આસ્વાદ
વિવેચક ઃશાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ છારોડી - અમદાવાદ
વાલા રમઝમ કરતાં કાન, મારે ઘેર આવો રે,
મારા પૂરા કરવા કોડ, હસીને બોલાવો રે. - ૦૧
આ પંકિતમાં સ્વામી શ્રીહરિને પોતાને ઘેર આવવા આમંત્રણ આપે છે. સ્વામી સંત છે, સંન્યાસી છે. સંન્યાસીને પોતાનું ઘર નથી હોતું. ઘરબાર છોડે પછી તો સંન્યાસી થવાય. પરંતુ અઘ્યાત્મપંથના યાત્રિકોએ લૌકિક ઘરબાર છોડયા પછી એક અનોખું ઘર સજાવવાનું હોય છે અને એ છે ‘શ્નદયરૂપી ઘર'.
યોગીઓ, જ્ઞાનીઓ, પ્રેમીઓ જીવનભર જાતજાતની સાધના કરીને શ્નદયરૂપી ઘરને શુદ્ધ કરે છે, સજાવે છે અને પ્રાણપ્રિય પરમાત્માની પધરામણી માટે આતુર હૈયે રાહ જુએ છે.
રામાયણમાં સુંદર પ્રસંગ છે. તાપસવેશે વિચરતાં ભગવાન રામચંદ્રજી એ મહર્ષિ વાલ્મિકીજી ને પૂછયું, ‘ભગવાન! અમને વસવાલાયક સ્થાન બતાવો!
મહાજ્ઞાની વાલ્મીકિ હસીને બોલ્યા. ‘હે વિશ્વાત્મા! પહેલા મને આપ એ બતાવો કે આપ કયાં નથી? પછી હું આપને રહેવાલાયક સ્થાન બતાવું!'
ભગવાન રામચંદ્રજી પણ સામે મર્મમાં હસ્યા. ત્યારબાદ વાલ્મીકિજીએ પરમાત્માને વસવા લાયક સ્થાનોની અદભૂત વાત કરી છે. એમાંથી કેટલાક અંશો જોઈએ.
સુનહુ રામ અબ કહહુ નિકેતા જહાં બસહુ સિય લખન સમેતા /
જિન્હકે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમ્હારિ સુભગ સરિ નાના //
પ્રભુ પ્રસાદ શુચિ સુભગ સુવાસા, સાદર જાસુ લહઈ નિત નાસા /
તુમ્હાહિ નિવેદિત ભોજન કરહિ, પ્રભુ પ્રસાદ પટ ભૂસન ધરહિ //
કર નિત કરહિ રામ પદ પૂજા, રામ ભરોસે શ્નદય નહિ દૂજા /
ચરન રામ તીરથ ચલી જાહી, રામ બસહુ તિન્હકે મનમાંહી //
કામ ક્રોધ મદ માન ન મોહા, લોભ ન છોભ ન રાગ ન દ્રોહા /
જિન્હકે કપટ દંભ નહી માયા, તિન્હકે શ્નદય બસહુ રઘુરાયા //
સબકે પ્રિય સબકે હિતકારી, દુઃખ સુખ સરિસ પ્રશંસા ગારી /
કહહિ સત્ય બચન વિચારી, જાગત સોવત શરન તુમ્હારી //
જે હરષહિ પરસંપત્તિ દેખી, દલખિત હોઈ પર બિપતિ બિશેષી /
જિન્હહિ રામ તુમ પ્રાન પિયારે, તિન્હ કે મન શુભ સદન તુમ્હારે //
જાહે ન ચાહિએ કબહુ કછુ તુમ સન સહજ સનેહું /
બસહુ નિરંતર તાસુ મન સૌ રાઉર નિજ ગેહુ //
ભગવાનની ભકિતથી પાવન થયેલા ઇન્દ્રિયો-અંતઃકરણ ભગવાનને રહેવાના સ્થાન છે.
મુકતાનંદ સ્વામી પોતાના ભાવશુદ્ધ અંતઃકરણમાં પધારવા માટે શ્રીહરિ ને નિમંત્રણ આપે છે. આ નિમં ણમાં પ્રેમ ભરેલી દીનતા છે.
શ્રી હરિની પૂજામાં અંતરના આર્તનાદથી મોટો આવાહન મંત્ર નથી.
વિશુદ્ધ અંતઃકરણથી શ્રેષ્ઠ આસન નથી.
અશ્રુબિંદુઓથી શ્રેષ્ઠ અભિષેક-જળ નથી.
પ્રેમથી શ્રેષ્ઠ પુષ્પો નથી.
સત્કમોર્રુથી શ્રેષ્ઠ પૂજનસામગ્રી નથી.
સ્વામી કહે છે, ‘હે પ્રિયતમ! પધારો મારા શ્નદયમાં બિરાજો. આપે મને વચન દીધું છેકે શાસ્ ાર્થ સમયે તમારા હૈયામાં અમે બિરાજીશું, તમારી જીભેથી અમે બોલીશું, તમારી જીભેથી અમે બોલીશું, તમારે ચિંતા કરવાની જરૂર નથી.'
‘હે હરિ! તમારા વચનમાં વિશ્વાસ છે પણ અમારા જીવનાં હૈયા ભારે અધીરીયાં હોય છે એટલે અકળામણ થાય તે સહજ છે.'
