મુખ્ય સામગ્રી પર જાઓ

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી;
          જોને વિચારી, અકલ ઊઠી તારી, જોને વિચારી...અંતરમાં૦ ટેક
આવ્યો’તો શાને કારણે રે, મોંઘા મનુષ્યદેહને ધારી;
         શું કારજ તે સાધિયું રે, ખોટા ખેલમાં મળિયો ખુવારી...જોને૦ ૧
કોલ આપ્યો’તો ગર્ભવાસમાં રે, આવ્યો ભજવા દેવમોરારી;
         વિમુખ વાત ભૂલી ગયો રે, અંતે શી ગતિ થાશે તારી...જોને૦ ૨
મેલી મોહનજીની મૂર્તિ રે, પ્રીતે નીરખે નયણે નારી;
         મિથ્યા સુખને કારણે રે, મેલી મહી ને વલોયું વારી...જોને૦ ૩
આઠો પોહોર ઉન્મત્ત ફરે રે, વિમુખ વિષયનો યારી;
         નારીએ નેણ ચોટની રે, મારી કાળજ માંય કટારી...જોને૦ ૪
કામ કટારીના જોરનો રે, લાગ્યો ઘાવ ભીંતરમાં ભારી;
         વેદના વ્યાપી અંગમાં રે, અઘવંત થયો ઇજારી...જોને૦ ૫
પંચવિષયની વારતા રે, પાપી લાગે છે તને પ્યારી;
         એહ પાપે કરી પ્રાણિયા રે, થઈશ નરકનો અધિકારી...જોને૦ ૬
ભવરોગને ટાળવા રે, ખોળ્ય સંત સાચા રોગારી;
         જ્ઞાન ગોળી એ તને આપશે રે, સાચા સંત છે પર ઉપકારી...જોને૦ ૭
વાયદો નથી વેગળો રે, કાળ આવશે સાંજ સવારી;
         દાસ હરિ કે પ્રાણિયા રે, તારે રહીશ પછી જખ મારી...જોને૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026