કહાવે સંદેશો વ્રજનાર રે ઉદ્ધવજી સાથે, થયા નિરદયી ૧/૧

 

અધ મહિના પ્રારભ્યતે

પદ ૭૭ મું-રાગ મારુ(૧/૧)

કહાવે સંદેશો વ્રજનાર રે ઉદ્ધવજી સાથે, થયા નિરદયી

નંદકુમારરે ઉદ્ધવ અમ માથે;

ઉદ્ધવ કેહેજો એટલુંરે જઇને જીવન પાસ, દીલાસે દુ:ખીયાં

થયાં રહ્યાં કપટીને વિશ્વાસે રે. ઉદ્ધ૦ ટેક.

ચઇતર માસેરે ચિંતા થઇ ચઇતર માસેરે, * ચઇતરે ચિંતા થઇ

ઘણીરે શ્યોરે કરું ઉપાયે;

વિયોગે વલખી ફરું મારા પાપી પ્રાણ ન જાયે રે. ઉદ્ધ૦ ૧

વાયા વૈશાખેરે વાવલીયા વાયા વૈશાખે રે, વૈશાખે વરસે

ઘણીરે ગ્રીષમ રુતુની ઝાળ;

નીરવિના જેમ માછલી તેમ દુ:ખીયાં અમે ગોપાલ રે. ઉદ્ધ૦ ૨

જેઠે જાણ્યુંરે ઉધા અમે જેઠે જાણ્યું રે, જેઠે જાણ્યું

નહીં જીવુરે જાદવ વિના જરુર;

દાહ દેવાને મેલજો તમે વળી વેહેલો અકરુર રે. ઉદ્ધ૦ ૩

અસાડે ના આવ્યારે ઉદ્ધવજી અસાડે ના આવ્યારે,

ના આવ્યા અસાડે નાથજીરે ગરજ્યો મેઘ મલાર;

પરદેશે વિલમિ રહ્યા કોઇ મળીરે ઠગારી નાર રે. ઉદ્ધ૦ ૪

શ્રાવણ વરસેરે સરવડીએ શ્રાવણ વરસેરે, શ્રાવણ વરસે

સરવડેરે બોલે ચાત્રુક મોર;

કોકિલા ટઉકે ઘણી મને વિરહ સંતાપે છે જોર રે. ઉદ્ધ૦ ૫

રેણ અંધારીરે ભાદરવાની રેણ અંધારીરે,

રેણ અંધારી હું એકલડીરે ગરજે ભાદર માસ;

વિજલડી ચમકા કરે નહીં પ્રાણ રહ્યાની આસ રે. ઉદ્ધ૦ ૬

આશા લાગીરે આસો માસે આશા લાગીરે, આશા લાગી

લાલનીરે જેમ તે ચંદ ચકોર;

જીવન જમુના કાંઠડે ક્યારે મળશે નંદકિશોર રે. ઉદ્ધ૦ ૭

_______________________________

*”ચિંતા ચૈત્ર માસેરે થઇ ચિંતા ચૈત્ર માસેરે, ” પાઠાન્તર છે.

કારતક માસેરે કહાવ્યું હરિએ કારતક માસેરે, કારતક માસે

કહાવ્યુંરે કપટ વચન બળવીર;

દીવાળી દુ:ખમાં ગઇ ન આવ્યા શ્યામ શરીર રે. ઉદ્ધ૦ ૮

માગસર માસેરે ઉધા હવે માગસર માસેરે, માગસર માસે

નહીં મળેરે મોહન સુંદરશ્યામ;

પ્રાણ સહિત અમે ત્યાગીશું ઉદ્ધવજી ગોકુલ ગામ રે. ઉદ્ધ૦ ૯

પોષે પેહેરીરે ઉધા અમે પોષે પેહેરીરે, પોષે પેહેરીને ચાલશુંરે

જોગણીયુંના ભેખ;

આવીને જગાવશું અમે મથુરામાં અલેખ* રે. ઉદ્ધ૦ ૧૦

માઘે મેલીરે ઉધા અમે માઘે મેલીરે, માઘે મોહન

કારણેરે મેલી લોકની લાજ;

જોગણ થઇ વ્રજવિનતા તમે આવો જોવા વ્રજરાજ રે. ઉદ્ધ૦ ૧૧

ફાગણ ફુલ્યોરે ઉધા હવે ફાગણ ફુલ્યોરે, ફાગણ ફુલ્યો

ફૂલડેરે મોર્યા આંબા મોર;

વિરહિની અંતર વેંધવા ફુલ્યાં કેસું નાહર નોર રે. ઉદ્ધ૦ ૧૨

અધિક માસેરે આવ્યા હરિ અધિક માસેરે, અધિક માસે

આવ્યારે રામકૃષ્ણની જોડ;

પ્રાણ સનેહિ શામળે પુર્યા ગોપીના સરવે કોડ રે. ઉદ્ધ૦ ૧૩

જે કોઇ ગાયેરે પ્રીતે કરી જે કોઇ ગાયેરે, જે કોઇ ગાયે

ને સાંભળેરે પ્રીતે બારે માસ;

પ્રેમાનંદનો નાથજી તેને આપશે વૈકુંઠે વાસ રે. ઉદ્ધ૦ ૧૪

 

ઇતિ મહિના સંપૂર્ણ

મૂળ પદ

કહાવે સંદેશો વ્રજનાર રે ઉદ્ધવજી સાથે, થયા નિરદયી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી