ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં, થયાં કોટિ કલ્યાણ ૧/૧

ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં, થયાં કોટિ કલ્યાણ;
	ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ (૨)...ભાગ્ય૦ ૧
અનાથપણાનું મે’ણું ઊતર્યું, સદા થયા સનાથ;
	ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ (૨)...ભાગ્ય૦ ૨
કંગાળપણું કહેવા ન રહ્યું, સદા મનાણું સુખ;
	મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં દુ:ખ (૨)...ભાગ્ય૦ ૩
અણસમજણ અળગી થઈ, સમી સમજાણી વાત;
	પાપળાં સર્વે પરા પળ્યા, મળ્યા શ્રીહરિ સાક્ષાત (૨)...ભાગ્ય૦ ૪
કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ;
	ખોટય મટીને ખાટય થઈ, રહી ગયો છે રંગ (૨)...ભાગ્ય૦ ૫
ભૂધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર;
	સુખ તણી સીમા શી કહું, મને મોદ અપાર (૨)...ભાગ્ય૦ ૬
આજ આનંદ વધામણાં, હૈયે હરખ ન માય;
	અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય (૨)-ભાગ્ય૦ ૭
આજ અમૃતની હેલી થઈ, રહી નહિ કાંઈએ ખોટ;
	એક કલ્યાણ ક્યાં રહ્યું, થયાં કલ્યાણ કોટ (૨)...ભાગ્ય૦ ૮
રાંકપણું તો રહ્યું નહિ, કોઈ મ કહેશો કંગાલ;
	નિર્ધનિયા અમે નથી, મહા મળિયો છે માલ (૨)...ભાગ્ય૦ ૯
કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ;
	ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ (૨)...ભાગ્ય૦ ૧૦
ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળિયા મહારાજ;
	નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ (૨)...ભાગ્ય૦ ૧૧
 

મૂળ પદ

ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયાં કોટિ કલ્યાણ;

મળતા રાગ

ધોળ ઢાળ-જનુની જીવો રે ગોપીચંદની

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી