ઝૂલો રસિયાવર રંગછેલા, ઝૂલાવું પ્રીતે અલબેલા; ઝૂલો.
મધુર સ્વર ગગન તે ઘનઘોરે, વિજળીઓ ચમકે ચ્યારે કોરે;
મચાયો શોર દાદુર મોરે. ઝૂલો. ૧
મનોહર તાલ મૃદંગ ગાજે, ગાયે ગોપી સુંદર સમાજે;
છબી જોઇ કોટિ કંદર્પ લાજે. ઝૂલો. ૨
સુણોં હરિ અબળાની અરજી, આવો ઓરા ભેટીયે ભૂધરજી;
પછી જેવી રાજ તણી મરજી . ઝૂલો. ૩
સુંદર શોભા કહી તે નવ જાયે, નિરખી નેણાં શીતળ થાયે;
પ્રેમાનંદ આગે ઉભો ગાયે. ઝૂલો. ૪