘હે ભગવાન્! આ બ્રાહ્મમુહૂર્તની વેળા છે. જાગવાનો મંગળ અવસર છે.’
‘રવિરથરુચિ રાજી’
સૂર્યના રથનો પ્રકાશ ચોતરફ ઝળહળવા લાગ્યો છે. હજુ સૂર્યોદય થયો નથી પણ સૂર્યના આગમનની એંધાણીઓ આકાશમાં વર્તાવા માંડી છે. સૂર્યોદય પહેલાં અરૂણોદય થાય. અરુણ સૂર્યનો સારથિ છે. પહેલાં સારથિ દેખાય પછી રથીનું દર્શન થાય.
આ સમસ્ત પંક્તિમાં રૂપકાલંકાર છે. રાત્રિ ઘટી રહી છે એટલે કે અજ્ઞાનનો અંધકાર ઓગળી રહ્યો છે. અજ્ઞાનજન્ય ભય, દુ:ખ, દુ:સ્વપ્ન, દેહભાવ દૂર થયાં છે. અરૂણોદય થઈ રહ્યો છે અર્થાત્ ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના સત્તરમા અધ્યાયમાં કહી છે તે દૈવી સંપત્તિનો ઉદય થઈ રહ્યો છે.
અંત:કરણમાં દૈવી સંપત્તિનો ઉદય થાય એટલે બ્રહ્મદર્શન થાય. શ્રુતિ કહે છે – ‘सत्वं यद् ब्रह्मदर्शनम्’.
સૂરજનો રથ ઝળહળી રહ્યો છે અર્થાત્ બ્રહ્મભાવ પ્રકાશી રહ્યો છે, રથીનું વહન કરે તે રથ કહેવાય. બ્રાહ્મી સ્થિતિ પરબ્રહ્મનું વહન કરનાર રથ છે.
ભગવાન સ્વામિનારાયણ ‘અક્ષર’ને ભગવાનને રહેવાનું ધામ ગણે છે.
આ પંક્તિમાં આત્મજાગરણના ઉષ:કાળનું વર્ણન છે.
આ પંક્તિમાં આત્મપ્રભાના પ્રકાશનું વર્ણન છે.
આ આધ્યાત્મિક બ્રાહ્મમુહૂર્તનું આગમન છે.
વેદોમાં સૂર્યોદય પહેલાંની ઉષાનાં સ્તોત્રો છે. ‘ઘોર રાત્રિમાં સૂતેલી મૃતપ્રાય ભાસતી જડચેતન સૃષ્ટિ ઉપર ઉષાદેવી અમૃતમય સંજીવનીનો છંટકાવ કરે છે. ચરાચર વિશ્વમાં આનંદના સ્પંદનો જગાડે છે. ખરેખર ઉષા અમૃતનું વહન કરનારી છે.’
ચૈતન્ય સુપ્ત જગાડવા, ઉષા ગગનથી અવતરે,
ઉષાકરો સુછડી ધરો, જગ ભૈરવી સૂરો ભરે...
તેજોમયે અરુણોદયે, તવ કર સુધારસ નિર્ઝરે,
ચૈતન્યને પુલકિત કરે, જડચેતને મધુરસ ભરે...
તવ મૃદુલકર પરસે હરે, પ્રજ્ઞા કમલદલ વિસ્તરે,
શતશતદલે અમરત ઝરે, ઋત સત્યને ઉરમાં ભરે...
વાણીમયી મમ ધેનુઓ, રંભારવે ગોષ્ઠો ભરે,
મધુમધુરરસ ઉરથી સ્ત્રવે, ત્રણ લોકનાં પોષણ કરે...
પ્રેમાનંદ સ્વામી કહે છે, ‘હે લાલ! જાગો જાગો. અમારા અંતરમાં ઉષાના આગમન થઈ ચૂક્યાં છે.’
‘ભયો હે ભુવન ઉજીયારો.’
અરુણોદય સમયે ઘરમાં અજવાળાં પથરાય એમ અમારા આ હૃદયરૂપી ઘરમાં આત્મપ્રભાનાં અજવાળાં પથરાઈ રહ્યાં છે. એકએક ઇન્દ્રિયોરૂપી ઝરૂખામાંથી આત્મપ્રભાનો પ્રકાશ પ્રસરી રહ્યો છે.
અજવાળામાં પદાર્થનું યથાર્થ દર્શન થાય છે. અત્યાર સુધી અજ્ઞાનરૂપ અંધકારને લીધે અમારું દર્શન અયથાર્થ હતું.
મૃગજળ પાછળ મૃગલાં દોડે એમ અમારાં ઇન્દ્રિયો –અંત:કરણ સ્વપ્નમય સુખવૈભવો પાછળ દોડતાં હતાં, અથડાતાં હતાં, અટવાતા હતા. હવે આ આત્મજાગરણના અવસરે રાત્રિનાં દુ:સ્વપ્નો પૂરાં થયાં છે. પિંડ-બ્રહ્માંડના સુખવૈભવો હવે અસાર ભાસે છે. અમારા અંતરમાં સારાસારના વિવેકરૂપી-પ્રભાત પ્રગટ્યું છે. હવે આપના સિવાય બધું જ અસાર દેખાઈ રહ્યું છે.
અમારી આંખો હવે અસારને તજી સારને ભજી રહી છે.
અમારા કાન હવે અસારને છોડી સારને સાંભળે છે.
અમારી રસના હવે અસારને છોડી સારનો સ્વાદ માણે છે.
અમારી નાસિકા હવે અસારને છોડી સારની સુગંધ માણે છે.
અમારી ત્વચા હવે અસારને છોડી સારને સ્પર્શે છે.
અમારું અંત:કરણ હવે અસારમાં અથડાવાને બદલે સારમાં સ્થિર થયું છે.
કારણ કે, ભયો હે ભુવન ઉજીયારો...
અહીં ‘રવિરથરુચિ રાજી’માં એક રહસ્ય છે. પ્રેમસખી કહેવા માગે છે: ‘બ્રહ્મ જાગે એથી અમને સંતોષ નથી. અમારો પરબ્રહ્મ જાગવો જોઈએ.’
અમને માત્ર સૂર્યરથના દર્શનથી તૃપ્તિ નહીં થાય. અમારે તો સૂર્યદર્શન કરવાં છે. અમારે માટે બ્રહ્મ રથ છે. પરબ્રહ્મ સૂર્ય છે. સૂર્યદર્શન તો તમે જાગશો ત્યારે જ થશે માટે ‘ભોર ભયો જાગો મેરે લાલા.’