‘હે ભગવન્! તમે જે કોલ દીધો છે એની આછી ઝલક મળી જાય તો અમારા અંતરની ઉપાધિ દૂર થઈ જાય!'
સ્વામી અહીં ભગવાનને ‘રમઝમ કરતાં' આવવાનું કહે છે. ‘રમઝમ કરતાં આવો' એટલે ઉત્સાહ ભરેલે હૈયે આવો. આનંદની હેલી વરસાવતાં આવો. નૃત્ય કરતાં કરતાં આવો. છડેચોક બીજાને જણાઈ આવે એમ આવો.
સોગીરે મોઢે આવે એ શોક કેમ ટળી શકે! સ્વામી કહે છે, ‘અમારા અંતરના સંતાપને હરવા પરાણે નહીં, હરખતે હૈયે આનંદ ઉત્સવ કરતાં કરતાં આવો.'
‘મારા પૂરા કરવા કોડ, હસીને બોલાવો રે.'
‘કોડ' એટલે શ્નદયના ભાવ. સંસારીઓને હોય તેવા સ્વાર્થભર્યા કોડ સંતને ન હોય. સંતના કોડ તો પ્રેમ અને સમર્પણથી ભરેલા હોય. પ્રેમી ભકતના શ્નદયનો મોટામાં મોટો કોડ તો પ્રેમ હોય તો એ હોય છે કે ‘મારો પ્રિયતમ મને હસીને બોલાવે, મારા ઉપર હેત વરસાવે, મારી સેવાનો સ્વીકાર કરે.'
પ્રેમી ભકતની સાધના નથી અહંકાર વધારવા માટે હોતી કે નથી લોકરીઝવવા માટે હોતી.પ્રેમી ભકતની સર્વ સાધના પ્રિયતમ શ્રીહરિને રીઝવવા માટે જ હોય છે. પતિવ્રતા નારી શણગાર સજે અને વારાંગના શણગાર સજે એ બેયના આશય પાછળ આકાશપાતાળનું અંતર છે.
પતિવ્રતા નારી માત્ર પોતાના પતિને પ્રસન્ન કરવા શણગાર સજે છે. જયારે વારાંગના પરાયા પુરુષનાં મન હરવા શણગાર સજે છે.
દક્ષિણ ભારતમાં આલવાર સંતોમાં શ્રેષ્ઠ કહી શકાય તેવા ‘ગોદામ્બા' થયા. ગોદામ્બા દક્ષિણ ભારતનાં મીરાંબાઈ ગણાય છે.
‘શ્રી વિલ્લુપુત્તર' ગામે એમનો જન્મ. એમના પિતા શ્રી વિષ્ણુચિત્ત ભગવાન શ્રીરંગના અનન્ય ભકત હતા. તેઓ મોટે ભાગે ‘શ્રીરંગપટ્ટણા'માં રહેતા.
ગોદામ્બાએ નાની ઉંમરથીજ ‘શ્રીરંગ' ને પોતાના સ્વામી ધારેલા અને મનોમન શ્રીરંગ સાથે વરી ચૂકેલા.
ગોદામ્બા રોજ નવા નવા શણગારો સજતા અને દર્પણમાં પોતાના સોંદર્યને નીરખતાં નીરખતાં વિચાર કરતા કે આ શણગાર મારા શ્રીરંગ ને ગમશે? હું મારા શ્રીરંગને કેવી લાગીશ!
ગોદામ્બા ઘરે રોજ સાંજે ફૂલતુલસીની માળાઓ બનતી જે સવારની પૂજામાં શ્રીરંગને અર્પણ થતી. નાની ઉંમરના ગોદામ્બા પ્રેમમાં ને પ્રેમમાં આ માળાઓ ભગવાનને અર્પણ થાય એ પહેલાં જ પહેરી લેતા અને દર્પણમાં પોતાની જાત ને નીરખતા.
એક વાર પિતા ‘વિષ્ણુચિત્ત' ને આ વાતની ખબર પડી. આ શુદ્ધ સદાચારી બ્રાહ્મણને માળાઓ અપવિ થતી જોઈને ભારે સંતાપ થયો. અને ગોદામ્બાને ખૂબ જ ઠપકો આપ્યો.
‘ગોદામ્બા, તું પ્રભુને અર્પણ કર્યા પહેલાં માળા પહેરીને એને અપવિ કરે છે?
આવી અપવિ માળાઓ શ્રીરંગને અર્પણ કરીએ તો અપરાધ લાગે. ભગવાન આવી
માળા કેમ સ્વીકારે?'
પિતાનો ઠપકો સાંભળી ગોદામ્બા ભારે દુઃખી થયા. ‘મારાથી શ્રીરંગનો અપરાધ થયો. મારો શ્રીરંગ નારાજ થશે.' આવા ભાવથી ગોદામ્બા રાત્રે ખૂબ જ રડયા. એ જ રા ે ભગવાન શ્રીરંગે વિષ્ણુચિત્તને દર્શન દીધાં અને કભ્ું, ‘તમે ગોદામ્બાને ઠપકો શા માટે ઠપકો આપ્યો? એણે પહેરેલી માળાઓ ખૂબજ પસંદ આવે છે. આજથી કાયમ માટે મારી પૂજાની પુષ્પમાળા પહેલા ગોદામ્બા પહેરે પછી જ મને અર્પણ કરવામાં આવે.' આટલું કહી શ્રીરંગ અદૃશ્ય થઈ ગયા.
