વિવેચન:
વિવેચન ૧
-;આસ્વાદઃ-
‘જનમ સુધાર્યો રે હો મારો, મળીયા નટવર નંદ દુલારો.’
આ કીર્તનના એક એક શબ્દ પ્રેમથી ભરેલા છે. પ્રેમ અને આનંદ હંમેશાં સાથે જ રહે છે. જ્યાં પ્રેમ ત્યાં આનંદ, જ્યાં આનંદ ત્યાં પ્રેમ.
મુક્તમુનિના અંતરનો આનંદ ‘શ્રીહરિના મિલનનો છે’ એમ કહેવા કરતાં ‘મળેલા શ્રીહરિને ઓળખ્યાનો છે.’ એમ કહેવુ વધારે વ્યાજબી છે. શ્રીહરિ મળે તો ઘણાને, પણ ઓળખે વિરલા જ. પારસમણિ પાસે જ હોય પણ આનંદ તો ઓળખે ત્યારે જ થાય. ઓળખાણ ત્યારે જ થાય જ્યારે ઓળખાવનારા મળે. ઓળખાવનારા ન મળે તો શ્રીહરિ સામે ઊભા હોય છતાં ન ઓળખાય.
મુક્તમુનિને રામાનંદ સ્વામી જેવા ઓળખાવનારા મળ્યા. આખરે મુક્તાનંદ સ્વામીની જીવનસરિતા સહજાનંદ સિંધુમાં સમર્પિત થઈ ગઈ.
સરિતા ગમે તેવી સુંદર હોય પણ સાગરને મળ્યા સિવાય રેતીમાં સમાઈ જાય તો એની સુંદરતા વિધવાનાં શણગાર જેવી અડવી લાગે. સોહાગણ સુંદરી જેવી સાર્થક ન લાગે.
ઘણાંનાં જીવન ભારે સુંદર હોય. લલિત કળાઓથી ભરેલાં હોય પણ જો એમની જીવનધારાઓ શ્રીહરિ રૂપી સાગર સાથે સંગમ ન રચે તો એ જીવનધારાઓ નિરર્થક છે. સ્વામી કહે છે કે અમારી જીવનધારાઓ સફળ થઈ ગઈ કારણ કે અમને નટવર નંદદુલારો હજરાહજૂર મળ્યો.
‘મળિયા નટવર નંદ દુલારો’
દેવતાઓને ઈર્ષા આવે એવાં ધનસંપતિ, ઐશ્વર્યો, માનસન્માન મળવાથી જન્મ સુધરતો નથી. સંત અને શ્રીહરિ મળે તો જ જન્મ સુધારે છે. અજ્ઞાની જીવ પડછાયા જેવાં માયિક સુખો માટે દેવોને દુર્લભ માનવ દેહને વેડફી નાખે છે.
પ્રભુ પોઢાડ્યાની પામરીનાં બાળોતિયાં કરે તે ગાંડો ગણાય. આ જીવન પ્રભુ પોઢાડવાની પામરી જેવું કીમતી અને પવિત્ર છે. એમાં વિષયની ગંદકીનાં પોટલાં ન બંધાય.
ઘી, સાકર, લોટ, પાણી અને લાકડાં તો એનાં એ જ હોય પણ કરતાં આવડે તો ફૂંક મારો ને દાણેદાણો નોખો થઈ જાય એવી લાપસી થાય અને ન આવડે તો જાતજાતનાં રમકડા બને એવો ચીકણો પિંડો થાય.
ચોપાટ રમતા આવડે તો કૂકરી ઘરમાં જાય અને ન આવડે તો ગાંડી થઈને બાજી બગાડી નાખે. આપણા માનવજીવનનું પણ આવું જ છે. જીવતા આવડે તો જનમારો સુધરે, નહિતર એળે જાય.
મુક્તાનંદ સ્વામી અહીં ‘સુધાર્યો’ શબ્દ વાપરે છે. એનો ભાવ એ જ છે કે ‘અમે તો અણઆવડતથી અમારા જીવનની બાજી બગાડી રહ્યા હતા. પણ કરુણા કરી ગુરુદેવે સમયસર અમારી બગડતી બાજીને સુધારી લીધી. અમારી હારની બાજીને જીતમાં પલટાવી નાખી.’
