મુખ્ય સામગ્રી પર જાઓ
Swaminarayan Kirtan

અમારો હેતુ

કીર્તન પ્યાસીઓનું આધુનિક પરબ

વ્હાલા ભક્તો,

ભગવાન સ્વામિનારાયણ ગ.મ.ના ૩૯ માં વચનામૃત માં કહે છે કે 'અમને વ્યાસજીના વચનમાં વિશ્વાસ છે. અને ભગવાન વ્યાસજી શ્રીમદ્ ભાગવતનાં સ્કંધ ૧૨ ના ૩જા અધ્યાયના 52 માં શ્લોકમાં કહે છે કે कृते यद् ध्यायतो विष्णु,त्रेतायां यजतो मखैः| द्वापरे परिचर्यायां कलौ तद् हरिकीर्तनात् || સત્યુગમાં ધ્યાન,ત્રેતાયુગમાં યજ્ઞ,દ્વાપરયુગમાં સેવા,અને કળીયુગમાં હરિકીર્તન એ ભગવત્પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સાધન છે.વળી આદિપુરાણમાં વ્યાસ ભગવાને કહ્યું છે કે नाहं वसामि वैकुण्ठे,योगिनां हृदयेन च |मद्भक्ता यत्र गायन्ति,तत्र तिष्ठामि नारद ||હું વૈકુંઠમાં વસતો નથી.યોગીઓના હૃદયમાં વસતો નથી.હે નારદ! જ્યાં મારા ભક્તો મારું કીર્તનગાન કરતા હોય છે ત્યાં હું રહું છું.આમ ભગવાને કીર્તન ભક્તિને ખુબ જ મહત્વ આપ્યું છે. અને ભગવાનની આ મરજીને સમજીને જ નંદ સંતોએ હજારોની સંખ્યામાં ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં કીર્તનો બનાવ્યા છે અને ગાયા છે. તે વખતે ધ્વનીમુદ્રણ(recording) ની વ્યવસ્થા ન હોવાથી તેના રાગ, માત્ર પરંપરાથી જેટલા આપણા સુધી પહોંચ્યા છે તેટલા ગવાતા આવ્યા છે.પરંતુ લેખન કાર્યની શોધ થયેલ હતી તેથી દરેક કીર્તનો લખાયેલા સ્વરૂપમાં સંગ્રહિત હતા. લગભગ સોએક વર્ષ સુધી આ ખજાનો એમને એમ સુષુપ્ત અવસ્થામાં રહ્યો.પરંપરાથી જે કીર્તનોના રાગ પ્રાપ્ત હતા તે ગવાતા રહ્યા.પરંતુ સંપ્રદાયના સુપ્રસિદ્ધ ગાયક પરમ ભક્તરાજ શ્રી ચંદુભાઈ રાઠોડે પરંપરાથી પ્રાપ્ત સિવાયના આ કીર્તનોને સ્વર બદ્ધ (રાગ બેસારી ગાવું) કરવાનું દિવ્ય કામ સંપ્રદાયમાં પહેલ વહેલું શરુ કર્યું.માટે જો પહેલવહેલો આ યશ કોઈને ફાળે જતો હોય તો તે જાય છે સંપ્રદાયના સુપ્રસિદ્ધ ભક્ત ગાયક શ્રીચંદુભાઈ રાઠોડને.અને ત્યાર પછી તો સંપ્રદાયમાં ખુબ જ જાગૃતિ આવી.ઘણા મંદિરો અને સંસ્થાઓ દ્વારા સંપ્રદાયના અપ્રસિદ્ધ કીર્તનો છપાવા લાગ્યા છે અને નવા નવા રાગોમાં તેની ઓડિયો કેસેટો પણ બહાર પાડવા લાગી છે.આ માટે હાલમાં નવા કીર્તનોને સ્વરબદ્ધ કરવામાં જો કોઈનો સૌથી મોટો ફાળો હોય તો તે છે હાલના સંપ્રદાયના સુપ્રસિદ્ધ ગાયક પરમ ભગવદીય શ્રી હસમુખભાઈ પ્રભુદાસભાઈ પાટડિયાનો.

અમારો હેતુ !......

વ્હાલા ભક્તો,......

આ વેબ સાઈટ બનાવવાનો અમારો હેતુ છે સંપ્રદાયના નંદસંતો અને સંપ્રદાયના અન્ય ભક્ત કવિઓના કીર્તનો અક્ષર સ્વરૂપે કે સ્વર સ્વરૂપે સંપ્રદાયના દરેક આશ્રિતોને આસાનીથી મળી રહે. હાલમાં ખુબ જ મોટી સંખ્યામાં જુદી જુદી જગ્યાએથી કીર્તનો રેકોર્ડીંગ થઈને સંપ્રદાયમાં પ્રસિદ્ધ થઇ રહ્યા છે. પણ કોને ક્યાંથી કયું કીર્તન પ્રસિદ્ધ કર્યું તે મેળવવું ખુબજ મુશ્કેલ છે. તે મુશ્કેલી નિવારવા આ વેબ સાઈટ બનાવી છે. આ વેબ સાઈટ પરથી સંપ્રદાયને લગતા બધાજ કીર્તનો અક્ષર સ્વરૂપે સંપૂર્ણ મળશે. અને ઉપલબ્ધ હશે તો તેનું રેકોર્ડીંગ(ગાયેલું) પણ સાંભળવા મળશે. આ સિવાય કીર્તનોને લગતી બીજી ઘણી માહિતી આ વેબ સાઈટ પર પ્રાપ્ત છે. શું શું માહિતી આપ આ વેબ સાઈટ પરથી મેળવી શકશો તે જાણવા માટે જમણી બાજુ ઉપર મદદ બટન છે, તે ક્લિક કરો.

www.swaminarayankirtan.org © 2026