મુજ મંદિરે મોજ કરોને, આપોને દરશન લ્હાવો રે;
ફૂલે સંવારી સેજડી મારી, નિત નિત રસિયા શોભાવો રે...૧
તમારા વિના જીવ્યું ન જાયે, હવે ન છેટું રહેવાય રે;
થઈ તારી દાસી મરજી હું પાળું, રાજી કરું હરિરાય રે...૨
મનમાં મારે મહિમા તમારો, ભર્યો અખંડ ઠાંસી ઠાંસી રે;
તમારા આનંદ ખાતર પિયુજી, કરજો મારી તમે હાંસી રે...૩
હસજો મારી સામું જોઈને, બીજું ન જોઈએ કાંય રે;
સ્નેહમાં ને સ્નેહમાં સ્વામી હું તમને, અર્પાઈ ગઈ છું સદાય રે...૪
અનંતકોટિ બ્રહ્માંડના સ્વામી, તમે છો રાજાધિરાજ રે;
જ્ઞાનસખીના સદા વિહામા, પ્યારા છો શ્રીજીમહારાજ રે...૫