કડવી કર્કશ ન બોલીશ વાણીજી,
મીઠાબોલા માવને ન ગમતું જાણીજી;
મીઠડું બોલે છે શ્રીજી સુખખાણીજી,
તેના સેવક છો નથી ફાલતું પ્રાણીજી...ટેક.
નથી ફાલતું પ્રાણી તમે, છો શ્રીજીના પ્યારા સંત;
અંતરમાં અમૃત ભરો, આણો કડવાઈનો અંત...૧
મીઠું બોલી મહારાજની, મહા મહેર મેળવો આજ;
નથી કર્તા-હર્તા તમે, કટુ બોલ્યાનું શું કાજ...૨
હસો હસાવો શ્રીજી વસાવો, સહુનાં હૃદય મોજાર;
વાલમજીને વાલું લાગે, એવું ચિંતવો એકતાર...૩
કટુ બોલી ઘણાં દુ:ખી થયાં, ઘણાં થાય છે જરૂર;
માટે મીઠાબોલા સહુ થાઓ, નથી કટુ બોલ્યાની જરૂર...૪
કડવું બોલીને ક્રૂર દેખાવું, તે તો શોભતું નથી સંતને;
અંતરે વિચારી ઊંડું અતિ, આણો અવળાઈના અંતને...૫
આજથી વ્રત તમે લઈ લો, સદા મીઠું બોલ્યાનું ‘જ્ઞાન’;
સંત હરિભક્ત રાજી થશે, વળી રાજી થશે ભગવાન...૬
તા.૨૧/૦૪/૧૯૯૮, હિંમતનગર, બપોરે