હવે તો બ્રહ્માનંદ સ્વામી કહે છે તેમ
‘મારો સફળ થયો જનમારો હું પરણી પ્રીતમ પ્યારો’
‘મળ્યા નટવર નંદદુલારો’ આ પંક્તિમાં ‘નટવર’ શબ્દ સાંકેતિક છે. સ્વામી કહેવા માગે છે કે ‘આ નટવરે ભાતભાતના વેશ કાઢી અમને છેતર્યા. અમારી સાથે સંતાકૂકડી રમ્યો. અમને સાચી ઓળખાણ ન થવા દીધી. વંદન કરીએ સદ્ગુરુ રામાનંદ સ્વામીને કે એમણે અમારી આંખ ખોલી નહીંતર આ નટવરની માયાનો પાર અમે પામ્યા ન હોત. સદ્ગુરુની કૃપાદ્રષ્ટિથી અમને ખબર પડી કે લોકોને સમાધિઓ કરાવનારો આ નીલકંઠ કોઈ કામણટૂમણિયો બાવો નથી, પણ કામણગારો કાનુડો છે.’
‘મુજ પર અઢળક રે હો ઢળિયા’
અઢળક ઢળવાનો અર્થ છે ‘ઘડો પૂરે પૂરે ઢોળાય જાય તેમ સર્વસ્વ ન્યોછાવર કરવું.’ સ્વામી કહે છે, ‘શ્રીહરિએ અમારા ઉપર પુષ્કળ મહેર કરી. ન્યોછાવરી અમારે કરવાની હોય એને બદલે એ મારા ઉપર ન્યોછાવર થયા. એની અનરાધાર અષાઢની હેલી જેવી કૃપા તો જુઓ.
‘કરુણા કરી ઘેર બેઠાં મળિયા’
સામાન્ય નિયમ એવો છે મહેનત વગર ઘેરબેઠાં કાંઈ ન મળે જ્યારે અમને તો સ્વયં લક્ષ્મીપતિ નારાયણ ઘરબેઠા મળ્યા. આ માત્ર એની કરુણા સિવાય કેમ સંભવે આ મિલન અમારા પુરુષાર્થનું ફળ નથી? એમની કૃપાનું ફળ છે.’
‘જેને મેળવવા માટે જોગીઓ જંગલમાં ધ્યાનની ધૂણીઓ ધખાવે છે.
જેને મેળવવા માટે તપસ્વીઓ કઠોર તપશ્ચર્યાઓ કરે છે.
જેને મેળવવા માટે રાજામહારાજાઓ રાજવૈભવ છોડીને વનવાસ વેઠે છે. એવા શ્રીહરિને શોધવા અમે નીકળ્યા નહોતા પણ શબરીની ઝૂંપડીએ સામે ચાલીને રામ પધારે એમ આ ‘નીલકંઠવર્ણી’ સામે ચાલી અમને શોધતા શોધતા લોજ પધાર્યા. આ એમની કરુણા નથી તો બીજું શું છે?’
અહીં એક બીજો મર્મ છે. ઘરે બેસે એને જ શ્રીહરિ મળે. જેની બુદ્ધિ હરાયા ઢોરની જેમ જ્યાંત્યાં રખડ્યાં કરે એને શ્રીહરિ ન મળે. ઘરે બેસવું એટલે સદ્ગુરુના ચરણમાં બેસવું. સદ્ગુરુ શ્રીહરિને રહેવાનું ધામ છે. ભાગવતજીમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ‘साधवो हृदयं मह्यम्’ ‘હે ઉદ્ધવ! સાધુઓ મારું હૃદય છે. હૃદયમાં જેમ આત્મા રહે છે તેમ સાધુમાં હું રહું છું.’