પ્રેમાનંદ સ્વામી ભક્તિમાર્ગી સંત છે. પરિણામે તેમની રચનામાં ભક્તિમાર્ગનો ઉત્તમ મર્મ સહજ રીતે વણાયા કરે છે. ભક્તિમાર્ગની રીતિ છે. પ્રથમ સેવક જાગે પછી સ્વામી જાગે, પહેલાં બ્રહ્મ જાગે પછી પરબ્રહ્મ જાગે.
બ્રહ્મ જાગે તે બ્રાહ્મમુહૂર્ત છે. પરબ્રહ્મ જાગે તે પ્રભાત છે – સૂર્યોદય છે.
બ્રાહ્મી અવસ્થા પ્રાપ્ત થાય પછી જ પરબ્રહ્મની સાચી પૂજા થાય છે. જ્ઞાનીઓનું બ્રહ્મજાગરણ જ્યાં પૂર્ણ થાય છે પ્રેમીઓની પરાપૂજા ત્યાંથી શરૂ થાય છે.
પોઢેલા પરબ્રહ્મને જગાડવા પ્રેમાનંદ સ્વામી કહે છે,
મલિન સુધારક મુનિવર ઝલક્યો, તમચૂર ખગસો પુકારો...
સુધારક એટલે અમૃતનો સાગર ગણાતો ચદ્રમા, મુનિવર અટલે અગસ્ત્યનો તારો.
આ પંક્તિમાં અરુણોદય સમયે આકાશમાં બે ઘટના એકસાથે થઈ રહ્યાનું નિરૂપણ છે.
એક બાજુ ચંદ્ર મલિન થઈ રહ્યો છે. બીજી બાજુ અગસ્ત્યનો તારો ઝળકી રહ્યો છે.
ચંદ્ર સાંસારિક રાગ અને ક્ષણિક સુખોનું પ્રતીક છે. અગસ્ત્યનો ઉદય જ્ઞાનોદયનું પ્રતીક છે.
ચંદ્ર ઝાંખો થઈ રહ્યો છે તેનાં બે કારણો છે: એક સૂર્યોદયની તૈયારી, બીજું અગસ્ત્યનો ઉદય.
ચંદ્ર પરોપજીવી છે. ચંદ્રની પ્રભા અને સુધા સૂર્ય પાસેથી ઉછીની લીધેલી છે. સૂર્યના માયાવી પરછાયા જેવી ચંદ્રની ચાંદની ઘડી વાર વધે, ઘડી વાર ઘટે એવી છે એટલે તો જાણકાર જ્ઞાનીઓ દુન્યવી સુખોને ‘ચાર દિનોં કી ચાંદની’ કહે છે.
આનંદનો મૂળ સ્ત્રોત મળી જાય પછી પરછાયાને પ્રેમ કોણ કરે? શાશ્વત સુખનો ખજાનો મળે પછી ક્ષણિક સુખોને પ્રેમ કોણ કરે? જ્યારે ચક્રવર્તી સમ્રાટ સ્વયં પધારે ત્યારે એની કૃપાથી જીવતા અનુચરોનો પ્રભાવ ઓસરી જાય એ જ રીતે સૂર્યનું આગમન થતા ચંદ્રનો પ્રભાવ ઓસરી રહ્યો છે.
બીજી વાત અગસ્ત્યના ઉદયની છે.
પ્રાચીન સમયમાં મહર્ષિ અગસ્ત્ય પૂરા સાગરને પી ગયા હતા એવી કથા છે.
કોઈ પણ વ્યક્તિ ગમે તેવી સમર્થ હોય છતાં સાગર પી શકે કે કેમ? એ પ્રશ્ન છે.
શાણા માણસો આવી કથાઓનો સંકેત સમજાવતાં કહે છે કે ‘અગસ્ત્ય મહારાજ વિશ્વના પ્રથમ સાગરયાત્રી હતા. દરિયાની ભૂગોળ એણે બરાબર પચાવી હતી. એટલે કહેવાય છે કે એ દરિયો પી ગયા હતા.’
દરિયો પી જવાનો બીજો સંકેત છે – દરિયો એટલે ‘દરિયા જેવું અગાધ જ્ઞાન.’
મહર્ષિ અગસ્ત્ય મહાજ્ઞાની હતા. જ્ઞાનનો સાગર એણે ઉદરમાં પચાવ્યો હતો. એટલે જ અહીં અગસ્ત્યનો ઉદય એટલે જ્ઞાનનો ઉદય એવો મર્મ છે.
મહર્ષિ અગસ્ત્યની પાવન સ્મૃતિને સાચવવા માટે શરદ ઋતુની વહેલી સવારે ઊગતા નક્ષત્ર વિશેષને ‘અગસ્ત્યનો તારો’ કહે છે. આ નક્ષત્રને અગસ્ત્ય નામ આપવા પાછળ બીજું પણ યોગ્ય કારણ છે.
એક પ્રાકૃતિક સત્ય છે કે શરદઋતુમાં અગસ્ત્યનો તારો ઊગવો શરૂ થાય એટલે ઘરતીનાં જળ શોષાવાં લાગે, નદીઓની ઘારા પાતળી બને, સરોવરોનાં જળ સંકોચાવાં લાગે; સાથોસાથ જળમાં રહેલી મલિનતા દૂર થાય અને રહ્યાંસહ્યાં જળ શરદના આકાશ જેવા નિર્મળ બને. માટે એ નક્ષત્રને સાગરજળ શોષી લેનાર અગસ્ત્યનું નામ આપવામાં આવ્યું હોય તેમ લાગે છે.
‘મલિન સુધાકર’ કહેવા પાછળ પ્રેમાનંદ સ્વામીનો મર્મ છે કે અગસ્ત્યનો જ્ઞાનોદય થતાં અમારા દુન્યવી રાગોની ધારાઓ પાતળી થઈ છે. એ ધારામાંથી રજ-તમની મલિનતા દૂર થઈ છે. હવે જે છે તે શુદ્ધ સત્વગુણની ધારા છે. અને હવે એ ધારા સંસારિક રાગનાં રૂપ તજી દિવ્ય અનુરાગની ધારાનાં રૂપ ધરી રહી છે. પ્રાત:કાળે પરબ્રહ્મના અભિષેક માટે આવા અનુરાગનાં નિર્મળ જળ જ ઉપયુક્ત ગણાય.
તમચૂર ખગસો પુકારો.
તમચૂર એટલે કૂકડો ખગ એટલે આકાશમાં ઊડનારા પંખી. રંગબેરંગી કલગીને લીધે સંસ્કૃત ભાષામાં કૂકડાને તામ્રચૂડ કહે છે. તામ્રચૂડ ઉપરથી ‘તમચૂર’ બન્યો હોય તેમ લાગે છે.
