હવે કહું છું સલીલ ધ્યાન રે, નદીએ જાય ભગવાન રે;
રૂડી ધોતી પે’રી હરિ નાય રે, સર્વે અંગો દેખાય રે...૧
જોતાં હેત હૈયામાં બહુ થાય રે, અખંડ ધ્યાન ધરાય રે;
સંતો જળ ઢોળે હરિ ઉપરે રે, દર્શન કરું એક નજરે રે...૨
સંતો જળમાં કીર્તન ગાય રે, ચપટી વગાડે છે રાય રે;
વાલો જળમાં ડૂબકી ખાય રે, નીસરે છે વળી ક્યાંય રે...૩
નિજ ભક્તને મોહ પમાડે રે, નવલા ખેલ દેખાડે રે;
જોઈ દાસ આનંદ બહુ પામે રે, હેત હરિમાં નવું જામે રે...૪
નાહી નીસરે જળથી બારા રે, લાગે પિયુ બહુ પ્યારા રે;
જ્ઞાનસખી કરે છે દરશન રે, ટાઢું બહુ થાય મન રે...૫