મુક્તાનંદ સ્વામીના જીવનની અદ્ભુતતા એ છે કે એમણે સદ્ગુરુને શોધવા જેવો અથાગ પ્રયાસ કર્યો છે એવો શ્રીહરિને શોધવા નથી કર્યો. સદ્ગુરુ રામાનંદ સ્વામીના મિલન પછી મુક્તાનંદ સ્વામી પૂર્ણ ભરોંસાથી એમના ચરણમાં બેસી ગયા. શ્રીહરિનો ભેટો કરવાની જવાબદારી હવે ગુરુની હતી. ગુરુકૃપા સ્વામી ઉપર એવી વરસી કે શ્રીહરિ સ્વામીને સામેથી શોધતા આવ્યા. એક નિયમ છે ગુરુ ગોત્યા મળે, હરિ ગોત્યા ન મળે. ગુરુ મળી જાય તો હરિને ગોતવા ન પડે. એ સામે ચાલીને આવે. શબરી ક્યાં રામને શોધવા ગઈ હતી? એ તો ગુરુવચનમાં વિશ્વાસ રાખી જીવનભર રાહ જોતી બેઠી રહી. હવે શબરીને શોધવાનું કામ રામનું હતું. અનંત બ્રહ્માંડોમાં વિહરતા હરિને ગોતવા ક્યાં જવું? બહેતર છે એવું કરવું કે એ જ આપણું સરનામું પૂછતો આવે!
ભગવાન સ્વામિનારાયણ નાના હતા ત્યારે છપૈયા ગામની બહાર ઉત્તરાદિ બાજુ પીપળાના ઊંચા વૃક્ષ ઉપર ચઢીને ચારેય બાજુ જોતા.
નાના બાળમિત્રો પૂછે, ‘ઘનશ્યામ, એટલે ઊંચે ચઢીને શું કરો છો?’
ઘનશ્યામ હસીને જવાબ દેતા, ‘જોઉં છુ ભારતમાં મારા પ્રેમી ભક્તો કઈ બાજુ વસે છે? મારે મોટા થઈને એમની પાસે જવું છે.’
મન દ્રઢ કરિયું રે હો મુરારી, હવે હું તો થઈ રહી જગથી ન્યારી,
સ્વામી કહેવા માગે છે, ‘શ્રીહરિ તો કરુણા કરીને મળ્યા પણ એમને ઓળખવામાં અમારા બુદ્ધિનાં આવરણો અમને આડાં આવતાં હતાં. અમારા હૃદયાકાશમાં સંશયનાં વાદળાં ઘેરાયાં કરતાં હતાં. સદ્ગુરુની કૃપારૂપી પવને એ વાદળાં વિખેરી નાંખ્યાં. વડલો જેમ રૂઢમૂળ થઈ મજબૂત બને એમ અમારા મનમાં નિષ્ઠાનાં મૂળ મજબૂત થયાં. હવે સંશયોનાં વાવાઝોડાં એને ઉખાડી શકે તેમ નથી.’
અહીં સ્વામી ભગવાનને ‘મુરારી’ કહે છે. મુર નામના અસુરને માર્યો માટે ભગવાન ‘મુરારી’ છે. સ્વામી કહેવા માંગે છે કે અમારા અંતરમાં પણ સર્વ ઉપદ્રવો અને દોષોનાં મૂળ સમા અજ્ઞાન અને અહંકારરૂપી મુરદાનવે કબજો જમાવ્યો હતો. મુરારીનું મિલન થતાં એ મુરદાનવ હવે નાશ પામ્યો.
‘હવે હું તો થઈ રહી જગથી ન્યારી’
જગતનો કાદવ ભારે ચીકણો છે. એમા ખૂંત્યા પછી બહાર નીકળવું મુશ્કેલ છે. પણ શ્રીહરિએ કૃપા કરી અમારો હાથ પકડી અમને બહાર કાઢી લીધા.
પ્રેમાનંદ સ્વામી કહે છે. ‘બાંય ઝાલીને કાઢી લીધા બારણે રે લોલ.’ જે સમયે અમારી નાવડીને તારણહારની જરૂર હતી ત્યારે જ શ્રીહરિ અમારા તારણહાર બન્યા. અમારો બેડો ભવસાગર ��ાર ઉતાર્યો. સંસારરૂપી ખારા સાગરમાંથી ઉગારી શ્રીહરિએ અમને અક્ષરધામરૂપ મીઠાં મહેરામણને કિનારે મૂક્યા.
