અંતરના જામી શું કહીએ આપને,
નથી અજાણ્યું આપ થકી તલ ભારજો;
ઓલવજો અવિનાશી ત્રિવિધ તાપને,
અંતર સળગે એહ તણાં અંગારજો...અંતરના૦ ૧
પૂર્વ કર્મના ફળ ભોગવવા કારણે,
આપ્યો મુજને ઇશ્વર આ અવતારજો;
તે સમજીને રાખી ધીરજ ધારણે,
દીનદયાળુ આવ્યો છું તમ દ્વારજો...અંતરના૦ ૨
મહાબળવંત પ્રભુજી માયા આપની,
જગમાં ન મળે જોતાં એની જોડ જો;
અનંત રૂપે ડંખ દીએ છે સાપણી,
પ્રભુ ભજનમાં બાંધે મોટા ઓડજો...અંતરના૦ ૩
કામ ક્રોધના લડવૈયા સાથે લઇ,
લોભ મોહના મારે છે બહુ મારજો;
મત્સર માનતણાં મુંગા મોઢે દઇ,
સળગાવ્યા આશા તૃષ્ણા અંગારજો...અંતરના૦ ૪
દાવાનળ સળગાવ્યો છે બહુ દુઞ્ખના,
બળી મરે છે દાસ તમારો આજ જો;
સ્વામી સહજાનંદજી સીંધુ સુખના,
મનમોહન વ્હાંરે આવો મહારાજજો...અંતરના૦ ૫
-: દોહા :-
ઓલવજો અવિનાશજી, ત્રિવિધતાપ અપાર,
મનમોહન કરુણા કરી, સુફળ કરો અવતાર.
