મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે...ટેક
મૂળઅક્ષરને લાવ્યા સંગે રે, દસ અવતાર એહ પ્રસંગે રે;
         ઈશ્વર કોટિ આવ્યા ઉમંગે...અક્ષર૦ ૧
ધામ ધામના મુક્તો બોલાવી રે, રીત સર્વોપરી સમજાવી રે;
         રાખ્યા સમીપે સંત બનાવી રે...અક્ષર૦ ૨
પરમહંસ કર્યા પાંચસો પૂરા રે, સોળ સાધને સંત એ શૂરા રે;
         એ કોઈ વાતમાં નહિ અધૂરા...અક્ષર૦ ૩
એવા સંત સેવે કારજ સરે રે, તે તો જેમ ધારે તેમ કરે રે;
         કાળ કર્મ માયા એથી ડરે...અક્ષર૦ ૪
જેને માયા સંગાથે છે વેર રે, નથી મળતા પૃથ્વીમાં કોઈ પેર રે;
         એવા સંત સ્વામિનારાયણને ઘેર...અક્ષર૦ ૫
સંત શાસ્ત્ર ધરમ નીમ લઈ રે, સદ્‌બુદ્ધિ જુઓ ચિત્ત દઈ રે;
         એમાં આ લોકની વસ્તુ કઈ...અક્ષર૦ ૬
મોટા સંતની સેવામાં રહેજો રે, કૂડિયા કપટી પાખંડી તજી દેજો રે;
         મેલી શંખલા ચિંતામણિ લેજો...અક્ષર૦ ૭
નથી મળ્યા નહિ મળે કોઈ ટાણે રે, સુખ મરજીવા હોય તે માણે રે;
          દાસ હરિ કે દૈવી જન જાણે...અક્ષર૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
ભાવ :
ભાગવત મહિમા
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026