‘હવે હું તો થઈ રહી જગથી ન્યારી’ આ પંક્તિનો એક બીજો પણ ભાવ છે.
જગત અને ભગત વચ્ચે ઊઠીને આંખે વળગે એવો ભેદ છે.
એક માયામાં રાચે છે, બીજો માધવમાં રાચે છે.
એક સંશયગ્રસ્ત છે, બીજો નિર્વિકલ્પ છે.
એક વિષયાનંદ માણે છે, બીજો બ્રહ્માનંદ માણે છે.
મુક્તાનંદ સ્વામી કહે છે, ‘હે હરિ! તમારી કૃપાથી અમે જગતના જીવોથી નોખા તરી આવ્યા. જગદીશ મળ્યા પછી જગતમાં કોણ રોકાય? અમૃતનો સાગર મળે પછી છાસની આશ કોણ સેવે? ‘આનંદ ઉરમાં રે હો ભારી, શિરપર ગાજે ગિરિવરધારી.’
આકશમાં અષાઢી મેઘની ગર્જનાઓ થાય અને વનના મોરલા આનંદથી નાચવા લાગે એમ પ્રેમ અને કરુણાથી ભરેલા શ્રીહરિના મિલનથી સ્વામીના મનનો મોરલો નાચી રહ્યો છે. સ્વામીના આનંદથી ઝૂમતા હૈયામાંથી ઉપરની પંક્તિઓ ઊઠી છે.
આનંદનો ભાર હૈયું ઝીલી નથી શકતું એટલે નર્તન અને કીર્તન દ્વારા આનંદ બહાર વહી રહ્યો છે.
સ્વામીના અંતરમાં શ્રીહરિને ઓળખવામાં હવે કોઈ ભ્રાંતિ નથી, કોઈ સંશય નથી.
આ પંક્તિમાં કેટલીક જલ્દી ન સમજાય તેવી વિરોધાભાસી વાત પણ છે. ગિરિધર હૈયામાં બિરાજે એ તો સમજી શકાય આ તો માથે બિરાજે છે. પાછો ગાજે છે. એક તો ગિરિરાજ ગોવર્ધન ભારે વજનદાર, એમાં પાછો ગિરિધર ઉમેરાય તો માથા ઉપર ભાર ન લાગે? આ પંક્તિ ભારે ભાવગંભીર છે. મોટે ભાગે જીવ માથા ઉપર માયાના ભાર લઈને ફરે છે, ચિંતાનો ભાર લઈને ફરે છે, જાતજાતની ઉપાધિઓનો ભાર લઈને ફરે છે અને હેરાન થાય છે. મુક્તાનંદ સ્વામી ચતુરસુજાણ સંત છે. એણે માથા ઉપર માયાના ભારને બદલે ગિરિધરને ધાર્યા છે. મુક્તાનંદ સ્વામીના સઘળા ભાર એ ગિરિધરે પોતાની ટચલી આંગણી ઉપર ઉઠાવી લીધા છે.
સ્વામીને હવે કોઈ ચિંતા નથી, ઉપાધિ નથી, તર્કવિતર્ક નથી, શંકાકુશંકા નથી. બસ આનંદ-આનંદ અને આનંદ છે. જોકે આનંદનો પ્રવાહ તો પહેલાં પણ અંતરમાં વહેતો હતો. પણ જાતજાતના ભારથી દબાઈ ગયો હતો. ગિરિધારીએ એ બધા ભાર ઉપાડી લીધા એટલે આનંદનો પ્રવાહ પાછો પ્રગટ થઈ ગયો.
અહીં અલૌકિકતા એ છે કે શ્રીહરિ ગિરિધારી હોવા છતાં હળવા ફૂલ છે અને મુક્તમુનિને પણ હળવા ફૂલ કરી દીધા છે. ગિરિધર થઈને હળવા ફૂલ રહેવું, હળવા ફૂલ કરવા એ વાત જરા વિરોધાભાસી લાગે!
