મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે

અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે,
શ્રી ઘનશ્યામ, પૂરણકામ, કરૂણાધામ, સદા અહીં રહ્યા છે;
ગોપીનાથ શ્યામ, હરિકૃષ્ણ નામ, રહ્યા છે આ ધામ, કયાં ક્યાંય ગયા છે !
કહે જ્ઞાનજીવન, રટો હરિનામ, પામો સહુ ધામ, બહુ પામી ગયા છે.
                                   .................
ગઢપુરધામ શ્રીઘનશ્યામ, પૂર્યા છે પરચા ગઢપુરધામ,
        આપ્યાં એભલ દરબારને દિવ્ય દર્શન;
        ચતુર્ભુજરૂપે પ્યારે પૂરણકામ...પૂર્યા૦ ટેક.
નિત્ય મોટીબા લાલજીનું પૂજન કરે,
રૂડું કઢિયેલ દૂધ નિત્ય ભાવે ધરે;
        પીધો દૂધનો કટોરો, પ્રગટી ઘનશ્યામ...પૂર્યા૦ ૧
સહુ પરિવાર મળી હરિસેવા કરે,
લેવા રાજીપો બહુ સહુ ઉમંગ ધરે;
         લાડુબાની પૂજામાં પ્રગટે સુખધામ...પૂર્યા૦ ૨
દાદાખાચરની દુનિયા હરિ ને સંત,
હરિભક્તો તો દાદાને વાલા અત્યંત;
         આપી પરચા ને દાદાનાં કર્યાં છે કામ...પૂર્યા૦ ૩
સ્વામી નિષ્કુળાનંદની નિષ્ઠા મહાન,
તૂટયાં દોરડાં ને પથરો ચડાવ્યો મહાન;
        સૌને બચાવ્યા તે ટાણે સુંદરશ્યામ...પૂર્યા૦ ૪
સ્વામી બ્રહ્માનંદને વિરહ થયો,
ગોપીનાથમાંથી વાલો મારો પ્રગટ થયો;
        આપ્યો હાર ને ભેટયા’તા કરુણાધામ...પૂર્યા૦ ૫
ગયા ધામમાં ને પરચો આપ્યો નાથે,
દાદાખાચરને હાર હરિ આપ્યો હાથે;
        જ્ઞાનજીવન કે વાલો ગયા છે સ્વધામ...પૂર્યા૦ ૬
                              છંદ
ગઢડુ મારું, હું ગઢડાનો, બોલ્યો નાથ દીનો, ભાવે કરી,
જે અક્ષરવાસી, ગઢપુરવાસી, થયા સુખરાશિ, ભાવે કરી;
ભાગ્ય તે ’દિનાં, ખૂલ્યાં આ ભૂમિનાં,
સૌ સુખી કીનાં, ભાવે કરી,
ગઢડા સ્વામીના, સ્વામી ગઢડાના, સહુ કહેવાના, ભાવે કરી.

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ગઢપુર મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026