હરિ મારા તમે રાજકુંવર છો, હું છું તમારી રાણી રે;
ધ્યાન તમારું હું પળ ના મૂકું, જાણીને મોટી કમાણી રે...૧
રૂપ તમારું જોઈને હું મોહી, સ્નેહે હું તુજમાં સમાણી રે;
સુખ આવે છે વાલા અપરંપાર, કેમ શકું હું વખાણી રે...૨
બસ મને મારા મોહન તમે, રાખજો આમ ને આમ રે;
તમારા વિના મને બીજું ન દેતા, તમારું છે મારે કામ રે...૩
સુંદર શણગાર સજી સર્વોપરી, મુજ સંગ હિંડોળે ઝૂમો રે;
ભાવે કરી પિયુ ભેટી પડોને, પ્રિયવર મુજને ચૂમો રે...૪
સ્નેહ કરાવ્યો તમે જ મુજને, તમારી મૂરતિમાંય રે;
જ્ઞાનસખીને વાલા તમ વિનાનું, હવે ક્ષણ ન રહેવાય રે...૫