મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અલબેલોજી મંદિર મારે આવિયા રે, સુખકંદ સહજાનંદજી

આજ અલબેલોજી મંદિર મારે આવિયા રે, સુખકંદ સહજાનંદજી સુજાણ;
આવો ધર્મકુંવરને નિરખીએ ધીમે રહી રે, જુઓ સાથે એને અક્ષર મુક્ત અપાર છે રે;
     દિસે અંગો અંગમાં ઉગ્યા અગણિત ભાણ, આવો ધર્મકુંવરને નિરખીએ ધીમે રહી રે...ટેક
શ્રુતિયો જેના તત્વને, ખોળે કરી વિચાર, એ અલબેલો આવિયા, થઇને મનુષાકાર;
     અક્ષરધામી બહુનામી આજ પધારિયા રે, જે છે પ્રભુજી પૂરા પ્રેમી જનના પ્રાણ...આવો ધરમ૦ ૧
વા’લાજી ના વદનને, નિરખું વારંવાર, વારૂ લઇને વારણે શારદ ચંદ્ર હજાર;
     અણિયાળી છે, મરમાળી એની આંખડી રે, મારા જીવડલાની જુક્તિના છે જાણ...આવો ધરમ૦ ૨
શિશ મુગટ સોહામણો, નૌતમ નંગ જડાવ, કુંડળ ઝળકે કાનમાં, ભાળી ઉપજે ભાવ;
     અમૃતવાણી સુણી શું વખાણીને કહું રે, સુખડા આપે છે પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ...આવો ધરમ૦ ૩
કંઠે હાર હીરા તણા, દિવ્ય રૂડા દેખાય, કડાં સાંકળા કર વિષે, હેરી મન હરખાય;
     જુઓ બાંહ્યે કાજુ બાંધ્યા બાજુ બેરખા રે, શોભે કરમાં છડી રૂડી સુખની ખાણ...આવો ધરમ૦ ૪
જામો છે કીનખાબનો, જેની ઉમદા જાત, શેલું બુરાનપુરનું ભારે જેમા ભાત;
     ઘમકે ઘુઘરાળી કેડે તે કટી મેખલા રે, મારું મન ઠરવાનું જાણે એ રે’ઠાણ...આવો ધરમ૦ ૫
પીતાંબર પીળું ધર્યું , જોવા જોગ જરૂર, હરિના પગમાં હેમનાં, નૌતમ છે નેપૂર;
     ચરણે ચાખડલી જોઇ આંખડલી મારી ઠરે રે, ભારે ભવદરિયાનું નક્કી વદુ એ વા’ણ...આવો ધરમ૦ ૬
જોઇ મૂરતિ મહારાજની કંદર્પી કોટી લજાય, અદભૂત છબી બની આજની, આપુ શી ઉપમાય;
     જે છે સર્વેશ્વર પરમેશ્વર તે અહીં આવિયા રે, કરવા કોટીક જનનું માયાથી મૂકાણ...આવો ધરમ૦ ૭
મનવાણી પહોંચે નહી, એવું જેનુ સ્વરૂપ, એ અવિનાશી આવિયા, કોટી ભુવનનાં ભૂપ;
     શેષ સુરેશ મહેશ અને શારદા રે, વડાં કરે જેના ગુણનાં વખાણ...આવો ધરમ૦ ૮
સો કરોડ દિવાળીને, દશરા ક્રોડ હજાર, એહ થકી પણ આ સમે, આનંદ અપરંપાર;
     અમૃતવૃષ્ટિ આ સૃષ્ટિમાં મેઘે કરી રે, વા’લે કીધી આજે કોટિધા કલ્યાણ...આવો ધરમ૦ ૯
વિશ્વવિહારીલાલજી, વસો સદા મુજ ઉર, જાણી દાસ હજુરનો, આપો સુખ ભરપુર;
     આણી આનંદ મનમાં મન કર્મ વચને આપણે રે, થઇને રહીયે સદા વા’લાના વેચાણ...આવો ધરમ૦ ૧૦

રચયિતા :
શ્રી વિહારીલાલજી મહારાજ
ભાવ :
મૂર્તિ વર્ણન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026