આ વ્રતપુરી વાલો મારો ઘર માની રહેતા; ઘર માનીને રહેતા હરિ આનંદ સૌને દેતા રે...ટેક.
આ બ્રહ્માંડમાં સૌથી મોટું, ધામ બનાવ્યું વાલે; પોતાની મૂર્તિ પોતાને હાથે,આંહીં પધરાવી વાલે; હરિકૃષ્ણ મહારાજ રૂપે આંહીં સદાય સુખડાં દેતા રે...આ૦ || ૧ ||
રામનૌમી ને પ્રબોધિનીના, કરિયા ઉત્સવ વાલે; ચરોતરવાસી સુખડાં માણે, ગજવ્યું ગુજરાત વાલે; ભરતખંડના સર્વે મનુષ્યો વ્રતપુરી ખેંચાતા રે...આ૦ || ૨ ||
શિક્ષાપત્રી લખી વડતાલે, ધર્મ ફેલાવ્યો વાલે; સંપ્રદાયનું બાંધ્યું બંધારણ, ગાદી સ્થાપી વાલે; ગ્રંથો પ્રગટયા ઝાઝા આંહીં, સંવાદો થાતા રહેતા રે...આ૦ || ૩ ||
રંગે રમ્યા ને રાસ રચાવ્યા, જોબનપગીના વાલે; વાસણ સુતારના ઘરમાં રહીને, આનંદ આપ્યો વાલે; જ્ઞાનજીવન આ વ્રતપુરીમાં, વચનામૃત રેલાતાં રે...આ૦ || ૪ ||
