મુખ્ય સામગ્રી પર જાઓ

આ વ્રતપુરી વાલો મારો ઘર માની રહેતા

આ વ્રતપુરી વાલો મારો ઘર માની રહેતા;
         ઘર માનીને રહેતા હરિ આનંદ સૌને દેતા રે...ટેક.
આ બ્રહ્માંડમાં સૌથી મોટું, ધામ બનાવ્યું વાલે;
પોતાની મૂર્તિ પોતાને હાથે, આંહીં પધરાવી વાલે;
         હરિકૃષ્ણ મહારાજ રૂપે આંહીં સદાય સુખડાં દેતા રે...આ૦ ૧
રામનૌમી ને પ્રબોધિનીના, કરિયા ઉત્સવ વાલે;
ચરોતરવાસી સુખડાં માણે, ગજવ્યું ગુજરાત વાલે;
         ભરતખંડના સર્વે મનુષ્યો વ્રતપુરી ખેંચાતા રે...આ૦ ૨
શિક્ષાપત્રી લખી વડતાલે, ધર્મ ફેલાવ્યો વાલે;
સંપ્રદાયનું બાંધ્યું બંધારણ, ગાદી સ્થાપી વાલે;
         ગ્રંથો પ્રગટયા ઝાઝા આંહીં, સંવાદો થાતા રહેતા રે...આ૦ ૩
રંગે રમ્યા ને રાસ રચાવ્યા, જોબનપગીના વાલે;
વાસણ સુતારના ઘરમાં રહીને, આનંદ આપ્યો વાલે;
          જ્ઞાનજીવન આ વ્રતપુરીમાં, વચનામૃત રેલાતાં રે...આ૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
વડતાલ મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026