મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે-ટેક
          દયા કરી ધરી દેહને રે, ધરમકુંવર ઘનશ્યામ...અખંડ૦ ૧
પૂરવ દેશે પવિત્ર છે રે, સારું છપૈયા ગામ..અખંડ૦
         ધર્મ દ્વિજને ઘેર પ્રગટયા રે, પ્રીતેશું પૂરણકામ...અખંડ૦ ૨
બાળલીલા બહુ ભાતની રે, કીધી શ્રીધર્મકુમાર..અખંડ૦
         આપી તાતે ઉપવીતને રે, કીધો દ્વિજ સંસ્કાર...અખંડ૦ ૩
માતપિતાને નિજધામમાં રે, આપ્યો સમીપ નિવાસ..અખંડ૦
         વરણીવેશ ધરી વાલમે રે, લીધો પ્રીતે વનવાસ...અખંડ૦ ૪
અષ્ટાંગયોગને સાધિયો રે, યોગી પાસે જગદીશ..અખંડ૦
         સાત વરસ વન વેઠિયું રે, ફરતા વનમાં અહોનીશ...અખંડ૦ ૫
તીરથ કરતાં નીલકંઠજી રે, આવિયા સોરઠ દેશ..અખંડ૦
         આવી મળ્યા લોજપુરમાં રે, મુક્તાનંદજી મુનેશ...અખંડ૦ ૬
ગુરુ સ્વામી રામાનંદજી રે, ગયા હતા ભુજ શહેર..અખંડ૦
         પત્ર લખ્યો તેને પ્રીતશું, આવો કરી પ્રભુ મેર...અખંડ૦ ૭
આવી મળ્યા ઉદ્ધવજી રે, પ્રભુ પીપલાણે ગામ..અખંડ૦
         દીક્ષા લીધી થઈ દાસને રે, ધર્યું સહજાનંદ નામ...અખંડ૦ ૮
રામાનંદ સુખકંદનો રે, ટાળ્યો ઋષિ કેરો શ્રાપ..અખંડ૦
         અધર્મમૂળ ઉખાડિયું રે, કીધો સ્વધર્મનો સ્થાપ...અખંડ૦ ૯
ફરવા ગયા દૂર દેશમાં રે, મંડળી બાંધીને મહંત..અખંડ૦
         સમાધિ સુણી તેણે શ્રવણે રે, સમરથ શ્રીભગવંત...અખંડ૦ ૧૦
ચરિત્ર જોઈ સહજાનંદનાં રે, શરણ ગ્રહે થઈ શિષ્ય..અખંડ૦
         નાથ નિજ આશ્રિતને રે, આપે રૂડો ઉપદેશ...અખંડ૦ ૧૧
અગણિત જીવ ઓધારવા રે, સ્વામી ફરે સર્વે દેશ..અખંડ૦
         સોરઠ કચ્છ હાલારમાં રે, કીધો પાંચાળે પરવેશ...અખંડ૦ ૧૨
ધન્ય ધન્ય ગઢપુર ગામમાં રે, વસે ઉત્તમ નરેશ..અખંડ૦
         આવ્યા તહાં ઘનશ્યામજી રે, સાથે લઈ મોટા મુનેશ..અખંડ૦ ૧૩
વાસ વસ્યા ગઢપુરમાં રે, ઉન્મત્તગંગાજીને તીર..અખંડ૦
         ઘેલી ગંગાજીના ઘાટમાં રે, નાતા ખળખળિયાનાં નીર..અખંડ૦ ૧૪
ધામ કીધું ધર્મ લાડીલે રે, સ્થાપન કીધા ગોપીનાથ..અખંડ૦
         ગોપીનાથ સંગે રાધિકા રે, પોતે પણ રહ્યા સાથ...અખંડ૦ ૧૫
ભક્તિ ધરમ વાસુદેવને રે, સ્થાપ્યા કૃષ્ણ બળદેવ..અખંડ૦
         દાસ હરિ કે નિત નાથની રે, કરે વરણી પ્રીતે સેવ...અખંડ૦ ૧૬

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
લીલા ભક્તિ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026