પ્યારા તારી પ્રીતડી લાગી, પ્યારા તારી પ્રીતડી લાગી;
પ્રીતડી લાગી ભ્રમણા ભાંગી, જોઈ રસીલાનું રૂપ,
હો જીવન પ્રીતડી લાગી, પ્યારા તારી પ્રીતડી...ટેક
છડી સોનાની કર ગ્રહી, રૂડી ફૂમકિયાળી લાલ;
વેઢ વીંટી દશે આંગળીઓમાં, જોતાં વાધે વાલ...હો જીવન૦ ૧
સૂંથણી રંગ સોરંગની પેરી, જરકસી બુટાદાર;
નવરંગ નાડી હીરની લટકે, ફૂમકે ઝળકે તાર...હો જીવન૦ ૨
પગમાં ઝાંઝર હેમના તોડા, રૂપાળા રાજીવનેણ;
પેરી ઊભા પાતળિયો, સંત હરિજનના સેણ...હો જીવન૦ ૩
મૂર્તિ તારી માવજી મારે, ઉર રહો કરી વાસ;
દાસ હરિ ઊભો વંદના કરે, થઈ દાસનો દાસ...હો જીવન૦ ૪