વાલીડાને જોઈને મોઈ, વાલીડાને જોઈને મોઈ;
જોઈને મોઈ પ્રેમથી પ્રોઈ, પેરાવું ફૂલના હાર,
હો પ્યારા જોઈને મોઈ, વાલીડાને જોઈને મોઈ...ટેક
ફૂલ ડોલરિયા ચંપા ચમેલી, ગેહેરે રંગે ગુલાબ;
સારા સેવતી મોગરા કેરા, ભાવે ભરી લાવું છાબ...હો પ્યારા૦ ૧
બાજુ જડેલ મોંઘે મોતીડે, બાંધી લીધા બેઉ બાંય;
બહુ શોભે રૂડા બેરખા કાજુ, કનક કડાં કરમાય...હો પ્યારા૦ ૨
ઉપરણી ખભા ઉપરે ઝગે, જરકસી જામાની ચાળ;
કટી કંદોરો હેમનો બન્યો, જોયા જેવો તાળ...હો પ્યારા૦ ૩
રેંટો ગૂઢા રંગનો કમરે, કસિયો કરીને પ્યાર;
દાસ હરિ દેખી ડોલરિયાને, વાર વાર બલહાર...હો પ્યારા૦ ૪