તુલસીદાસજી પણ રામાયણમાં આવી કેટલીક વિરોધભાસી વાત કરે છે.
‘શ્રી ગુરુ ચરન સરોજ રજ નિજમન મુકુર સુધાર’
સદ્ગુરુના ચરણકમળની રજ મારા મનરૂપી દર્પણને નિર્મળ કરનારી છે. સામાન્ય દ્રષ્ટિએ રજથી તો દર્પણ મલિન બને પણ સદ્ગુરુના ચરણની રજ ભારે કામણગારી છે. એના છંટકાવથી મનરૂપી દર્પણ મલિન થવાને બદલે સ્વચ્છ બને છે.
આવી જ વિરોધાભાસી વાત શ્રીહરિના ચરણરૂપી નૌકાની છે. શાસ્ત્રો કહે છે ‘શ્રીહરિના ચરણરૂપી નૌકાને શિર પર ધારવાથી ભવસાગર તરી જવાય છે.’ અહીં નૌકામાં બેસવાની વાત હોય તો બરાબર. અહીં તો નૌકાને માથા ઉપર ધારવાની વાત છે. આ વાત કેટલી વિરોધાભાસી લાગે? પણ શ્રીહરિનો માર્ગ જ એવો અલૌકિક છે કે અહીં વિરોધાભાસમાં જ બધું સીધું ચાલે!
ગિરિધારી યોગેશ્વર છે. યોગકાળમાં પારંગત છે. પહાડ જેવો દેહ હોવા છતાં એને રૂના પોલ જેવા હળવા થતાં આવડે છે. રાઈના દાણા જેવો દેહ હોય છતાં બ્રહ્માંડ કરતાંય ભારે થતાં આવડે છે.
શ્રીહરિની કૃપાથી હનુમાનજી મહારાજ જેવામાં પણ જો આ યોગકળા હોય તો ભગવાનમાં કેમ ન હોય! માટે ગોવિંદ ગિરિધારી હોવા છતાંય હળવો ફૂલ છે. એટલું જ નહીં એ ગિરિધારીને જે માથા ઉપર ધારે એને પણ હળવા ફૂલ બનાવી દે છે.
‘શિર પર ગાજે ગિરિવરધારી’
આ ગિરિધારી પાછો ગાજતો ગિરિધારી છે. માથે ઊભો ઊભો જાણે ગર્જના કરીને કહે છે, ‘સ્વામી! ભરોંસો રાખજો, હિંમત રાખજો, ચિંતા કરશો નહીં. તમારા સઘળા ભાર ઉપાડનારો હું બેઠો છું.’
અથવા તો ગિરિધર ઉપાધિઓની સામે ગર્જના કરી પડકાર ફેંકતાં કહે છે, ‘જેટલી ઉપાધીઓને આવવું હોય એટલી આવો. પણ ખબરદાર! યાદ રાખજો... મારા ભક્તની રક્ષા હું કરું છું. જેમ પૂર્વ ગોવર્ધન પહાડધારી વ્રજવાસીઓની રક્ષા કરી હતી તેમ જ મારા સંતની રક્ષા કરીશ.’
ઘણી વાર એવું બને કે ‘ગાજ્યા મે વરસે નહીં.’ ધરતી તરસી હોય, મેઘ આવે, ગાજે ને ચાલતો થાય તો ધરતીને ભારે નિરાશા થાય. જગતમાં ઘણા માણસો આ જ રીતે ગરજવાનું જ કામ કરે. પણ વરસવાનું નામ લેતા નથી. ચૂંટણીમાં નેતાઓ કેટલા ગાજે છે! પણ એમાંથી વરસનારા કેટલા? આ ગિરિધારી દંભી રાજનેતાઓ જેવો નથી. એ ગાજે છે સાથે અનરાધાર વરસે પણ છે. ગિરિધારી બેઠા હોય પછી વ્રજવાસીઓને ચિંતા ન હોય. વ્રજની પહાડ જેવી મુસીબતોને એણે ટચલી આંગળીએ ટાળી દીધી છે.
