મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
          હરિકૃષ્ણજી શ્રીહરિ, વ્હાલા રૂપ રૂપનું ધામ...૧
નખશિખા તારી મૂરતિ, પ્યારી પ્યારી લાગે મને; 
         હૈયામાં હેત જાગે અતિ, નીરખતાં નાથ તમને...૨
સહજાનંદ મારા શ્યામળા, સુખદાયક તમારું રુપ;
         અતિ હેતાળ મૂરતિમાં, મારું મન થયું તદ્‌રૂપ...૩
કેવી મનોહર મૂરતિ, અહો જોઈ રહું રાત-દિન;
         હલક્યું હેત મારે હૈયે, જાણ્યે થાવું તમમાં લીન...૪
છેટે રહેવું ગમતું નથી, આવો આવો પ્યારા મને ભેટવા;
         વાલા વાલા લાગો મને, જાણ્યે લાગું હું તમને ચાટવા..૫
ગાલ ઉપર ચુંબન લઉં, હેતે કરી ભેટું તમને;
        ચોંટી જાવું વાલા તમને, નાથ છેટે ના કરશો મુજને...૬
હૈયામાં ચાંપી ચાંપી ચૂમું, મૂકું નહિ મારી બાથથી;
         છાતીએ લગાડી રાખું હરપળ, જાવા ન દઉં મારા હાથથી...૭
કેવા રૂપાળા પ્યારા છો, મારા હૈયા કેરા હાર છો;
         જીવન મારા જીવમાં રાખું, હરિ મારા આધાર છો...૮
મૂર્તિ વસી મારા નેણમાં , ઉતારું અંતરમાંય;
         જોઈ રહું પ્રતિપળ વ્હાલા, હરખ હૈયે ન માંય...૯
રૂડા ધર્યા શણગાર કેવા, જોતાં ધરાય નહિ મન;
         અખંડ જોયા કરું તમને, અને કર્યા કરું વર્ણન...૧૦
વહાલા તમારા રજવાડી, વેશમાં મન મારું અટક્યું;
         ખેંચાઈ ગઈ હું તુજમાં, મારી આંખ ન ભરે મટકું...૧૧
જ્ઞાનસખીને અખંડ આવાં, દર્શન દેજો નાથ;
         જાણી તમારી પ્રીતમ મારા, મૂકશો નહિ હાથ...૧ર

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મૂર્તિ વર્ણન
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026