મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ;
          સર્વેશ્વર ભગવંત, મુક્ત મુનિ સેવક સંગ લાયે...ટેક
અક્ષર તણા મુક્ત સંગ લાવ્યા રે, અક્ષર તણા;
         પૃથ્વી ઉપર પુરુષોત્તમ પ્રગટી, ધરમ સુત કાવ્યા-અક્ષર૦ ૧
પ્રીતે પ્રભુ વર્ણિવેષ ધારી રે, પ્રીતે પ્રભુ;
         સાત વરસ વનવાસ, વેઠિયો નીલકંઠ બ્રહ્મચારી-અક્ષર૦ ૨
તીરથમાં ફરતા બહુનામી રે, તીરથમાં;
         લોજપુરે મહામુનિવર, મળિયા મુક્તાનંદ સ્વામી-અક્ષર૦ ૩
ઉદ્ધવ ગુરુ રામાનંદ કીજે રે, ઉદ્ધવ ગુરુ;
         ઉનકી પાસ અક્ષરપતિ, આયે કારજ સબ સીજે-અક્ષર૦ ૪
દીક્ષા લઈ દાસ થયા પોતે રે, દીક્ષા લઈ;
         નામ ધર્યું સહજાનંદ જગવંદ, આનંદ જન જોતે-અક્ષર૦ ૫
ગુરુજી ગયા નિજધામે રે, ગુરુજી ગયા;
         ધરમધુર નીલકંઠ ઉઠાઈ, સ્વામિનારાયણ નામે-અક્ષર૦ ૬
કૃપાનિધિ કીર્તિ વિસ્તારી રે, કૃપાનિધિ;
         નિજસેવકને સમાધિ કરાવી, સુખ આપ્યાં ભારી-અક્ષર૦ ૭
કર્યા સદ્‌ગુણી સેવક શૂરા રે, કર્યા સદ્‌ગુણી,
         દાસ હરિ કાલવાણી ગામે, પાંચસો સંત પૂરા-અક્ષર૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
ભાવ :
લીલા ભક્તિ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026