તામ્રચૂડ કૂકડો એટલે સૂરજનો છડીદાર! ચક્રવર્તી સમ્રાટના આગમન પ્રસંગે છડીદારો છડી પુકારે એ જ રીતે કૂકડો સૂરજની છડી પોકારે છે.
ઘડિયાળનો સમય ફરે પણ કૂકડાની છડીનો સમય ન ફરે. સૂર્યનારાયણ પધારવાના થાય એટલે કૂકડો છડી પોકારી અન્ય પંખીઓને સાવધાન કરે છે ‘આજુસે બાજુસે નિગાહ રખો મહેરબાન. રાજાધિરાજ ભુવન ભાસ્કર પધાર રહે હૈ.’
તમચૂર ખગસો પુકારો.
તમચૂરનો બીજો અર્થ અતિ સુંદર છે. અંધકારના ચૂરા કરે તેને તમચૂર કહેવાય. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર હોવાથી મહાજ્ઞાની મુનિવરો ‘તમચૂર’ છે.
પરબ્રહ્મના અનંત અપાર મહિમારૂપી ગગનમાં ગરુડની પેઠે વિરહનારા હોવાથી પરમહંસોને ‘ખગ’ કહેવાય.
ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા ‘તમચૂર’ અનુભવી જ્ઞાની પુરુષો પ્રગટ પુરુષોત્તમનારાયણના છડીદારો છે. એ જાગતા જોગીઓના નાદબ્રહ્મને સાંભળીને ‘ખગ’ સમા અન્ય પરમહંસો શ્રીહરિના સ્વાગત માટે સાવધાન બની જાય છે. ‘તમચૂર’ પરમ હંસોની સાથે ‘ખગ’ પરમહંસોનાં કલગાન શરૂ થાય છે.
એમનાં કલગાન જીવોના ઊંઘતા આત્મચૈતન્યને જગાડવા માટે છે. કોઈ કથાવાર્તાથી જીવોને જગાડે છે, કોઈ કીર્તનગાનથી જીવોને જગાડે છે.
છડીદારની છડી સંભળાય એટલે નિશ્ચય થાય કે હવે સમ્રાટ પધારી રહ્યા છે, એ જ રીતે સાચા સંતનું મિલન થાય ત્યારે ભરોંસો બેસે કે ‘હવે સર્વેશ્વર શ્રીહરિનું મિલન થશે’.
એટલે તો મહાત્મા તુલસીદાસ કહે છે – ‘પ્રથમ ભગતિ સંતન કર સંગા’. પ્રથમ સંત મળે પછી ભગવાન મળે.
વિલસી ચકવી પ્રિયા સંગ રતિપતિ
શિથિલ ધનુષ સો ડારો...
પ્રેમી હૈયાનું શ્રેષ્ઠ પ્રતીક હોય તો ચક્રવીક અને ચક્રવાકીનું યુગલ છે. રાત્રિનો અંધકાર જ્યારે બેયને જુદાં કરે ત્યારે વિરહમાં ઝૂરતાં એ પંખીડાંઓનું આક્રંદ હૃદયદ્રાવક હોય છે. ચકવા-ચકવીના પ્રેમની વાતો સાહિત્યમાં પ્રસિદ્ધ છે.
ચકવી રેન પરે તબ રોયે
ચકોર ચકવીને કહે છે:
ચલો ચકવી વહાં જાઈએ જહાં રેન ન હોય,
માટી ભરખે જનાવરા મૂવા ન રોવે કોય.
પ્રેમાનંદ સ્વામી વિરહની વેદનાના અનુભવી સંત છે. શ્રીહરિના વિરહમાં ઝૂરતા એ સંત રાતોની રાતો રડતા રહેતા અને સારંગી ઉપર વેરહના સૂર છેડતા રહેતા. શ્રીહરિનું મિલન થાય ત્યારે જ એમના દરદી દિલને શાતા વળતી. આવી જ સ્થિતિ અન્ય પરમહંશોની પણ હતી.
સભામાં શ્રીહરિ વિરાજમાન હોય ત્યારે આ પ્રેમી પરમહંસો અપલક નયનોથી શ્રીહરિની રૂપમાધુરીનું પાન કરતા. શ્રીહરિની બ્રહ્મરસ ઝરતી અમૃતવાણીને કર્ણોના પડિયાંમાં ભરી ભરીને હૃદયમાં ભરતા. શ્રીહરિનાં દર્શન અને શ્રાવણમાં એમના દેહભાવ ક્યાંય ઓગળી જતા. સાનભાવ ભુલાઈ જતાં. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો શ્રીહરિની મૂર્તિમાં લીન થવાથી કોઈ અલૌકિક ભાવસમાધિનો આવિર્ભાવ થતો.
અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી મહાજ્ઞાની સંત હતા; સાથે એટલા જ પ્રેમી હતા.
‘મીઠાં વહાલા કેમ વિસરો તમથી બાંધેલ તન,
તરસ્યાને જેમ પાણી વહાલું, ભૂખ્યાને ભોજન.’
આ એમનો જીવનમંત્ર હતો. શ્રીહરિની મૂર્તિ વિના બીજો સંકલ્પ થાય તો કોઈએ ધગધગતી કોશનો ડામ દીધો હોય એવું વસમું લાગતું.
શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા હોય ત્યારે મોટેભાગે રોજનો એક ક્રમ રહેતો. સંધ્યા સમયે શ્રીહરિ સંતોની પર્ણશાળામાં ધૂન, કીર્તન, કથાવાર્તા દ્વારા સંતોને આનંદ આપતા. પરમહંસોને બ્રહ્મરસથી ભીંજવી શ્રીહરિ દાદાખાચરના દરબારગઢમાં પધારતા.
દરબારગઢમાં લાડુબા, જીવુબા વગેરે પ્રેમી ભક્તો પણ આતુર હૈયે શ્રીહરિના આગમનની રાહ જોતા હોય.
શ્રીહરિ સંતોની સભામાંથી ઊભા થાય એટલે ગુણાતીતાનંદ સ્વામી પણ, શ્રીહરિનાં દર્શનની લાલચમાં ઊભા થાઈ પાછળ પાછળ ચાલે. સાધુથી દરબારગઢમાં તો જવાય નહીં એટલે સ્વામી બહાર ઊભા રહી શ્રીહરિ ક્યારે પાછા પધારે એની રાહ જુએ. ક્યારેક તો વરસતા વરસાદે પણ સ્વામી ઓરડાંના નેવા નીચે ઊભા રહી રાહ જોતા. શ્રીહરિનાં દર્શન વિના સ્વામીને ચેન નહોતું પડતું. ‘ચકવી રેન પરે તબ રોયે’.