પોતાની પુ ીના પ્રેમની આવી પરાકાષ્ઠાનો અનુભવ થતાં ‘વિષ્ણુચિત્તે' ગોદામ્બાની ક્ષમા માગી.
આજે પણ આ પ્રસંગને જીવીત રાખતી પરંપરા છે. ‘શ્રી રંગ' ના મંદિરમાં રોજ સાંજે એક માળા ગોદામ્બાને ધરવામાં આવે છે. અને એ જ માળા સવારે ભગવાન ‘શ્રી રંગ' ને ધરાવાય છે.
પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી લખે છે,
‘જયા લગી પિયુડો હસી ન બોલાવે, આભૂષણ સરવે ડેરો રે.'
પોતાના સૌભાગ્યનો સ્વામી પ્રસન્ન ન થાય તો સોહાગણ સુંદરી માટે સરવે આભૂષણો બંધનરૂપ બની જાય છે.
માટે મુકતાનંદ સ્વામી પ્રાર્થના કરે છેઃ
‘હસીને બોલાવો રે'
‘હે હરિ! તમે હસીને બોલાવો તો અમારી સાધનારૂપી સર્વ શણગારો સફળ થઈ જાય!'
મારે તમ સંગ લાગી પ્રીત, શ્યામ સોહાગી રે,
મેં તો તમ સંગ રમવા કાજ, લજજા ત્યાગી રે.
શ્રીહરિ એના જ ઘરે પધારે છે જેના શ્નદયમાં અનન્ય ભકિત જાગે છે. જગતને પણ પ્રેમ કરે અને જગદીશ્વરને પણ પ્રેમ કરે એવા ‘જાર પુરુષો' ભગવાનને ગમતા નથી.
ઘણા ભકતો માછલાં જેવા હોય. ઘણા ભકતો દેડકાં જેવા હોય.
માછલાં પાણી વિના રહી ન શકે, દેડકાંને તો પાણીમાંય મઝા અને પૃથ્વીમાંય મઝાં!
માછલાં જેવા ભકતો ભગવાનનો પળ ભરનો પણ વિરહ ખમી ન શકે. જયારે દેડકા
જેવા ભકતોની તો વાત જ કરવા જેવી નથી. આ દેડકીયા ભકતને મંદિરમાં જાય તોય મઝા અને મદિરાલયમાં જાય તો પણ મઝા! સાધુસંતો પાસે જાય તોય આનંદ અને ભવાયા પાસે જાય તોય આનંદ.
મુકતાનંદ સ્વામી પોતાના પ્રેમની અનન્યતાની ખાતરી આપતાં કહે છે,
મારે તમ સંગ લાગી પ્રિત શ્યામ સોહાગી રે.
મુકતાનંદ સ્વામીના મનમાં પંચ વિષય પ્રત્યે આસકિતના અંકૂર ઊઠી શકે તેમ નથી. એમની પ્રીતીનો તાર માત્ર શ્રીહરિની સાથે જ સંધાયો છે.
અહીં ‘સોહાગી' શબ્દ છે. ‘સોહાગી' શબ્દ ‘સૌભાગ્ય' શબ્દ ઉપરથી આવેલો છે. ‘સોહાગી' એટલે ‘સદભાગી'. પરંતુ અહીં ‘ભગવાન સદ્ભાગી છે' એવો અર્થ બંધ બેસતો ન આવે ભગવાન તો ભાગ્યના ઘડનારા છે માટે ‘સોહાગી' નો અર્થ છે. ‘સર્વ સૌભાગ્યના સ્વામી!' સર્વ પ્રકારના સૌભાગ્યો શ્રીહરિના ચરણમાં વસે છે. શ્રીહરિના ચરણમાં જે પ્રીતિ કરે છે તે પણ શ્રીહરિકૃપાથી ભાગ્યવંત બને છે.
મેં તો તમ સંગ રમવા કાજ, લજજા ત્યાગી રે.
લાજ અને પ્રેમને બારમો ચંદરમા છે. લાજવંતને પ્રેમ ન હોય અને પ્રેમીને લાજ ન હોય.
ધાર્મિક જગતમાં સદાચારીઓએ લાજ પસંદ કરી છે. પ્રેમીઓએ પાગલપન પસંદ કર્યું છે.
જૂના જમાનામાં લાજ કાઢવાનો રિવાજ હતો. એક નિયમ છે લાજ જીવતાંની હોય, મરેલાંની નહીં. ભકત માટે ભગવાન સિવાય સર્વ જગત મૃતપ્રાય છે, જડ છે. મડદાંની લાજ ન હોય તેમ ભગતને જગતની શરમ ન હોય.
શ્યામ સોહાગીના પ્રેમમાં પાગલ થયેલા ભકતો હાથમાં વાજિં ો લઈ લાજશરમ છોડી નાચ્યા છે.
ઐસી લાગી લગન મીરાં હો ગઈ મગન,
વો તો ગલી ગલી હરિગુન ગાને લગી.
મીરાં રાની દીવાની કહાને લાગી.
