-: દોહરો :-
અંતકાળ વેળા કઠણ, કષ્ટ કોટીધા થાયઽ
જો સુખમય હરિ સાંભરે, જરૂર દુઃખ દૂર જાય...૧
આ સમય ઉત્તમ જાણીને, કર સ્મરણ શ્રીઘનશામને,
કીજે સુકર્મ સદા વિશેષે, હમેશ ધરી શુભ હામને;
રચનાર આ સંસાર તેને, શીશ નમાવો હરઘડી,
તક જાય તું પસ્તાય માટે, વાત લે જીવમાં જડી...૧
નરદેહ પામી ટાળ ખામી, નંદનંદન સ્મરણમાં,
કૌતુક મેલી સમજ દિલ છે, અદલ સુખ પ્રભુ ચર્ણમાં;
સ્તુતિપાઠ પૂજન જાપ જીભથી , જગતપતિનો જો કરે,
ભવમાં જશે ભય, બનીશ નિર્ભય, તુરત ભવસાગર તરે...૨
મારી શિખામણ કરીશ ધારન, કઠણ તજી કુટિલાઇને,
લીધાં સરવ સુખતો ખરે તેં, ચતુર ધરી ચતુરાઇને;
કાયા પડે આવી નડે જો, મલીનતા મનમાં રહે,
તેથી હરિ સ્મૃતિ શીખ કહી છે, સર્વ દુક્રિતને દહે...૩
