મુખ્ય સામગ્રી પર જાઓ

આ ગંગા તારો, અદ્‌ભુત આરો, શોભિત સારો

આ ગંગા તારો, અદ્‌ભુત આરો, શોભિત સારો, 
                                   નૌતમ ન્યારો, ભલો બન્યો બ્રહ્મકુંડ રે; 
આ જનમ મારો, સ્નાને સુધારો,
                                   કરું સ્પર્શ તારો, પાવન કરવાને પંડ રે...ટેક 
દર્શથી સ્પર્શથી હૈડામાં હર્ષથી, તરશથી તોયનું પાન;
         અરસથી સરસથી કાયા કરસથી, આવે અક્ષરનું વિમાન રે...આ ગંગા૦ ૧
ઝળકતી ચળકતી લેર્યું લળકતી, ખળકતી ખળખળિયા માંય;
          ઢળકતી રળકતી ઘાંઘી થઈ ઘળકતી, બ્રહ્મકુંડમાં ભરાય રે...આ ગંગા૦ ૨
મળી ટોળે હરિજન નીર હિલોળે, ડબકી ડોળે રમે દાસ;
         તાનેથી ગાનેથી નેણની સાનેથી, ઝટપટ જાલે દોડી વાસ રે...આ ગંગા૦ ૩
રમતા મનગમતા વારિમાં વીસમતા, ભમતા બ્રહ્મકુંડ માંય;
         અંગ ઉમંગ આવે એ પ્રસંગ, એ રંગે દુ:ખ દૂર થાય રે...આ ગંગા૦ ૪
નિત નાય ગુણ ગાય પૂજન લાયે, સુખ થાય કરતા સેવન,
         પેલી પરશેલી ગંગાજી ઘેલી, પુરુષોત્તમ ભગવાન રે...આ ગંગા૦ ૫
હરતા ને ફરતા ને શ્રીજી સમરતા ને, કરતા ગંગાજીમાં સ્નાન;
         તરતા નઈ ડરતા વારિમાં વિચરતા, ધરતા શ્રીજી કેરું ધ્યાન રે...આ ગંગા૦ ૬
સુખ થાય દુ:ખ જાય પ્રભુપદ પમાય, પરશતા ગંગામાં દેહ;
         મુક્તિની જુક્તિ જીતી સર્વે શક્તિ, પામે અક્ષરવાસ તેહ રે...આ ગંગા૦ ૭
શેષ મહેશ ગણેશ દિનેશ, સુરેશ બ્રહ્મેશ રાકેશ;
          એહ સ્નેહ આવે ધરી નર દેહ, માગે દાસ હરિ હંમેશ રે...આ ગંગા૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
ભાવ :
ગઢપુર મહિમા
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026