શ્રીહરિ દરબારગઢમાંથી અક્ષરઓરડીએ જવા નીકળે, વાદળઘેર મેઘલી અંધારી રાતમાં વીજળીના ઝબકારે શ્રીહરિનાં ઝાંખાં પાતળાં દર્શન થાય ત્યારે પણ સ્વામીના પ્યાસા હૈયાને ઠંડક વળતી.
‘વિલસી ચકવી પિયા સંગ’
આ પંક્તિમાં માત્ર ચકવા-ચકવીની વાત નથી. ભગવાન અને ભકતના મિલનની વાત છે. કૃષ્ણ અને ગોપીઓના મિલનની વાત છે. પરમહંસો અને પુરુષોત્તમનારાયણના મિલનની વાત છે. બ્રહ્મ અને પરબ્રહ્મના મિલનનો વિલાસ છે.
પ્રેમાનંદ સ્વામી પ્રાણપ્યારા પ્રભુને જાણે મીઠી ટકોર કરે છે: ‘ચકવીને તો એનો પ્રિયતમ મળ્યો. અમને અમારા પ્રાણઆધાર ક્યારે મળશે? ચક્રવાકના વિલાસ જોઈને અમારો વિરહ માઝા મૂકી રહ્યો છે માટે હે પ્રિયતમ! જાગો, અમારાં તન-મનના તાપ શમાવો.’
વિલસી ચકવી પિયાસંગ, રતિપતિ શિથિલ ધનુષ સો ડારો.
અહીં પણ બે ઘટનાનું વિરોધાભાસી નિરૂપણ છે, અહીં એક બાજુ બે પ્રેમી હૈયાંનો વિહાર છે, બીજી બાજુ વિશ્વવિજયી રતિપતિની હાર છે.
ખરી રીતે પિયુમિલનના પ્રસંગે કામદેવનું બળ પરાકાષ્ઠાએ પહોંચે જ્યારે અહીં રતિપતિ શિથિલ થઈ રહ્યો છે. આવો વિરોધાભાસ કેમ?
આ પંક્તિઓમાં લોકોત્તર વિશુદ્ધ પ્રેમની વાત છે. રતિપતિનાં રમકડાં થઈને રમણ કરતાં વાસનાનાં પૂતળાની વાત નથી.
અહીં વિહાર છે પણ વાસના નથી.
અહીં જીવ અને શિવના વિહારની કથા છે.
અહીં બ્રહ્મ અને પરબ્રહ્મના વિહારની કથા છે.
અહીં કામથી પરાભવ નથી. અહીં કામનો પરાભવ છે. વાસનાઓના કીડા માટે આ વાત સમજવી પણ મુશ્કેલ છે.
રતિપતિ શિથિલ ધનુષ સો ડારો.
આ લોકોત્તર પ્રેમ પાસે કામદેવ શિથિલ થઈ ચૂક્યો છે. એનું સત્વ હરાઈ ચૂક્યું છે. કંપતા હાથમાંથી પદાર્થ પડી જાત એમ એના નિર્બળ હાથોમાંથી ધનુષ અને બાણ સરકી ચૂક્યાં છે.
અથવા તો કામદેવની કોઈ કારી ફાવી નહીં અટલે હતાશ થઈને પોતાનાં હથિયારો ફેંકી દીધાં છે. કામદેવે હાર માની લીધી છે.
કામદેવ રતિપતિ છે. કામદેવનાં પત્ની રતિનાં ભાતભાતનાં રૂપ છે. કરોળિયાના જાળમાં જીવડાં ફસાય એમ રતિની રૂપજાળમાં જીવોને ફસાવી કામદેવ એનો શિકાર કરે છે.
કામ��ેવ વિશ્વવિજયી છે. એ ચક્રવર્તી સમ્રાટની જેમ સર્વનું શાસન કરે છે. શંકરના નેત્રમાંથી નીકળતા જ્ઞાનાગ્નિથી ભસ્મ થવા છતાં એને ‘ફિનિક્સ’ પંખીની જેમ રાખમાંથી બેઠા થતાં આવડે છે. પોતાની સામે આંખ ઊંચી કરનારને ધૂળ ચાટતા કરે છે.
કામદેવના બાણે ભલભલા ઋષિમુનિઓના શિકાર કર્યા છે, કામદેવના બાણે ભલભલા જોગી-જતીઓને ભૂ પીતા કર્યા છે, કામદેવના પ્રભાવે જ્ઞાનીઓનાં જ્ઞાન અને તપસ્વીઓનાં હજારો વર્ષનાં તપ પાણીમાં ગયાં છે.
પુરાણોમાં સૌભરી ઋષિની કથા છે. સૌભરી ઋષિએ હજારો વર્ષ સુધી પાણીમાં બેસીને તપશ્ચર્યા કરી હતી. પરંતુ એક વાર મત્સ્ય યુગલનું મૈથુન જોતાં મુનિવરની મતિ ભ્રષ્ટ થઈ. તેઓ મહારાજા માંધાતાની પચાસ કુંવરીઓ સાથે પરણ્યા પણ પછી પેટ ભરીને પસ્તાયા. ભાગવતજીમાં એમના પશ્ચાત્તાપના ઉદ્ગારો પ્રસિદ્ધ છે અને મનન કરવા જેવા છે:
न कुर्यात् कर्हिचित् सख्यं मनसि ह्यनवस्थिते I
यद्धिश्रंभात् चिरात् चीर्ण् चस्कन्द तप एश्वरम् II
સૌભરી કહે છે, ‘હે જીવાત્માઓ! ભ્રમર જેવા ચંચલ મનની મિત્રતાનો ભરોંસો ક્યારેય ન કરવો. મેં મનનો ભરોંસો કર્યો તો ફૂટેલા ઘડામાંથી પાણી સ્ત્રવે એમ મારા તપ અને ઐશ્વર્યો સ્ત્રવી ગયાં.’
આવા મહા બળવાન કામદેવના પરાભવની આ પંક્તિમાં વાત છે.
કામદેવ ગમે તેટલો બળવાન હોય પણ જેને રામ ચરણમાં રતિ જાગે તેને રતિપતિ કાંઈ કરી શકતો નથી.
રામાયણમાં કથા છે કે મિથિલામાં ભગવાન રામાચંદ્રજીનો જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે કામદેવ સાક્ષાત્ અશ્વનું રૂપ ધરેલું. પ્રભુના હાથમાં એની લગામ હતી.
મોટે ભાગે વરઘોડામાં વરરાજો ઘોડો હોય અને એની ઉપર કામદેવનાં પલાણ હોય. અહીં કામની ઉપર રામનાં પલાણ છે.
રતિપતિ શિથિલ ધનુષ સો ડારો.