વ્રજવાસીઓની જેમ જ મુક્તમુનિના જીવનમાં પણ વારંવાર કેટલાંય સંકટો આવ્યા છે. ક્યારેક પુરમાં તણાયા તો ક્યારેક કોઈએ વિષ દીધાં. પણ શ્રીહરિ સ્વામીની સર્વ પ્રકારે રક્ષા કરતા રહ્યા.
સ્વામી કહે છે, ‘હે હરે! તમે અમારી સઘળી મુસીબતોના ભાર હરી લીધા છે. અમને હળવા ફૂલ જેવા કરી દીધા છે. ઇન્દ્રના ત્રાસથી વ્રજની રક્ષા કરી એમ અંત:શત્રુના ત્રાસથી અમારી રક્ષા કરી છે. અમારા અંતરમાં આનંદનાં પૂર આવ્યાં છે.
આનંદ ઉરમાં રે હો ભારી, શિર પર ગાજે ગિરિવરધારી;
નિરભે નોબત રે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાંગી.
જૂના જમાનામાં વિવિધ સમયે વિવિધ વાજિંત્રોનો ઉપયોગ થતો. પ્રાત:કાળે ચોઘડિયાં વાગે, લગન ટાણે ઢોલશરણાઈઓ વાગે, શત્રુના આક્રમણ સમયે ચેતવણીના ઢોલ વાગે, રણમેદાનમાં શૂરવીરોને પાનો ચડાવવા બૂંગિયા ઢોલ વાગેલ. શત્રુઓનો ભય દૂર થાય ત્યારે નિર્ભયની નોબતો વાગે.
સ્વામી કહે છે,
‘નિરભે નોબત રે હો વાગી.’
‘હે ભગવાન! તમે અમને નિર્ભય કર્યા. બહારના શત્રુઓ કરતાંય અંતરના શત્રુઓ ભારે વસમા છે. અંત:શત્રુઓનાં આક્રમણ સામે ભલભલાને ભાગવું પડ્યું છે. યોગની સિદ્ધિઓથી દિશાઓને જીતનારા પણ અંત:શત્રુ સામે હારી ગયા છે. ભલભલા ઋષિમુનિઓ કામ, ક્રોધ વગેરે શત્રુઓ સામે ઝૂકી ગયા છે. રાવણ જેવા જગતજીત યોદ્ધાઓએ પણ પોતાના અંતરના દોષ પાસે કાયરોની જેમ તણખલાં મોઢામાં લીધાં છે. અમે પણ અમારા અંત:શત્રુઓથી મારાં ખાતા હતા, ભયભીત હતા. પણ તમારી કૃપાથી અમારા એ અંત:શત્રુઓનો પરાજય થયો છે.’
‘શિરપર ગાજે ગિરિવરધારી’ અમારી રક્ષા કરતાં તમે અમારી માથે ને માથે ઊભા છો. તમારી ગર્જનાએ સર્વ શત્રુઓને ભયભીત કરી ભગાડી દીધા છે. હવે અમારી કાયાનગરીના દશેય દરવાજા સુરક્ષિત છે. ચેતવણીના ઢોલના સ્થાન હવે નિર્ભયની નોબતોએ લીધાં છે. તમારી કૃપાએ અમારી નગરીમાં વિજયમહોત્સવ ઊજવાય રહ્યો છે. હવે કાળ, કર્મ માયાનો કોઈ ભાર નથી કે અમને ભયભીત કરી શકે. કારણ કે અમને સમર્થ ગિરિધારી રૂપે શ્રીહરિ મળ્યા છે.
‘કહે મુક્તાનંદ ભ્રમણા ભાગી’
અત્યાર સુધી અમારા અંતરમાં જાતજાતની ભ્રમણાઓ હતી. સત્યમાં અસત્યના આરોપણ હતાં, અસત્યમાં સત્યનાં આરોપણ હતાં. ભ્રમણાઓ અમને ભયભીત કરતી હતી.
