પછી સંત પંગતની માંય રે, પીરસે આવીને ત્યાંય રે;
રૂડો શોભી રહ્યો દરબાર રે, બેઠી પરમહંસ હાર રે...૧
વાલો પીરસે ને સંતો જમે રે, ભક્તજનોને ગમે રે;
કદી લીલા કરે એવી નાથ રે, વધુ જમો તો મૂકું હાથ રે...૨
પછી જમનારા બહુ જમે રે, વાલીડાને બહુ ગમે રે;
એમ લીલા કરે લાલ બહુ રે, સંભારે જન સહુ રે...૩
એમ સલીલ ધ્યાન સદાય રે, કર્યા કરીએ મનમાંય રે;
તેથી વિયોગ તાપ ટળી જાય રે, હેતમાં દિન વહી જાય રે...૪
સખી આ પદ સુણશે ને ગાશે રે, અંતરે સુખ બહુ થાશે રે;
જ્ઞાનસખીનો પિયુ રાજી થાશે રે, બ્રહ્મપુરે તેડી જાશે રે...૫