મૂરખ અંતરશત્રુ મોટા રે, નિત કરે મનોરથ ખોટા રે...ટેક
સુખ સંસારના સર્વે છે, તે પાણી તણા પરપોટા;
મળી-ટળી જાય એક પલકમાં, ધુમાડાના ગોટા રે...મૂરખ૦ ૧
ત્રણ તસુના ખેતરમાં છે, દસ વીસ ડાભના ઓટા;
પિંડ પાંદરડાં ખેતરમાં પેઠા, કામ ક્રોધ લોભ કોંટા રે...મૂરખ૦ ૨
પ્રમોદની પિસ્તોલમાં ભરો, તીવ્ર વૈરાગ્ય તોટા;
ચેતી ચતુર નર શીલ સંતોષના, વાળો વજ્રકછોટા રે...મૂરખ૦ ૩
નીમ નિશ્ચયની નાળ્યુંના છોડો, શત્રુ સામા જોટા;
દાસ હરિ કે દુશ્મન ભાગે, કરતા ખેલ ખોટા રે...મૂરખ૦ ૪