આદિતવારે ઉદે થયા, સૂરજ સહજાનંદ;
મારગ બતાવ્યો મોક્ષનો, મળિયા મુનિનાં વૃંદ;
અવસર અમૂલખ આવિયો...ટેક.
ભાગ્યે પામ્યો ભ્રતખંડમાં, મોંઘો મનુષ્ય અવતાર;
સમજી રહેવું સતસંગમાં, સ્વપ્ના જેવો સંસાર...અવસર૦ ૧
શીતળ સોમ સરીખડા, ભૂતળ પ્રગટયા ભગવાન;
અધરમ મૂળ ઉખાડવાં, દીધાં દરશન દાન...અવસર૦ ૨
પામર ભટક્યો ભવપંથમાં, જાણ્યા વિના જગદીશ;
દેવાનંદ કહે દુ:ખ આવશે, જ્યાં ત્યાં જનમ ધરીશ...અવસર૦ ૩
