મુખ્ય સામગ્રી પર જાઓ

આજ આંનદ સિંધુ ઉલટ્યા, પ્રગટ્યા તે પૂરણાનંદરે

આજ આંનદ સિંધુ ઉલટ્યા, પ્રગટ્યા તે પૂરણાનંદરે,
         દરશને દુઃખ મટી ગયા, આવ્યો છે અંતરે આંનદરે...ટેક
પરસતાં પાપ પરા પાળ્યા, ટાળ્યા છે કોટિક કર્મરે,
         જન્મ મરણ ભય ભાગી ગયો, સમજાવ્યો સદ્‌ગુરુજીએ મર્મરે...આજ૦ ૧
આશ્રર્ય વાત છે અતિ ઘણી, સમજે તે સંત સુજાણરે,
         અટપટું લાગે છે અન્યને, પર મત પણ કરે છે પ્રમાણરે...આજ૦ ૨
બુદ્ધિની હદમાં હાલતા, મનમાં મુઝાણાં છે મોટારે,
         આ પદ ન શક્યા ઓળખી, ગડબડ વાળે છે ગોટારે...આજ૦ ૩
જથારથ તે ત્યારે જાણશે, આણશે મહાપ્રભુ મેર્ય રે,
          નિષ્કુળાનંદ આંનદની, આવશે તે વારે લેર્યરે...આજ૦ ૪

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026