નરસી મહેતા અને મહાપ્રભુ ચૈતન્યે પણ આ જ ભાવદશા ધારણ કરી છે. ભગવાન સ્વામિનારાયણ સમયમાં ઉદયપુરનાં ઝમકુબાઈ, નારદીપુરના તીતાભગત અને સચ્ચિદાનંદ સ્વામી આવા જ ઉચ્છૃંખલ પ્રેમના દરિયા હતા. વૃંદાવનની ગોપીઓની પણ આ જ દશા હતી.
ભકતોની ઈતિહાસ જ નિર્લજજતાથી ભર્યો છે. ભાગવતજીમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમપ લખતાં રુકિમણીજી કહે છે.
/ ત્વય્યચ્યુતાવિશતિ ચિત્તમપ પં મે /
‘હે શ્યામસુંદર! હું રાજકુમારી છું. અમારા અંતઃકરણને આડી સાતથરી ચોકીઓ હોય, અમારે કાયમ ઓઝલમાં રહેવાનું હોય. ઓઝલના પડદાઓ અમારા આભૂષણો કહેવાય, અમારા પગની પાની પણ પરાયા પુરુષ જોઈ ન શકે. સોનાને પીંજરે પુરાયેલી
મેના જેવાં અમારાં જીવન છે. પણ હે ભુવનસુંદર! સાંભળો, અમારા શરીરને ઓઝલમાં રાખી શકાય છે પણ અમારા નિર્લજજ મનને તમારા ચરણ સુધી પહોચીં જવામાં રાજમહેલની ચોકીઓ રોકી શકે તેમ નથી!'
જેને લાજશરમ હોય તે કયારેય પ્રેમ ન કરી શકે. જગતને તણખલાની જેમ ગણીને નર્તન કરે, કીર્તન કરે ત્યારે નટવર પણ સાથે નાચવા લાગે.
મેં તો તમ સંગ રમવા કાજ, લજજા ત્યાગી રે.
મુકતાનંદ સ્વામી ભરયૌવને ઘર છોડવા પાગલપન સ્વીકારી ચૂકયા હતા. મહાત્મા મૂળદાસના વૈરાગ્યના સંસ્કારો મુકતાનંદ સ્વામીના અંતરમાં ઉછાળા મારી રભ હતા. એ અનોખા સત્પુરુષે આ મુકતપુરુષને જ્ઞાન, ઘ્યાન અને ભકિતના પીયૂષ પિવડાવ્યાં હતા. દેહ ગેહનાં બંધનો એને ગમતાં નહોતાં. અલખને આરાધવા માટે અંતર આતુર હતું સદ્ગુરુની શોધ માટે પ્યાસ જાગી હતી.
અમરાપારનો આ આત્મા મરણધર્મા બંધનોથી જકડાયેલો કેમ રહે! એની આંખો આકાશમાં ઉડવા માટે ફફડતી હતી પણ સગાંસંબંધીઓના સ્નેહનાં સુવર્ણ પીંજર એને ઊડવા દેતા ન હતા. હરિને મારગે જવાની રજા મળતી ન હતી. આખરે એણે પાગલપન સ્વીકાર્યું.
અમરાપરની બજારમાં ગાંડાની જેમ ફરવા લાગ્યા. પાગલપનની અવનવી ચેષ્ટા કરવા લાગ્યા. સ્વામી ગાંડપણમાં હોય તેમ નાચેકૂદે અને ગાય...
‘રામઘટોઘટ મઊડી ફૂલી, રામ ઘટોઘટ મઊડી ફૂલી'
તળપદી ભાષામાં ‘મઊડી' એટલે ગાંડો. મૂળ તો ‘મહુડી' શબ્દ છે તો મહુડી એટલે મહુડાના રસમાંથી બનેલી મદિરા. મદિરાપાનથી ગાંડો થયો હોય એને લોકો ‘મઊડી' ‘મઊડી' કહીને ખીજવતા.
મુકતાનંદ સ્વામીના અનોખા ગાંડપણ ભરેલા શબ્દોમાં ભારોભાર ડહાપણ ભર્યું હતું.
સ્વામી કહે છે, ‘રામ ઘટોઘટ'- ઘટઘટમાં રમનારો રામ છે. જે કંઈ થાય છે તેનો કરનારો રામ છે. પણ‘મઊડી ફૂલી' મોહની મદિરાનું પાન કરેલા પાગલ લોકો ‘હું કરું, હું કરું' કહેતાં ફૂલાતાં ફરે છે.
સ્વામી દુનિયાદારી તરફ મનોમન હસે છે અને બોલે છે,
‘પાગલ દુનિયા મને પાગલ સમજે છે.'
સ્વામીના પાગલપણે સંસારીઓના સ્વાર્થી સ્નેહની પોલ ખોલી નાખી. આખરે પાગલ પરમહંસને ઘરમાં સંઘરવા કોઈ તૈયાર ન થયું. દુન્યવી પ્રેમના મલોખડા જેવાં પીંજર ભાંગી ગયાં અને પુરાયેલા હંસને આકાશમાં ઊડવાનો માર્ગ મોકળો થયો.
