મુખ્ય સામગ્રી પર જાઓ

આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાતરે

આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાતરે ।
         કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મને મળીયા સાક્ષાત રે;આજ૦ ।।૧।।
રમાડયા જમાડયા રૂડી રીતશું, મળ્યા વળી વારમવારરે ।
         હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તે તો કે'તાં આવે કેમ પાર રે;આજ૦।।૨।।
અન્ન જળ ફળ ફૂલ પાનની, આપી એવી પ્રસાદી અનૂપ રે ।
         ચરણની છાપ દીધી છાતિયે, આપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ રે;આજ૦ ।।૩।।
આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે ।
         તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિ, પામ્યા પણ ના'વ્યાં આવાં સુખરે;આજ૦ ।।૪।।
કોઇકને આપી અમરાવતી, કોઇકને પુર કૈલાસ રે ।
         કોઇકને સત્યલોક સોંપિયું, કોઇકને વૈકુંઠે વાસ રે;આજ૦ ।।૫।।
જુજવાં એ ધામ આપ્યાં જનને, જોઇ નિષ્કામ સકામ રે ।
         આજ તો અઢળક ઢળ્યા હરિ, આપ્યું સહુને અક્ષરધામ રે;આજ૦ ।।૬।।
સુખ સુખ સુખ જ્યાં સુખ ઘણું, તે તો મુખે કે'તાં ન કહેવાય રે ।
         નિષ્કુલાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણગાય રે;આજ૦ ।।૭।।
 

 

 
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
વિશેષણ :
સર્વોપરી
વિશેષ નામ :
આનંદ,હર્ષ,હરખ, પ્રાપ્તિ, મિલન,મેળાપ,
www.swaminarayankirtan.org © 2026