આજ તાંડવ તણી ડાક બાજી રહી, તાલ દઇ કાલ વિકરાલ નાચે, ૧/૧

 ૧/૧ ૧૦૫ મદભર્યા માનવીને

આજ તાંડવ તણી ડાક બાજી રહી, તાલ દઇ કાલ વિકરાલ નાચે,
ધોર ફુંકી રહ્યા પ્રલયના વાયરા. હર્ષમાં મૃત્યુનો દેવ રાચે,
નાશના ચક્રમાં ચકર ફરતી અરે ! બહાવરી ભાસતી સૃષ્ટિ સારી,
ચેતરે ! ચેત ઓ મદભર્યાં માનવી ! દાનવી બુદ્ધિ દફનાવ તારી,
જુથ રાવણ તણું કુલ કૌરવ તણુ, એ સહુ આજ તો દુર દીસે,
કાલ કૈઝર ગયો ફાંકડી મુંછનો, ઝારની છાર તો ક્યાં રહી છે !
મરદ કીચનર સમા ગરદ કૈ થઇ ગયા ભલભલાની ટકી ના ખુમારી,
ચેત રે ! ચેત ઓ મદભર્યાં માનવી ! દાનવી બુદ્ધિ દફનાવ તારી,
જંગ માડી મહા હીટલરે કારમો, ચાક પર મેદનીને ચડાવી,
રૂસ ઇંગ્લેન્ડનાં ગાત્ર ધ્રુજી ગયા, જગત પર નાશની આંધી આવી !
જીતના બ્યુગ્લો ફુંકતો ફુંકતો, એક ક્ષણમાં ગયો સર્વ હારી.
ચેત રે ! ચેત ઓ મદભર્યાં માનવી ! દાનવી બુદ્ધિ દફનાવ તારી,
જોર જાપનનું અનુભવી આકરું, માતબર અમેરિકા મુંઝાયું,
શાંત સિંધુ ઉઠ્યો ખળભળી પેસેફિક હિંદના દ્વાર લગી સૈન્ય ધાયું,
બે જ અણુંબોંબથી રાડ ફાટી ગઇ, બૂરી રીતે ગુલામી સ્વીકારી,
ચેત રે ! ચેત ઓ મદભર્યાં માનવી ! દાનવી બુદ્ધિ દફનાવ તારી,
જુક્તિથી જોરથી જુલ્મથી હિંદને દોઢ સેકા લગી ખુબ ખૂંઘો,
સળવળ્યો દેશ તો ઝેર ને વેર ના, ભેદને દમનથી છેક છૂંઘો,
જગતમાં શ્રેષ્ઠ અંગ્રેજી એ સલ્તનત, આજે ખાડે ગઇ થઇ બિચારી,
ચેત રે ! ચેત ઓ મદભર્યાં માનવી ! દાનવી બુદ્ધિ દફનાવ તારી,
રાજવી મંડળે મનગમી મોકળે, સમયના ધર્મને ના પિછાણ્યો,
ત્રાસ દઇ દેશીને દાસ પરદેશ થઇ, દુર્વિલાસે પડી રંગ માણ્યો,
તાજ તુટ્યા પછી રાજ છુટ્યાં જુઓ, આજ એ મટી ગયા મુકુટધારી,
ચેત રે ! ચેત ઓ મદભર્યાં માનવી ! દાનવી બુદ્ધિ દફનાવ તારી,
લાંચ કે લુંટ કાળા બજારો તણાં, દ્રવ્ય અન્યાયના દુ:ખ દેશે,
એશ આરામ સત્તાતણી જિંદગી, કોઇની આજ ના સ્થિર રહેશે,
શ્રમ કરી સત્યને પ્રેમમય જીવનમાં સર્વના શ્રેયનું ધ્યેય ધારી,
ચેત રે ! ચેત ઓ મદભર્યાં માનવી ! દાનવી બુદ્ધિ દફનાવ તારી,
 
મૂળ પદ

આજ તાંડવ તણી ડાક બાજી રહી, તાલ દઇ કાલ વિકરાલ નાચે,

રચયિતા

ત્રિભુવનભાઇ વ્યાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી