મુખ્ય સામગ્રી પર જાઓ

આ જન્મ મોંઘો મનુજને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે

આ જન્મ મોંઘો મનુજને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે,
          તેમાં વળી સહુ ઇંદ્રિયો અંત:કરણ પર્યાપ્ત છે,
બહુ ખાનપાને ગાનતાને છલકતું છે ઘર સભર,
         તો મોક્ષ માટે હૃદયથી સત્સંગ કર સત્સંગ કર.
લક્ષ્મી મળી તો નિર્ધનોનાં શ્રેયમાં ઉપયોગ કર,
         વિધા મળી તો અજ્ઞ જનમાં જ્ઞાનને સંસ્કાર ભર,
પદવી મળી કીર્તી મળી તો જગતમાં થઇ નમ્ર ફર,
         ને મોક્ષ માટે હૃદયથી સત્સંગ કર સત્સંગ કર.
ચડતી અવરની જોઇને તું અંતરે આનંદ ભર,
         સરખી દશામાં હોય તે શું મૈત્રીનો લંબાવ કર,
જન દીન હાલત હોય તે પર કર સદા કરુણા નજર,
         ને મોક્ષ માટે હૃદયથી સત્સંગ કર સત્સંગ કર.
દશવદન દુર્યોધન ગયા ને કંસનો છે અંશ ક્યાં ?
         રે ! ક્યાં સિકંદર જુલ્મી કૈઝર હિટલરોના વંશ ક્યા ?
પણ દુર્ગુણો એના હવામાં છે નિરંતર ખ્યાલ કર,
         ને મોક્ષ માટે હૃદયથી સત્સંગ કર સત્સંગ કર.
 
રચયિતા :
ત્રિભુવન વ્યાસ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026