મુખ્ય સામગ્રી પર જાઓ

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;
         ધનરે દોલત દારા દિકરા, મેલી મરી જવું ખાસજી...અંતે૦ ૧
છત્રપતિ તે ચાલી ગયા, રાજ મુકીને રાજનજી;
         હજારો અધિપતિ આગળે, ગયા છોડી સદનજી...અંતે૦ ૨
અયુત હસ્તિ ઝૂલે આંગણે, ઘોડા ઊંટ અપારજી;
         એવા રે મરી ગયા માનવી , જાતાં લાગી નહિ વારજી...અંતે૦ ૩
નોબત નગારાં તે ગડગડે, સદા શરણાઇ ઢોલજી;
         એવા રે મરી ગયા માનવી, મૂકી સોનાના મોલજી...અંતે૦ ૪
રંગિત મોલ રળીયામણા, બહુ બંગલા ને બાગજી;
         એવા રે ગયા જખ મારતા, ગાતા છત્રીશ રાગજી...અંતે૦ ૫
ફૂલાં ખોશીને ફરે ફાંકડા, આંજતા નિત્ય આંખજી;
         વરણાગી કરતા તે વહિ ગયા, રણમાં થઇ ગયા રાખજી...અંતે૦ ૬
શૈયા પલંગે પોઢતા, જમતા વિધ વિધ અન્નજી;
         એવારે મરી ગયા માનવી, મહા રૂપ રતનજી...અંતે૦ ૭
એવી દશા જ્યારે આવશે, ત્યારે કોણ કરે સહાયજી;
         નારાયણદાસના નાથજી, ભજે ભવ દુઃખ જાયજી...અંતે૦ ૮

રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026