અમો પાકા એકાંતિક છઈએ, પણ ધર્મ નિયમમાં ન રહીએ ૧/૧

અમો પાકા એકાંતિક છઈએ, પણ ધર્મ નિયમમાં ન રહીએ,
કોણ પૂરું પાળે આજ, થાય તેટલું કરીએ કાજ;
	માથું મારીને ધામમાં જઈએ, પણ ધર્મ નિયમમાં ન રહીએ...૧
અમો મોટાં મંદિરમાં જઈએ, પણ દર્શનનું સુખ નવ લઈએ,
નિયમ બકાડવાને કાજ, જાણે છઈએ ભક્તરાજ;
	એમ દેખાડવા આંટા દઈએ, પણ દર્શનનું સુખ નવ લઈએ...૨
અમો યાત્રા કરવા જઈએ, પણ દાન કોઈને નવ દઈએ,
ધન ધૂતવાને કાજ, અહીં બેઠો છે સમાજ;
	એમ અવગુણ બધાનો લઈએ, પણ દાન કોઈને નવ દઈએ...૩
અમો તીરથે નાવા જઈએ, મળે ગંગા પણ નાવા ન રહીએ,
આ તો ટાઢું પાણી બહુ, આમાં નવાય નહિ કહું;
	થાય શરદીને મરી જઈએ, મળે ગંગા પણ નાવા ન રહીએ...૪
અમો સત્સંગમાં નિત્ય જઈએ, એને હૃદયમાં ગરવા ન દઈએ,
આ તો કડક બધાં ને’મ, એ તો કહો પળાય કેમ;
	એમ બા’નાં બીજાં ત્રીજાં દઈએ, પણ હૃદયમાં ગરવા ન દઈએ...૫
અમે પાકા હરિભક્ત છઈએ, શિક્ષાપત્રી પ્રમાણે ન રહીએ,
આટલું બધું ક્યાંથી પળે, ધામ મળવું હોય તો મળે;
	એમ મોળી વાતો સહુને કહીએ, શિક્ષાપત્રી પ્રમાણે ન રહીએ...૬
અમો જૂના સત્સંગી છઈએ, મળ્યે ટાણું મંદિરે ન જઈએ,
મંદિરે કર્યું બહુ ભજન, નવા જાણો શું રે મન;
	અમે રીઢા તો ઠબકો દઈએ, મળ્યે ટાણું મંદિરે ન જઈએ..૭
અમે પ્રસાદીનું કુળ છઈએ, પણ ડુંગળી લસણ હીંગ ખાઈએ,
મંદિર જોઈએ નહિ ભગવાન, જોઈએ બીડી માવા પાન,
	શ્રીજી વખતનો સત્સંગ કહીએ, પણ ડુંગળી લસણ હીંગ ખાઈએ..૮
અમારું ખોરડું સત્સંગી કહીએ, અમો કુસંગી એમાં જ રહીએ,
સાત પેઢીનો સત્સંગ, જૂના કાટને ન ચડે રંગ,
	બાપદાદાનું માહાત્મ્ય ગાઈએ, અમો કુસંગી એમાં જ રહીએ..૯
 

મૂળ પદ

અમો પાકા એકાંતિક છઈએ, પણ ધર્મ નિયમમાં ન રહીએ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી