મુખ્ય સામગ્રી પર જાઓ

આહારની ઇચ્છા જીવન નિર્વાહ માટે થાય છે

‘આહાર' ની ઇચ્છા જીવન નિર્વાહ માટે થાય છે
પશુ પંખી કીટ પતંગ માનવ પ્રાણી સઘળાં ખાય છે
માતંગ મણ મણ કિડી કણ કણ પંખીડાં ચણ પામતાં
પણ માનવી શું માત્ર ખાવા કારણે અહીં જન્મતાં ?
‘નિંદ્રા' દિવસનાં શ્રમિતને આરામથી સુખ આપતી
જીવ જંતુ પ્રાણી સકળમાંહે તાજગી નિત વાવતી
વનવેલી તરૂવર તૃણ બધાં આરામથી સુખ પામતાં
પણ માનવી શું માત્ર નિંદ્રા કારણે અહિં જન્મતા ?
'ભય' છે જગતમાં નિર્બળોને સર્વદા બળવાનનો
નાના ડરે મોટાંથી ભય મોટા ધરે છે મહાનનો
અતિશય મહાન ગણાય તે પણ કાળનાં ભયથી ડરે
પણ માનવી શું એમ ભયમાં જીવવા જન્મ ધરે ?
‘કામના' સ્ત્રીની કરે નર, નારી નરને ચાહતી
એ વિસમ વૃતિ થકી સકળ જીવોની સંતતી વધતી
રે ! વિષમ ભોગ-વિલાસ પાછળ પ્રાણી સૌ ચકચુર છે
પણ માનવી શું માત્ર વિષયી જીવન જીવવા અવતરે ?
આહાર નિંદ્રા નિયમમાં લઇ સત્વનો સંચય કરે
મિથ્યા તજી ભય જગતના જગદીશનો ભય ઉર ધરે
સંયમ કરી મન ઇંદ્રિયોનો ધર્મને પથ સંચરે
ભક્તિથી મુક્તિ પામવા જન જગતમાંહે અવતરે

  

રચયિતા :
ત્રિભુવન વ્યાસ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026