અઘ્યાત્મ માર્ગે ઊડતા આ પરમહંસને અનેક આવરણો આવ્યાં. પણ કોઈ આવરણ એને અવરોધી ન શકયાં. સરધારમાં સ્વાર્થી ગુરુ તુલસીદાસ મળ્યા તો એમના પાશમાંથી છૂટવા માટે પણ ‘પાગલપન' ની તરકીબ અપનાવી ગુરુ પાસેથી રજાચિઠ્ઠી લખાવી લીધી. આખરે સમર્થ ગુરુ રામાનંદ સ્વામીને ચરણે સમર્પિત થયા.
એટલે આ પંકિતમાં સ્વામીના અનુભવના ઉદ્ગારો છેઃ
‘મેં તો તમ સંગ રમવા કાજ લજજા ત્યાગી રે.'
પણ આટલું કભ પછી સ્વામીરે કીર્તનમાાં અદભૂત વળાંક લીધો,
વ્હાલા અબળા ઉપર મહેર, કરજો મોરારી રે,
હું તો જન્મો જનમની નાથ, દાસી તમારી રે.
ભગવાનને ભેટવા માટે ‘મેં કંઈક કર્યું છે' એવો અંતરમાં ભાવ જાગ્યો કે તુરત સ્વામી સાવધાન થઈ ગયા. સ્વામીના ભાવપ્રવાહે વળાંક લીધો. ‘હું કરનારો કોણ? મારાથી શું થઈ શકે? મારા સાધનોના બળથી એ કેમ આવે?'
ભકિતમાર્ગમાં ‘દાસ્તવ' ‘કૈંકર્ય,' ‘દીનતા' આ બધા ધર્મોનું પ્રાધાન્ય ગણાય છે.
શરીર ધુંધણાવી અશ્વ ખોટાં રૂંવાડાં ખંખેરી નાખે એમ સ્વામીએ પોતાના સાત્વિક અહંકારને ખેરી નાખ્યો અને અત્યંત દીનતા સાથે દાસભાવ ધારણ કર્યો.
જેમ પહાડમાંથી અવતરતી ગંગા નદી આડીઅવળી વાંકીચૂકી વહે તેમ નંદસંતોનાં ર્કીતનોની રસધારાઓ પણ અદ્ભૂત વળાંકો લેતી વહેતી હોય છે.
સ્વામી કહે છે, ‘હે મહારાજ! હું તો અબળા છું, મારાથી કશું સાધન થઈ શકે તેમ નથી. અમે તો તમારી કૃપાથી નભીએ છીએ.'
‘નિર્બલ કે બળરામ સુમિર મન નિર્બલ કે બળરામ.'
સ્વામી અહીં ભગવાનને ‘મુરારી' કહે છે. ‘સ્વામી કહેવા માંગે છે અમારા અંતરમાં અહંકાર નામનો મૂર દાનવ બેઠો છે. આ મૂરદાનવ જ સર્વ આપદાઓનું મૂળ છે. હે મુરારી! આપ જ એ મૂરદાનવનો નાશ કરવા સમર્થ છો.'
સ્વામી પોતાના જનમોજનમના દાસત્વપણાનું ખત શ્રીહરિ-ચરણમાં સમર્પણ કરતાં કહે છે.
હું તો જન્મો જનમની નાથ, દાસી તમારી રે.
સામાન્ય રીતે જગતમાં દાસત્વ દુઃખદ ગણાય છે પણ ભકિતમાર્ગમાં ભગવાનનું
દાસત્વ પરમ સુખદ છે.
જગતની ગુલામી ગરજ અને લાચારીથી ભરી છે જયારે પ્રેમીઓની ગુલામી સ્વેચ્છાએ આનંદથી સ્વીકારાયેલી છે.
જગતની ગુલામી શોષણથી ભરી છે જયારે પ્રેમીઓની ગુલામી પોષણથી ભરી છે. માતાપિતા, ગુરુજનો અને ઈષ્ટ દેવની આધીનતામાં જ ઉન્નતિનાં બીજ પાંગરે છે.
જ્ઞાનીઓને સ્વતંત્રતા પસંદ છે, પ્રેમીઓને પરતં તા પસંદ છે.
કૈવલ્ય મુકિતના રૂપાળા નામવાળા સ્વૈરવિહારને બદલે પ્રેમીઓ કોઈકના થઈને રહેવામાં વધારે આનંદ માણે છે.
કદાચ કોઈને ગમે કે ન ગમે તાત્ત્િયવક દૃષ્ટિએ જોઈએ તો સ્વતં તા કૃિ મ છે. પરતં તા સહજ છે. સમગ્ર જડચેતન અસ્તિત્વો શ્રીહરિની અંતર્યામી શકિતને આધારે ટકેલાં છે એથી કોઈ કયારેય સ્વતં રહી શકે તેમ નથી.
માળાના પારાઓને દોરાનાં બંધન ન ગમે તો માળાના પારાની શી દશા થાય?
ચંદ્રની ચાંદનીને સ્વતં થવા માગે ફરવાનું મન થાય તો ચાંદનીનું શું થાય?
સૂર્યનાં કિરણો સૂર્યથી સ્વતં થવા માગે તો સૂર્યકિરણોનું શું થાય?
આકાશના નક્ષ ો બળવો કરે કે અમારે ગુરુત્વબિંદુની ગુલામી નથી જોઈતી તો નક્ષ ોનું શું થાય?
સર્વવ્યાપી સર્વાંતર્યામી પરબ્રહ્મથી કોઈ અલગ રહી શકે તેમ નથી એટલે પરમાત્માથી સ્વતં રહેવાના કોડ કરવા કરતાં એમની આધીનતા સ્વીકારવી એ જ શ્રેયસ્કર છે ને એ જ શરણાગતિનો પરમ મર્મ છે.
અંતરના સૂક્ષ્મતમ અહંકારના શિરચ્છેદ વિના આવી શરણાગતિ શકય નથી.
મુકતાનંદ સ્વામીએ બલિદાનની વેદી પર પોતાના અહંકારના શ્રીફળને વધેરી નાખ્યું છે. માટે સ્વામી કહે છે.
હું તો જન્મો જનમની નાથ, દાસી તમારી રે,
અહીં નાથ શબ્દ છે તે ભગવાનનું શરણાગત, વત્સલપણું, આશ્રિત પ્રતિપાલકપણું સૂચવે છે.
આગળની પંકિતમાં રસધારા ફરીથી સુંદર વળાંક લે છે,
શરણાગતિની દૈન્યધારા ભકિતની પ્રેમધારાનું રૂપ ધરે છે.
મારા પ્રાણતણા આધાર, પ્રીતમ પ્યારા રે,
પળ રહો મા નટવર ના‘વ, મુજથી ન્યારા રે.
મુકતાનંદ સ્વામી માટે શ્રીહરિ પ્રાણના આધાર છે. પ્રાણવાયુનો પ્રવાહ અટકે
તો શરીરની જે દશા થાય એવી જ દશા પ્રિયતમના વિરહમાં પ્રેમીઓની થતી હોય છે. શ્રી હરિથી એક પળની પણ જુદાઈ પ્રેમી ભકતોને પાણીથી બહાર કાઢેલા માછલાની જેમ તરફડાવે છે.
અહિં ના'વ શબ્દ નાથનો અપભ્રંશ છે.
આગળની પંકિતમાં વિરહની રસધાર શૃંગારના સાજ સજે છે,
આવો છોગાં મેલીને શ્યામ, ધડક મ ધારો રે,
મેં તો ફૂલડે સમારી સેજ, શ્યામ સુધારો રે.
છોગાં મેલીને આવો એટલે છડેચોક આવો; લપાતા છુપાતા નહીં, બીતાં બીતાં નહીં, નિધડક રીતે, સરેઆમ જગત જોઈ શકે એમ પધારો.
આ પંકિતમાં પ્રેમી દિલની નિર્ભયતા પ્રગટ થઈ છે.
સામાન્ય રીતે પ્રેમીઓ એકબીજાને ‘ચૂપકે ચૂપકે' જ મળવાનું પસંદ કરે છે. સાહિત્યમાં એને ‘અભિસાર' કહે છે.
અંધારી રાત હોય, વૃક્ષો-લતાઓની ઓથ હોય, અંધારામાં ભળી જાય એવાં વસ્ત્રોના આવરણોમાં પ્રેમીઓ છુપાયાં હોય અને એકબીજાને મળતાં હોય. આવો પ્રેમ કાયરતાભર્યો કહેવાય; મર્દાનગીભર્યો ન કહેવાય.
અહીં સ્વામી નિર્ભય પ્રેમથી નિમં ણ આપે છેઃ છડેચોક આવો. દુનિયાને જેમ કહેવું હોય તેમ ભલે કહે.
આગળની પંકિતમાં લોકલાજ તજવાની વાત છે. આ પંકિતમાં લોકભય તજવાની વાત છે.
મેં તો ફૂલડે સમારી સેજ, શ્યામ સુધારો રે.
સ્વામીએ સજાવેલી આ ફૂલોની સેજ સામાન્ય નથી. અહીં પ્રેમથી ખીલેલ શ્નદયકમળની સેજ છે. પ્રેમ ભરેલા હૈયામાં ઉઠતા ભાતભાતના ભાવો એ ફૂલડાંઓ છે.
જીવોનાં અંતર ઉકરડા જેવા છે. કાવાદાવા, રાર્ગેેષ, ઈર્ષ્યા અને વિષયવાસનાના ઢગલામાંથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ઉઠે છે. આવા દુર્ગંધ મારતા અંતરમાં શ્રીહરિ કેમ બિરાજે?
પરમાત્માની કથારૂપી ગંગાજળથી પરમહંસો પોતાના શ્નદયમંદિરને શુદ્ધ કરે છે. શુભ ભાવોનાં પુષ્પોથી સેજ સજાવે છે અને અપલક નયને પ્રિયતમના આગમનની રાહ જુએ છે. મુકતમુનિનું અંતર શુભ ભાવનાઓથી ભર્યું છે. એમના ‘જીવન' સામે નજર માંડીએ તો આ સંતે પોતાનો દ્રોહ કરનારાઓના પ્રત્યે પણ કયારેય અશુભ વિચાર કર્યો નથી.
ચાસણીમાં ગુલાબજાંબુ ઝબકોળાયાં હોય તેમ મુકતમુનિના અંતરની શુદ્ધાવનોઓ શ્રી હરિના પ્રેમથી તરબોળ છે.
