સર્વોપરી તમે એક છો હરિ, બીજા તમારે આધારે રે;
મોટા તો જન એ જ થાય છે જાણો, તમને જે જે સંભારે રે...૧
તમારો સ્વભાવ એવો દયાળુ, જાણે જેવા જેહ તમને રે;
એવા જ એને બનાવી દ્યો છો, એવું કહ્યું છે તમે સહુને રે...૨
સુખ ભરેલી છબી તમારી, સહુને સુખ તમે આપો રે;
સહુની ઉપર કૃપા કરીને, સહુનાં દુ:ખ તમે કાપો રે...૩
મંદ મંદ હસતું મુખડું તમારું, ભાવે કરીને હું ચૂમું રે;
ગાંડી ઘેલી થઈ હરિવરિયા, તુજ સંગ નાચું ને ઝૂમું રે...૪
અંગોઅંગ તારાં નીરખું હું સ્નેહે, સ્પર્શ કરું ધીરે ધીરે રે;
જ્ઞાનસખીને તમે અતિ ગમો છો, વળગી પડું હું અધીરે રે...૫