રાત્રિના અંધકારે ચાલતા માણસને પાણીના રેલામાં સર્પની ભ્રાંતિ થાય. માણસ ભયભીત થાય, ચીસ પાડે, ભાગી જાય. પણ જે સમયે અજવાળું થાય અને દેખાય કે સર્પ નથી પણ પાણીનો રેલો છે તો એ જ સમયે એની ભ્રાંતિ અને ભ્રાંતિથી જન્મેલો ભય દૂર થઈ જાય. મન હળવું ફૂલ જેવું થઈ જાય.
સ્વામી કહેવા માંગે છે, ‘અત્યાર સુધી અમે અજ્ઞાનનાં અંધકારને લીધે ભાતભાતની ભ્રમણાઓમાં જીવતા હતા. અમને પાણીના રેલામાં સર્પ દેખાતા હતા. અમે ભયભીત થઈને ભાગતા હતા. પણ આપના અવતરણે અમારા અંતરમાં અજવાળું થયું. હવે અમે ભ્રમણા અને ભયથી મુક્ત થયા.
આપનું અવતરણ તો હતું જ, પણ ઓળખાણ નહોતી. આપ અમારી સામે જ ઊભા હતા પણ અમે આંખો બંધ કરીને બેઠા હતા. એટલે અંધકાર અમારો પીછો છોડતો નહોતો. ભ્રમણાઓ અમારો કેડો મૂકતી ન હતી. સદ્ગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી અમારી આંખો ઊઘડી તો અંધકારની જ્ગ્યાએ અજવાળું પાથરતાં પ્રકાશના સ્વામીને જોયા.
હવે તો અમારે ‘નિરભે નોબત રે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાંગી’.
વિવેચન ૨
ભાવાર્થઃ- પ્રગટ સ્વરૂપ ઓળખાતાં મારો જન્મ સફળ થઈ ગયો. મનુષ્ય ભાવરૂપ સમુદ્રમાં બૂડી જતો હતો, પણ કૃપા કરી મારું કાંડું ઝાલી લીધું II૧II
આજ મારા ઉપર તો અઢળક ઢળ્યા છે. દયા કરીને ઘેર બેઠાં મળ્યા છે II૨II
માયાવી જગતનો ભય ટાળી પ્રગટ પુરુષોત્તમમાં મન દ્રઢ કર્યું છે. અનિશ્ચયવાળા ભક્ત સમુદાયમાંથી હું તો ન્યારી થઈ છું…. II ૩II આ ભગવાનનાં આનંદમાં હૈયું હિલોળે ચડ્યું છે. મારા શિર ઉપર તો એક સહજાનંદ સ્વામી જ છે. II૪II પ્રગટ સ્વરૂપના નિશ્ચયની નોબત એવી વાગી કે લોકડિયાનો ભય તો શું, પણ પ્રત્યક્ષ સ્વરૂપમાં રહેલ મનુષ્યભાવ પણ ટળી ગયો. સ્વામી કહે છે કે, હવે તો તદ્ન ભ્રમણા ભાંગી ગઈ છે. II૫II
રહસ્યઃ- પદ લાલિત્યમાં પ્રગટ પ્રભુને પામ્યાનો પમરાટ પ્રસરે છે. સહજાનંદ મિલનના ભાવોલ્લાસની અભિવ્યંજના કવિનાં કાવ્યને પરપોષક બની રહે છે. ભારી, શિર, ગિરિ, ધારી, જેવા વર્ણ અને શબ્દનું જે અનુપ્રાસત્વ સિદ્ધ થાય છે. તે ખરેખર આકર્ષક છે. મનની ગ્રંથી તૂટ્યાનો અને પ્રગટ સ્વરૂપ ઓળખાયાનો આનંદ ચરણે ચરણે ઝીલાયો છે. જે સર્વથા અવર્ણનીય છે. પદ પ્રાસાદિકની દ્રષ્ટિએ સુગેય છે. ઢાળ લોકઢાળ છે. તાલ હીંચ છે.