એક વાર ભગવાન સ્વામિનારાયણ રમૂજમાં સંતોની પ્રશંસા કરવા લાગ્યા, ‘હે પરમહંસો! તમે ભારે સમર્થ અને મોટા છો. તમે તો શિવ, બ્રહ્મા અને ઇન્દ્રાદિક દેવતાઓ જેવા છો?’
આપણને કોઈ ઇન્દ્ર જેવા રૂપાળા કહે તો દેડકાની જેમ ફુલાઈને ઢમઢોલ થઈ જઈએ પણ સભામાં બેઠેલા, બ્રહ્માનંદ સ્વામીથી આ વાત સહન ન થઈ તે ઊભા થઈ ગયા અને મર્મમાં બોલ્યા, ‘મહારાજ! ગાળો શા માટે દ્યો છો?’
શ્રીહરિ હસીને કહે, ‘સ્વામી! અમે ક્યાં ગાળો દઈએ છીએ, અમે તો તમારાં વખાણ કરીએ છીએ.’
બ્રહ્માનંદ સ્વામી કહે ‘મહારાજ! તમારી અવળવાણીને અમે ઓળખીએ છીએ. તમારા વખાણના કોચલામાં ભરોભાર ગાળો ભરી છે.’
શ્રીહરિ અજાણ્યા થઈને બોલ્યા, ‘સ્વામી, સમજાય તેમ કહો.’
બ્રહ્માનંદ સ્વામી કહે છે, ‘મહારાજ! તમે જેની સાથે અમને સરખાવો છો એની કથાઓ તો પુરાણોમાં છાપરે ચઢીને પોકારાય છે. કોઈ પારકી પત્ની પાછળ પાગલ થયા છે તો કોઈ સગી દીકરી પાછળ દોડ્યા છે અને ઇન્દ્રાદિ દેવોનાં તો કાંઈ ઠેકાણાં જ નથી! રાત પડે તોય હરાયા ઢોર જેમ રખડ્યા કરે એમ વિષયાંધ થઈને દેવતાઓ રખડે છે. અમારી સરખામણી એ બધાની સાથે કરો છો અને પાછા કહો છો કે પ્રશંસા કરીએ છીએ!
બોલતાં બોલતાં બ્રહ્મમુનિ ખરા રંગમાં આવી ગયા અને પડકાર ફેંકતાં બોલ્યા, “મહારાજ! ‘તમે ભગવાન છો, અંતર્યામી છો, ઘટઘટની જાણો છો.’ જો એ વાત સત્ય હોય તો આ બ્રહ્માનંદ લાડુદાન મટીને બ્રહ્માનંદ બન્યો ત્યાર પછી એના અંતરમાં તમારી મૂર્તિ સિવાય વિષયસુખનો ઘાટ થયો હોય તો કહી દ્યો!”
બ્રહ્મમુનિના બોલ સાંભળતાંવેંત શ્રીહરિ ઊભા થઈ ગયા. એકદમ પ્રસન્ન થઈને બ્રહ્મનુનિને બાથમાં લીધા અને બોલ્યા, ‘સ્વામી! તમે બધાં તો દેવતાઓથી પણ શ્રેષ્ઠ છો. આ તો તમારી કસોટી હતી કે તમે અમારા શબ્દોની જાળમાં આવો છો કે નહીં? ’
શંકર ‘મદનારિ’ છે. શ્રીહરિ ‘મદનમોહન’ છે.
શત્રુભાવથી કામને વશ કરવો કઠણ છે. ઊલમાંથી ચૂલમાં પડવાનું જોખમ છે. શ્રીહરિ પોતાના લોકોત્તર સૌંદર્યથી કામદેવને પણ મોહ પમાડે છે. મૂઢને સાનભાન ન હોય તેમ મદન પણ મોહિત થઈને સાનભાન ગુમાવી બેઠો છે. હવે એ પોતાનાં હથિયારો ઉઠાવે તો પણ કઈ રીતે ઉઠાવે!
શ્રીહરિ પાસે કામદેવ હાર માને એ તો સહજ છે. શ્રીહરિનું ભજન, સ્મરણ, ધ્યાન, ઉપાસન કરનારા ભક્તો પણ શ્રીહરિના પ્રતાપે નિર્ભય બને છે.
રામબાણથી જેનાં હૈયાં વીંધાયાં હોય તેને કામબાણ કાંઈ ન કરી શકે!
વિકસે વારિજ નલિની સકુચી, મધુકર કરત ગુંજારો
વારિજ એટલે કમળ. નલિની એટલે કુમુદ.
ફરીથી સ્વામી સૂર્યોદય સમયે ઘટી રહેલી બે ઘટનાનું નિરૂપણ કરે છે.
કમળો ખીલી રહ્યાં છે. કુમુદ કરમાઈ રહ્યાં છે. સૂર્યથી ખીલે તે કમળ. ચંદ્રથી ખીલે તે કુમુદ. આત્મજાગરણના મંગળ અવસરે કમળો ખીલ્યાં તે કમળો ક્યાં? તો સુપ્રસિદ્ધિ ગાયત્રી મંત્રમાં કહે છે –
ધીયો યો નઃ પ્રચોદયાત્।
‘હે ભુવન ભાસ્કર! પરબ્રહ્મ તમારાં અમૃત સ્ત્રવતાં કિરણોથી અમારાં પ્રજ્ઞાનાં કમળ ખીલો!’
અહીં સાધારણ કમળોના ખીલવાની વાત નથી. અહીં પ્રજ્ઞારૂપી કમળનાં સહસ્ત્રદળ ખીલવાની વાત છે.
અહીં કમળ પ્રજ્ઞાનું પ્રતીક છે. કુમુદ બુદ્ધિનું પ્રતીક છે.
માધવમાં રમે તે પ્રજ્ઞા કહેવાય. માયામાં ભમે તે બુદ્ધિ કહેવાય.
એક દ્રષ્ટિએ બુદ્ધિ પ્રજ્ઞાનું નિકૃષ્ટતમ રૂપ છે.
શેરડીના રસને ઉકાળે એમાંથી ગોળ બને, ખાંડ બને અને પાસાદાર સાકર પણ બને. એ જ ઊકળતા રસના ઉપરના ભાગે કાળો કાળો મેલ જામે જેને કાઠિયાવાડી ભાષામાં ‘કામસ’ કહેવાય. મોટે ભાગે લોકો તેને ‘મોલાસીસ’ તરીકે ઓળખે છે. રસનું શ્રેષ્ઠ રૂપ સાકર છે. રસનું નિકૃષ્ટ રૂપ મોલાસીસ છે. સાકરમાંથી મીઠાઈઓ બને, મોલાસીસમાંથી દારૂ બને. સાકર પણ ઊર્જા પૂરી પાડે, મોલાસીસ પણ ઊર્જા પૂરી પાડે. ઊર્જા તો બેયમાં ભરી છે પણ મોલાસીસમાંથી પેદા થયેલી ઊર્જા પાગલ બનાવે, સાકરની ઊર્જા શરીરને ધબકતું રાખે છે.
પ્રજ્ઞા ચૈતન્યની ઊર્જા છે, બુદ્ધિ મોલાસીસ છે.
પ્રજ્ઞા અધ્યાત્મમાં રમે છે, બુદ્ધિ ભૌતિકતામાં ભમે છે.
પ્રજ્ઞા સંવાદ છે, બુદ્ધિમાં વાદ અને વિવાદ છે.
પ્રજ્ઞાને જ્ઞાન ગમે છે, બુદ્ધિને જ્ઞાનાભાસ ગમે છે.
પ્રજ્ઞાને સૂરજ ગમે છે, બુદ્ધિને ચંદ્ર ગમે છે.
દર્શનશાસ્ત્રની દ્રષ્ટિએ પણ બુદ્ધિના દેવ ચંદ્ર છે.
આગળ જોયું તેમ ચંદ્ર પરોપજીવી છે. ચંદ્રની ચાંદની અને સુધા સૂર્યના પડછાયા છે.
પ્રજ્ઞા આનંદના મૂળ સ્ત્રોતને પ્રેમ કહે છે. બુદ્ધિ પડછાયાને પ્રેમ કરે છે. પરમાત્માની અમૃતમયી ઊર્જાને ઝીલવા માટે પ્રજ્ઞારૂપી કમળ પોતાની હજારો પાંખડીઓરૂપી પાત્રોને ઊર્ધ્વમુખ કરી આકાશ તરફ ધરે છે. જ્યારે એ જ સમયે બુદ્ધિરૂપી કુમુદ પોતાની પાંખડીઓનાં પાત્રોને બંધ કરીને બેસી જાય છે. પરિણામે પ્રજ્ઞા ઋતંભરા બને છે અને બુદ્ધિ ભ્રમણાભરી ભટકે છે.
વિકસે વારિજ નલિની સકુચી
અહીં વારિજ શબ્દોનો પ્રયોગ છે. કમળને ખીલવા માટે બે પરિબળ વિશેષ મહત્વનાં છે: ‘પાણી’ અને ‘સૂર્યપ્રકાશ’.
પ્રેમી ભક્તોનાં હૃદયમાં અનુરાગનાં જળ ભર્યાં છે.
પ્રજ્ઞારૂપી સહસ્રદળ કમળની નાળ ત્યાં પહોંચે છે. અહીં પ્રજ્ઞાના મૂળ અનુરાગની ધરતી સાથે જોડાયેલાં છે અને પાંખડીઓ સૂરજને ચૂમી રહી છે. અહીં પ્રજ્ઞા માત્ર જ્ઞાનમય નથી. પ્રેમમય છે. ભક્તિરસથી તરબતર છે.
અહીં મસ્તક અને હૃદયનો સંગમ થાય છે.
અહીં શબ્દો અને ભાવનો સંગમ છે.
અહીં સૂરતા અને નૂરતાનો સંગમ છે.
‘મધુકર કરત ગુંજારો’
અહીં મન મધુકર છે. ચંચલ મન ક્યાંય સ્થિર થતું નથી. નવા નવા રસ માટે નવાં નવાં ફૂલો ઉપર ભ્રમરની જેમ ભમ્યા કરે છે.
ભ્રમર અને મધુકરમાં ફરક છે. જ્યાં ત્યાં ભ્રમણ કરે તેને ભ્રમર કહેવાય અને રસમાં રમે તેને મધુકર કહેવાય.
માયાવી મન ભ્રમર છે, મુનિઓના મન મધુકર છે.
મન આખરે તો એક જ છે પણ સ્વભાવો બદલાઈ ગયા છે. જે માયાવી મન ભમરાની જેમ વિષયના આભાસી સુખ પાછળ ભમતું હતું એ જ મન હવે મધુકર બની શ્રીહરિની રૂપમાધુરીનું પાન કરે છે.
એક કમળ હોય તોય મધુકર લીન થઈ જાય, જ્યારે અહીં તો ભગવાનના શ્રી અંગમાં કમળનાં વન ખીલ્યાં છે. અહીં ચરણકમળ છે, હસ્તકમળ છે, નાભિકમળ છે, હૃદયકમળ છે, નેત્રકમળ છે, મુખકમળ છે. એક જ શ્રી અંગમાં કેટકેટલાં કમળોનો સમુદાય છે.
બાલમુકુંદ ભગવાનની સુંદર સ્તુતિ છે:
करारविंदेन पदारविंदम् मुखारविंदे विनिवेशयन्तम् I
वटस्य पत्रस्य पुट शयानम् बालं मुकुन्दम् मनसा समरामि II
‘કરારવિંદથી ચરણારવિંદને મુખારવિંદમાં પધરાવી પોતાના જ આનંદરસનો સ્વાદ માણતા, વડલાનાં પાંદડાંરૂપી પારણિયે પોઢેલા ભગવાન બાલમુકુંદને હું મનથી સ્મરું છું.’
મુનિઓના મનરૂપી મધુકરો પોતાની ચંચળતા છોડી આ કમળવનમાં સ્થિર થયા છે. મધુકરોને નિતનવા રસની પ્યાસ છે. શ્રીહરિના એક એક શ્રી અંગમાંથી ઝરતા મકરંદમાં નિત નવો આસ્વાદ છે. આ મકરંદનું મધુપાન મધુકરોને મત્ત બનાવે છે. મધુપાન કરતાં કરતાં મસ્તથી ઝૂમે છે, ગુંજારવ કરે છે.
‘મધુકર કરત ગુંજારો’
આ ગુંજારવ એટલે વૈદિક ઋષિઓના કંઠમાંથી સ્ત્રવતી ઋચાઓ.
આ ગુંજારવ એટલે સંતોના મુખમાંથી સ્ત્રવતાં સ્તવનો.
આ ગુંજારવ એટલે શુકદેવજીના મુખમાંથી ઝરતું ભાગવત.
આ ગુંજારવ એટલે તુલસીદાસના મુખમાંથી સ્ત્રવતી રામાયણની ચોપાઈઓ.
આ ગુંજારવ એટલે સૂર, મીરાં, નરસિંહ, પ્રેમસખીનાં કીર્તનો.
મધુકર સ્વયં તો આનંદ માણે જ છે પણ ગુંજારવથી અન્યને પણ લોકોત્તર રસનું પાન કરવા આમંત્રણ આપે છે.
पिबत भागवतम् रसमालयम् I
मुहुरहो रसिक भुवि भावुकाः II
‘હે રસિકો! પ્યાસા પ્રેમીઓ! પધારો, આ ભક્તિરસથી ભરપૂર ભાગવતજીનું પાન કરવા વારંવાર પધારો.’
બોલત કાગ કપોત હંસ રવ, સૂની મન હરખ અપારો
પ્રાત:કાળના સમયે સૂર્યના છડીદાર તમચૂરથી સાવધ થયેલાં પંખીઓ કલરવ કરે છે; જાણે સૂર્યસ્તવનના મંત્ર ભણે છે.
પંખીઓ ભાતભાતના છે. એના સ્વરો ભાતભાતના છે. એમના સ્વરોના સારેગમના સાતે સ્વરનું ગજબનું મિશ્રણ છે. પંખીઓને જેવો સ્વર મળ્યો છે એનાથી એ સૂર્યને સ્તવે છે. આ સ્વરોમાં વિવિધતા છે. વિવિધતામાં એકતા છે. એકતામાં વૈવિધ્ય છે.
આ પંખીઓ પંખીઓ નથી પરમહંસો છે. ભલે એમના સ્વરો ભિન્ન ભિન્ન હોય, ભલે એમની રુચિમાં વૈવિધ્ય હોય પણ આખરે એ સ્તવન તો શ્રીહરિનું જ કરે છે. કોઈ ગુલાબના પુષ્પથી પૂજા કરે છે, કોઈ ગલગોટાના પુષ્પથી. સહુ સહુની રુચિ પ્રમાણે પૂજાની સામગ્રીમાં વૈવિધ્ય છે પણ આખરે પૂજાતો શ્રીહરિની જ કરે છે.
આ પરમહંસોના કંઠ એક માત્ર સરસ્વતીના સ્વામી એવા શ્રીહરિને વરેલા છે. આત્મ-જાગરણ પ્રાપ્ત થયા પછી સર્વે પરમહંસો શ્રીહરિના ‘જાગરણ’ માટે સ્તવન કરી રહ્યા છે.
સહુનાં હૈયાં સૂર્ય સમાન સર્વનાં પોષક, સર્વના પ્રકાશક, પરબ્રહ્મનાં સુંદર સાકાર તેજોમય રૂપનાં દર્શન માટે આતુર છે.
અથવા તો આ બધા પરમહંસો અલગ અલગ છે એમ નહીં, આ એક જ શરીરનાં ઇન્દ્રિયો અંત:કરણની જાતજાતની વૃત્તિઓ છે. એણે જાણે પંખાનાં રૂપ લીધાં છે. કોઈ કાગવૃત્તિ છે, કોઈ કપોતવૃત્તિ છે, કોઈ હંસવૃત્તિ છે. કાગસ્વરમાં કર્કશતા હશે પણ સાથોસાથ એકતા અને પ્રિયતમના સ્વાગતનો સંદેશ પણ છે. કપોતસ્વરમાં આસપાસના સર્વ વાતાવરણને અવતરણો છે.
પ્રસિદ્ધ કવિ અનિલ જોષીએ ‘કાગ’ માટે સુંદર પંક્તિઓ રચી છે,
ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ,
એવું તે મનભરી ગાતો,
જંગલમાં ધોધમાર વરસે ગુલમહોર ક્યાંક,
કાગડો થઈને જાય રાતો.
અહીં કવિએ લોકોથી તિરસ્કૃત કાગડાને ગુલમહોરની લાલ લાલ પ્રેમભરી પાંખડીઓથી સ્નાન કરાવી મન ભરીને ગાતો કર્યો છે.
પ્રેમાનંદ સ્વામી કહે છે કે, ‘હે પ્રભો! અમારી કલરવ કરતી સારી-નરસી સર્વ વૃત્તિઓ તમારા જાગરણની રાહ જોઈ રહી છે.’
આ વૃત્તિઓનાં કલગાર મનને આનંદથી ભરી દે છે. તો હવે ‘હે ભુવન સુંદર! ભુવનભાસ્કર! પ્રભો! જાગો.’
જાગો માધવ મદનમોહન, નેંનન નીંદ નિવારો;
પ્રેમાનંદ બલિહારી પામ્યો, નિરખી વદન તુમ્હારો...
હે માધવ! જાગો; હે મદન મોહન! જાગો.
માયાના પતિને માધવ કહેવાય, મદનના મનને મોહ પમાડે તેને મદનમોહન કહેવાય.
હે હરે! હવે અમને માયાની બીક નથી કારણ કે અમને માયાનાં પતિ માધવ મળ્યા છે.
હે હરે! હવે અમને કામાદિક શત્રુનો ડર નથી કારણ કે મદનમોહન અમારી આંખ સામે છે.
માધવ અને મદનમોહન આ બંને શબ્દોનો પ્રયોગ અદ્ભુતછે.
અંધકારના ખેલ અરુણોદય પછી ન સંભવે. માયા અને મદનના ખેલ રાત્રે જ ચાલે, દિવસે નહીં. માયાના ખેલ પૂરા થયા, હવે માધવની લીલા શરૂ થવાની છે. કામનાં ખેલ પૂરા થયા, હવે રામની લીલા શરૂ થવાની છે.
નેંનન નીંદ નિવારો.
હે મહારાજ! પ્રભાતનો સમય છે. આત્મજાગરણનો ઉષાકાળ છે. દૈવી સંપત્તિનો અરુણોદય છે. પણ હજુ કંઈક મહત્વનું ખૂટે છે.
અમારાં નેત્રો રથદર્શન માટે નહીં, સૂર્યદર્શન માટે ઝંખે છે. આપનાં પ્રેમસભર નેત્રો ખૂલે એ જ અમારા માટે સુર્યોદય છે. આપનાં અમૃતસભર, પ્રેમસભર, આનંદસભર નેત્રોની દ્રષ્ટિ અમારા ઉપર, આ સમસ્ત ભક્તવૃંદ ઉપર પડે એટલે અમારી સર્વ પૂજા પૂરી થાય. અમારાં સર્વ સાધન સફળ થાય. અમારાં બ્રહ્મજાગરણ પૂર્ણ અને કૃતાર્થ થાય. માટે હે કરુણાનિધાન! નેંનન નિંદ નિવારો.
નયનો ઉપરથી લીલાભરી યોગનિદ્રાને વિદાય આપો.
હે ભગવાન! આપના આ ત્રિભુવનસુંદર મુખારવિંદનાં દર્શનનાં અલૌકિક મહિમાનું વર્ણન હું કઈ રીતે કરું!
પ્રેમાનંદ બલિહારી પામ્યો, નિરખી વદન તુમ્હારો...
અહીં સ્વામી ‘બલિહારી જાઉં’ એમ નહીં પરંતુ ‘બલિહારી પામ્યો’ એમ કહે છે. મોટા ભાગે સંતસાહિત્યમાં કીર્તનરચનાના અંત ભાગે ભગવાન ઉપર બલિહારી જવાની, ઓળઘોળ થવાની વાત આવે છે.
