નાહી વસ્ત્ર પે’રે વાલો ઝટ રે, ઘોડલા ખેલાવે નદી તટ રે;
ચડે માણકીએ અવતારી રે, છલાંગ દૈ સુખકારી રે.૧
ઝાલી લગામ ડાબે હાથે રે, પાની મારી પેટ સાથે રે;
ઘોડી ઊપડી પૂર ઝપાટે રે, સહુ જુવે ગુણ ગાતે રે.૨
બીજા સર્વે સખા ચડયા ઘોડે રે, પણ ઘોડા નવ દોડે રે;
મારે પોતાના ઘોડાને પાટે રે, માણકી જાય ઝપાટે રે.૩
પછી માણકીને પાછી વાળી રે, સખાને મળ્યા વનમાળી રે;
વાલો મંદમંદ હસતાં આવ્યા રે, દર્શનથી સહુ ફાવ્યા રે.૪
સહુ સખા બોલે છે ત્યાંય રે, ભણું અમથી ન પોં’ચાય રે;
એમ ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, જ્ઞાન જુવે નર-વામ રે.૫