સોહાગણ સુંદરી સુંદર પુષ્પોથી સેજ સજાવે પણ એની સાર્થકતા ત્યારે જ થાય જયારે એના સૌભાગ્યનો સ્વામી એ શય્યામાં રમણ કરે. અન્યથા વિરહિણીના ઊના નિઃશ્વાસથી ફૂલો કરમાઈ જાય.
સ્વામી શ્રીહરિને વિનવે છે. ‘હે પ્રભુ! જલ્દી પધારો, અમારા શ્નદયકમળની સેજને પાવન કરો, નહિતર અમારાં ભાવપુષ્પો કરમાઈ જશે અથવા કોભકના પગ નીચે કચડાઈ જશે.'
વ્હાલા નયણાં તણું ફળ આજ, મુજને આપો રે,
મુકતાનંદ કહે મહારાજ, દુઃખડાં કાપો રે.
જગતના સૌંદર્યને માણવું એ નેત્રનું ફળ નથી. જગતમાં જગદીશ્વરને જોવા એ ને નું ફળ છે.
જગતમાં જગદીશ્વરને જોવા એ કરતાંય જગદીશ્વરને મૂર્તિમંત નજર સામે નિહાળવા એ જ ને ોની શ્રેષ્ઠ સફળતા છે.
તત્વજ્ઞાનીઓ નિરંજન નિરાકારની મથામણમાં જ પ્રત્યક્ષ દર્શનથી વંચિત રહે છે. અરે! પ્રત્યક્ષ મળે તો પણ એમની જ ધારણાઓ એમનાં આવરણો બની જાય છે.
પ્રેમીઓ સુંદરસાકાર શ્રી હરિને નજરોનજર નિહાળે છે.
શ્રીહરિનું પ્રત્યક્ષ દર્શન એ આંખોનું ફળ છે.
શ્રીહરિના મુખથી ઝરતાં વચનામૃતોનું શ્રવણ એ કાનનું ફળ છે.
શ્રીહરિના ગુણાનુવાદનું ગાન એ જિહ્વાનું ફળ છે.
શ્રીહરિના પ્રસાદનો સ્વાદ એ રસનાનું ફળ છે.
શ્રીહરિને ચઢેલાં ફૂલ તુલસીની સુગંધ એ નાસિકાનું ફળ છે.
શ્રીહરિનો પાવનકારી સ્પર્શ એ ત્વચાનું ફળ છે.
શ્રીહરિ અને એના ભકતોની સેવા એ હાથનું ફળ છે.
શ્રીહરિને પ્રદક્ષિણા એ પગનું ફળ છે.
ઈન્દ્રિયોની સફળતા વિષયભોગમાં નથી, બ્રહ્મરસના આસ્વાદમાં છે.
પ્રત્યેક ઈન્દ્રિયને પરમાત્માનો સંબંધ થાય ત્યારે તે ઈન્દ્રિયો સફળ થાય છે.
મુકતાનંદ કહે મહારાજ, દુઃખડાં કાપો રે.
સ્વામી શ્રીહરિને વિનવતાં કહે છે,
હે મહારાજ! અમને દર્શન આપી અંતરના સર્વ પ્રકારના સંતાપને દૂર કરો.
આસ્વાદ :
સંત કવિ મુક્તાનંદે વ્હાલા પીયુ સહજાનંદ સત્કારવા નૃત્ય સાથે ગાયેલા ઉપરોક્ત પદમાં કવિનો પ્રેમીભક્તભાવે આવિષ્કાર પામતો પ્રેમ ને પ્રભુ મિલનની ઉત્કટ પ્યાસ બહુ જ સમ્યક્ભાવે અભિવ્યક્ત થાય છે. આ પ્રેમીભક્તભાવ એ સ્વામિનારાયણીય સંતકવિઓનો પ્રિયંકર આત્મભાવ છે. પ્રત્યેક સંતકવિએ પોતાની આધ્યાત્મિક ઝંખના પોતાનાં કાવ્યોમાં પોતાની આગવી રીતે અભિવ્યક્ત કરી જ છે!
લાંબા વિરહ બાદ જયારે ભક્તને સમાચાર સાંપડે છે કે પરદેશથી શ્રીહરિજી પધારી રહ્યા છે ત્યારે એનું હૈયું હાથમાં નથી રહેતું,એનું દિલ આનંદના આવેગમાં નાચી ઉઠે છે અને અભિસારિકા બનીને એ શ્રીજીને સત્કારવા સામી દોડી જાય છે. એનો પ્રીયતમ પણ અતિ ઉલ્લાસમાં હશે એવી એની ધારણા છે એટલે જ એ પિયુને પ્રેમભર્યું નિમંત્રણ પાઠવતાં ગાય છે:
‘વ્હાલા રમઝમ કરતા રાજ. મારે ઘેર આવો રે.’
ભક્તના હ્રદયની આરજૂ બસ એટલી જ છે કે મારો વ્હાલીડો મને હસીને બોલાવે.
ભક્ત પ્રેમનો એકરાર બહુ જલદી કરી લે છે, કારણ કે એને ઉતાવળ છે, પ્રિયતમ પ્રભુ સાથે રમવાની ! એને વ્હાલા સાથે રાસલીલની રસલ્હાણ લૂંટવી છે.
