મૂરખ કેવામાં માલ શું છે, મૂરખ થાઉં કોને હૃદે રુચે રે...ટેક
મૂરખ કહીએ તો મારવા ઊઠે, ઊલટો ભમરો ભૂંસે;
વખાણ કરે તો વહાલું લાગે, પ્રેમે સહિત પૂછે રે...મૂરખ૦ ૧
મૂરખ મિત્ર કરીએ તો, મૂળગો ખરી વેળા ખૂંચે;
જ્ઞાન ગમારને લાગે નહિ, તો વિજ્ઞાન વસમું છે રે...મૂરખ૦ ૨
સુખની વાત પણ સવળી ન સૂઝે, ઊલટો થાય ઘૂંચે;
શાણા લે સવળું મૂરખ લે અવળું, પ્રગટ પારખું છે રે...મૂરખ૦ ૩
ગુણ-અવગુણ એના ગોતી જુઓ, એમ કથામાં કહ્યું છે;
દાસ હરિ કે જુઓ વિચારી, આ જગત જૂઠું છે રે...મૂરખ૦ ૪