અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય; પંડિત રંક ને રાય કે, હાં રે લાખુ લખપતિ હોય...ટેક. કુંભ કાચો કાયા જાણવી રે, તેનો નહિ નિરધાર; નાશ પામે પળ એકમાં, કરીએ કોટિ પ્રકાર...અંતે૦ ૧ માત પિતા સુત નારીઓ રે, સંગે ચાલે ન કોય; અંતસમે સંગાથમાં, પુણ્ય પાપ જ હોય...અંતે૦ ૨ મોટા મોટા તો મરી ગયા રે, છોટા મન મલકાય; મરણ તો સ્વપ્ને ન સાંભરે, અતિ ઉર હરખાય...અંતે૦ ૩ બાંધવને બાળી આવીને રે, ભાઈ સંભાળે ભાગ; મિલ્કતનો તે માલિક બને, એ આશ્ચર્ય અથાગ...અંતે૦ ૪ પસ્તાવો લેશ પામે નહિ રે, ઉર નહિ અફસોસ; અવિચળ જાણી મંડયો રહે, ઉર એ જ આલોચ...અંતે૦ ૫ નિત્ય જ્યાં નોબતો વાગતી રે, રુડા રાગ સદાય; એ સ્થળ આજ ઉજ્જડ પડયાં, જોયાં નજરે ન જાય...અંતે૦ ૬ એ જોઈને ઉદાસી અતિ રે, મને આવે છે ઉર; આ લોકમાંથી ઊઠી જવું, એ તો જાણો જરૂર...અંતે૦ ૭ મરણ છે માથે માણસને રે, ખરેખરું ખચીત; જગદીશાનંદનું તે થકી, ક્યાંય ચોંટયું ન ચિત્ત...અંતે૦ ૮