એટલે જ એ લજ્જા ત્યાગીને તમામ લૌકિક સબંધો ત્યજી દઈને પ્રભુના પ્રેમમાં મસ્ત બને છે.પણ આ ત્યાગમાં વૈરાગ્યની ઉદાસીનતા નથી, મિલનનો ઉત્સાહ છે. માંગેલું મળવાનું છે જ એની ખાતરીનો આનંદ છે.ભક્તના કથનમાં ક્યાંક આજીજી તો ક્યાંક અનન્ય શરણાગતિ દ્રષ્ટિગોચર થાય છે.
‘હું તો જનમોજનમની નાથ, દાસી તમારી રે.’
મુક્તાનંદ શ્રી સહજાનંદમાં મધુર અનુરાગ અનુભવે છે. વળી એ પૂર્વાનુરાગ, મધુર આકર્ષણ, સ્નેહાસકતિ દ્રઢતા અને અપૂર્વ શ્રદ્ધા સ્વાર્પણનાં ભાવોએ યુક્ત છે.એમનાં હ્રદયમંદિરમાં શ્રી સહજાનંદ મહાપ્રભુ માટે જે મધુર સ્નેહ છે, એ અહીં વ્યક્ત થયા વિના રહેતો નથી.
‘મારા પ્રાણ તણા આધાર, પ્રીતમ પ્યારા રે;
પળ રાહોમાં નૌતમ નાવ, મુજથી ન્યારા રે.’
પ્રભુથી એક પળ માટે પણ દૂર રહેવા એ તૈયાર નથી. વળી નિ:સંકોચ રીતે કવિ કહે છે:
‘આવો છોગાં મેલીને ઘનશ્યામ, ધડક મ ધારો રે;
મેં તો ફૂલડે સમારી સેજ, નાથ સુધારો રે.’
પ્રેમીભક્તની પ્રેમ-મસ્તીનું એક રસિક નિમંત્રણ કવિએ બહુ જ સલુકાઈથી સહેજ પણ મર્યાદાભંગ કર્યા વિના કાવ્યમાં ગ્રંથિત કર્યું છે.
અંતિમ બે પંક્તિઓમાં કવિ પ્રભુને પ્રાર્થતાં કહે છે કે, મહારાજ ! આ નેણાનું – આ દ્રષ્ટિનું પરમ ફળ ફક્ત પ્રભુ દર્શન જ છે. માટે આપના વિયોગે દિલે જે વેદના વેઠી છે તે કાપી અંતરને દિવ્યાનંદ ને શાંતિથી ભરી દો એ જ અભ્યર્થના છે.
પરમાત્માના દર્શનની અભીપ્સા એ જ કાવ્યનો મુળ વિષય છે. કાવ્ય સરળ, સુગેય, ભાવમધુર છે અને પદ ભાવદષ્ટિએ આસ્વાદ્ય છે .
વિવેચન ૨
ભાવાર્થઃ- પ્રસ્તુત પદમાં ન્રુત્યનો ઉલ્લાસ પદ લયની ગતિમાં વર્તાય છે. સખી ભાવાત્મક આ પદમાં સ્વામી શ્રીજીને ‘કાન’ તરીક સંબોધી ભગવાનને અંતર-મંદિરમાં પધારવાનું ભાવભીનું નિમંત્રણ આપે છે. વળી, હસીને બોલાવી સ્વકોડ પૂરા કરવા વિનવે છે. II૧II મારે તો તમારી સાથે અનાદિની પ્રીત છે. વળી, તમ સંગે રમવા લોકની લજ્જા પણ ત્યાગી છે. II૨II હે વાલા! આ અકિંચન અબળા ઉપર કૃપા કરજો. જન્મ મળ્યાની ક્રુતાર્થતા ત્યારે સમજાશે કે જ્યારે સહજાનંદની સાથે સાયુજ્ય સધાશે. એટલે જ કહે છે કે “જન્મો જનમની નાથ દાસી તમારી રે.” II૩II હે પ્રીતમ પ્યારા! પ્રાણનાં આધાર! મારાથી એક પળ પણ દૂર ન જશો. II૪II સોળે શણગાર સજીને શ્યામ, કોઈની પણ બીક રાખ્યા વગર મારે ઘેર પધારો. પ્રેમ–પુષ્પની પથારીમાં પધારો. દર્શ-સ્પર્શનું સુખ આપો શ્યામ. II૫II આપનું સતત સામીપ્ય વાંછતી એવી હું મારા નયણાંનું ફળ આજ સુફળ કરો. સ્વામી કહે છે કે સૌભાગ્યનાં અધિષ્ઠાતા સોહાગી એવા હે મહારાજ! મારી કને આવી મારા દુઃખડા નિવારો. II૬II
રહસ્યઃ- આ પદમાં પ્રેમઘેલી ગોપીનો હૃદયભાવ સરળતાથી રજુ થયો છે. કાવ્યનો ઢાળ ગોપીના હૃદયભાવોર્મિઓને વશ વર્તે છે. પ્રાસ યોજનામાં સ્વાભાવિકતા છે. પદ લયમાં નૃત્યનો ભાવ ઝીલાયો છે. અબળા ઉપર મહેર કરવાની વિનંતી કવિએ દાસીભાવે કરી છે. તાલલયમાં નૃત્યનો રણકાર છે. તાલ હીંચ છે. ઢાળ લોક ભોગ્ય છે.