અમી ભરેલી છે આંખો તમારી, વેણાં છે સુખના દેનાર રે;
તમારા માટે આ પ્યારા સંતોએ, છોડી દીધાં ઘરબાર રે...૧
મોટા મોટા જોગી વનમાં જઈને, ધરે છે તમારું ધ્યાન રે;
મોટા મોટા ઈશ્વરો તમને નમે છે, મૂકીને મનનું તે માન રે...૨
મોટા મોટા કવિઓ ગાય તમોને, ભક્તો નાચે તુજ પાસે રે;
સવે ર્ને વાલમ એક તમારી, મનમાં રહે છે આશે રે...૩
નખશિખ મૂર્તિ તમારી વાલા, સુખ-શોભાનું છે ધામ રે;
દયા કરીને તમે મળ્યા છો મુજને, પ્રીતમ શ્રી ઘનશ્યામ રે...૪
ગાયા કરું ગુણ ધર્યા કરું ધ્યાન, રાજી કરું તુને નાથ રે;
જ્ઞાનસખીનો તમે સર્વોપરી હરિ, હેતે ઝાલ્યો છે હાથ રે...૫