વાલો રાસ રમે ને રમાડે રે, દાસને આનંદ પમાડે રે;
ક્રિયા કરે કરાવે બહુ રીત રે, પોતામાં કરાવા પ્રીત રે...૧
આશય છે અંતર એવો રે, મારો જ આનંદ દેવો રે;
વાલો લટકાં કરે બહુ પેરે રે, સૌ જનનાં ચિત્ત હેરે રે...૨
જોઈ રમતી સલૂણી મૂરતિ રે, કોઈ ભૂલે ના ઉરથી રે;
પછી જમવા પધારે સ્વામી રે, થાળ જમે બહુનામી રે...૩
બેઠા હોય જે પોતાના દાસ રે, આપે પ્રસાદી ખાસ રે;
જમી ચળું કરી સુખકારી રે, મુખવાસ લે અવિકારી રે...૪
થાળ પ્રસાદી નાથ રખાવે રે, રસોઈવાળાને અપાવે રે;
જ્ઞાનસખીને આનંદ આપે રે, માયાનાં બંધન કાપે રે...૫