મુખ્ય સામગ્રી પર જાઓ

સ્વામી સહજાનંદ શ્રીહરિ, પુરુષોત્તમ પૂરણકામ

સ્વામી સહજાનંદ શ્રીહરિ, પુરુષોત્તમ પૂરણકામ,
કરજોડી તમ આગળે હું, પ્રીતે કરું પ્રણામ,
          મોર મુગટ ધર્યો માથડે, રૂડાં કુંડળ ઝળકે કાન,
          કેસર તિલક લલાટમાં, ભ્રકુટિ કમાન સમાન...૧
આંખડલી અણિયાળિયું કાંઈ, કરુણા કહી નવ જાય,
નાસા અણિયાળી નમણી તિલ, ત્રાજુ કપોળને માંય,
          અધર પ્રવાળા સરખા, ડોલર કળી સમ દાંત,
          મુખની શોભા શી કહું, કંબુ કંઠ જોયાની ખાંત...૨
છાતી ઊપડતી શોભતી, પેર્યા હૈડે સુંદર હાર,
આજાનબાહુ ઉર ધરી, મુને મળતા વાધે પ્યાર,
          નાભિ ઊંડી અતિ ઘણી, અજ ઉપન્યો જે ઠાર,
          ઉદર શોભા શી કહું, ત્રિવળી શોભે અપાર...૩
શ્યામ કટી શોભા જોઈને મોહ્યા, કેસરી વન મોઝાર,
સાથળ ગોઠણ શોભતા, ચરણકમળ અતિ સાર,
          દાસ હરિના નાથની શોભે, મૂર્તિ તેજ અંબાર,
          જે જન પ્રીતે નીરખે, તે ઊતરે ભવપાર...૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
મૂર્તિ વર્ણન
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026