જ્યારે અહીં વાત કંઈક ઊલટી છે. સ્વામી સ્વયં બલિહારી પામવાની વાત કરે છે. ભાવ એવો છે, ‘હે ભગવાન્! તમારા ગુણાનુવાદ ગાયા તો ભક્તો મારા ઉપર ઓળઘોળ થઈ રહ્યા છે.’
ભગવાનનું શ્રવણ કરતાં શુકદેવની વાહ વાહ થાય છે.
રામાયણનું શ્રવણ કરતાં તુલસીજીની વાહ વાહ થાય છે.
શહેનશાહે આલમ અકબર વખણાય એની સાથે એનાં નવરત્નો વખણાય એના જેવી આ વાત છે.
સ્વામી કહે છે, ‘હે મહારાજ! બલિહરી પામવની મારામાં કોઈ લાયકાત નથી. આ તો તમારા મુખારવિંદનાં દર્શન મને મળ્યાં એનો મહિમા છે.
નિરખી વદન તુમ્હારો.
આપની સાથે લોકો મને – પ્રેમસખીને યાદ કરે. એ તો આપની જ બલિહારી અર્થાત્ વાહ વાહ છે. બાકી મારામાં કાંઈ નથી. અમે તો મહારાજ!
‘કડવી તુંબરીયા મૈં તો નીચ ભોમકી,
ગુણસાગર પિયા તુમહી સંવારી’
કડવા તુંબડા જેવા અમે, અમારો કોઈ ધણી ન થાય, અમારો કોઈ ભાવ ન પૂછે. આ પંક્તિઓમાં પ્રેમાનંદ સ્વામીની નિરભિમાનતા દાદ માગી લે તેવી છે.
અહીં એક અદ્ભુતતા છે. આપણે ભગવાનના ગુણ ગાઈએ તો પ્રેમસખી રાજી થાય? પણ પ્રેમસખીના ગુણ ગાઈએ તો ભગવાન રાજી થાય. કારણ કે માને જેમ બાળક વહાલું હોય તેમ શ્રીહરિને પોતાના ભક્ત વહાલા છે. બાળકની પ્રશંસા માને ગમે તેમ ભક્તની પ્રશંસા ભગવાનને ગમે છે.
પ્રેમાનંદ બલિહારી પામ્યો, નિરખી વદન તુમ્હારો.
વાહ વાહની બુલંદીમાં પ્રેમાનંદ સ્વામી ભૂલા નથી પડતા. મહાત્માઓએ એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે આ બધી વાહ વાહ ભગવાનને લીધે છે, આપણા ગુણોને લીધે નહીં. ‘મારા જેવું કોઈ નથી’ એવું માનવું એ જ મોટી મૂર્ખાઈ છે.
આપણી વાહ વાહ થતી હોય ત્યારે એક વાર્તા કાયમ યાદ રાખવા જેવી છે.
કોઈ સ્થળે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણદેવનું મંદિર બંધાઈ રહ્યું હતું.
લક્ષ્મીનારાયણદેવની મૂર્તિઓ તૈયાર થઈને રાજસ્થાનથી આવતી હતી.
જૂનો જમાનો હોવાથી ત્યારે આજના જેવાં પરિવહનનાં સાધનો હતાં નહીં. એટલે કુંભાર પાસેથી ભાડે કરેલાં ગધેડાં ઉપર મૂર્તિઓ લવાતી હતી.
ગધેડાની પીઠ ઉપર છાલકું હતું અને છાલકાની બંને છાબોમાં લક્ષ્મીજી અને નારાયણની મૂર્તિઓ બિરાજતી હતી.
રસ્તામાં ગામડે ગામડે ઠાકોરજીનાં સામૈયાં થતાં હતાં. ઢોલ, નગારાં, શરણાઈઓ વાગતાં હતાં. અબીલ, ગુલાલ, ફૂલોથી વધામણાં થતાં હતાં. આરતીઓ ઉતારાતી હતી.
આ બધું થતું હતું, ઠાકોરજી માટે પણ એનો કેફ ગધેડાને ચડતો હતો. એને એમ કે, ‘આ બધું મારા માટે થઈ રહ્યું છે.’
રોજ ડફણાં ખાતા ગધેડા ઉપર અબીલ, ગુલાલ, ફૂલ પડે એટલે ગધેડું ફુલાય. આરતી ઊતરે એટલે ગધેડું મલકાય. ઢોલ-નગારાં અને શરણાયું વાગે ત્યારે ગધેડું પણ ક્યારેક ક્યારેક લાંબા રાગે શંખનાદ માંડે!
એમ કરતાં કરતાં મંદિર આવ્યું. મૂર્તિઓ ઉતારી લેવામાં આવી. ફૂલ, આરતી ને સામૈયાની લાલચે ગધેડું આઘું ખસે નહીં.
લોકોએ ધ્યાન ન દીધું. એટલે એણે લાંબો આલાપ માંડ્યો. પ્રતિષ્ઠાવિધિમાં વિક્ષેપ પડતો જોઈ, લોકોએ ડફણાં મારીને કાઢી મેલ્યું.
આ વાત મહાત્માઓએ ક્યારેય ભૂલવી ન જોઈએ. માન, સમ્માન, પૂજા, પ્રશંસા ઠાકોરજીને લીધે છે; ગધેડાને લીધે નહીં.
પ્રેમાનંદ સ્વામી સમર્પિત સંત છે. એમના અંતરમાં માનના અંકુર ક્યારેય ઊઠી શકે એમ નથી. એના હૈયામાં અતીતના ધૂણાની જેમ પ્રેમનો અગ્નિ અખંડ પ્રજ્વળે છે. એ પાવક અગ્નિમાં એમણે પોતાનાં અહં અને આસક્તિ સર્વ પ્રકારે હોમી દીધાં છે. એટલે તો એમને જે વાહ વાહ મળે છે તે પણ શ્રીહરિનાં ચરણમાં સમર્પિત કરતાં કહે છે કે
‘પ્રેમાનંદ બલિહારી પામ્યો, નિરખી વદન તુમ્હારો’
આરસનાં મંદિરોને કોઈ વાર કાળ ખાઈ જશે. સોના-ચાંદીનાં સિંહાસનો ભાંગીને ભુક્કો થશે. હીરા, માણેક અને મોતી ઉપર ધૂળના થર જામશે, પણ પ્રેમાનંદ સ્વામીનાં અમર પદો કાયમ ઝળહળશે. આને કાળ ખાઈ નહીં શકે, કારણ કે આ શાશ્વત પ્રેમની અમર ગાથાઓ છે.