મુખ્ય સામગ્રી પર જાઓ

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય;
          શ્રીહરિ આવી રે પાસ ઉભા રહે રે, એમ પ્રભુ કરે છે જનની સહાય...અંત૦ ૧
પાર્ષદ સોતા રે બેઠા છે વિમાનમાં રે, આવા જૂવે પ્રગટ હરિ હરિદાસ;
         દિવ્ય સ્વરૂપે રે તેજ વિમાનમાં રે, ભક્તને તેડી બેસારે છે પાસ...અંત૦ ૨
તે હરિજનને રે પ્રભુ નિજધામમાં રે, પ્રેમે કરી પોં’ચાડે તતકાળ;
         મહામુનિવરને રે વાંછિત જે ગતિ રે, ભક્તને આપે જન પ્રતિપાળ...અંત૦ ૩
મરણ સમયમાં રે સૌ હરિભક્તને રે, એમ હરિ આપે દર્શન દાન;
         કોય કોય વેળા રે અભક્તને પણ રે, અંતકાળે દિવ્ય ભાસે ભગવાન...અંત૦ ૪
આશ્ચર્ય દેખી રે દૈવી જીવને રે, શ્રીહરિમાં સંશયનો થયો નાશ;
         મુક્તાનંદ કહે છે રે હરિકૃષ્ણ દીનેશને રે, શરણે તે આવ્યા કરી વિશ્વાસ...અંત૦ ૫

રચયિતા :
મુક્તાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026