મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રથમ નમું પરબ્રહ્મને લાગું સંત જનને પાયેરે ;

પદ ૮૫૩ મું. –રાગ ધોળ૧/૪
ગોકુલ ગામ અતિ શોભતાં, શોભીતા મંદિર માળીયા એ ઢાળ છે.
પ્રથમ નમું પરબ્રહ્મને લાગું સંત જનને પાયેરે ;
         વાણી તે રસભરી આપજો બુદ્ધિ તે નિર્મળ થાયે રે. ૧
પ્રગટ નારાયણનાં ગુણ વર્ણવું જે આનંદનું ધામરે;
         ગાતાં સાંભળતાંમાં નરત્રિય હરિજન થાયે તે નિષ્કામરે. ૨
આજ અનોપમ ઉત્સવ આવ્યો આનંદનો દિનરે;
         પ્રભુજી પરોણલા આવશે આપણે મંદિર જીવનરે. ૩
ઓરડીયા અજવાળો આંગણિયે મંડપ રચાવોરે;
         મોતીડે ચોક પુરાવો ને માનુની મંગલ ગાવોરે. ૪
શેરડીયું વળાવો ને ફૂલડા વેરાવો વાટરે;
         તોરણ બંધાવો બારણે ઢાળો હિંડોળા ખાટરે. ૫
આવશે માણકીયે ચડી મોહન આનંદકંદરે ;
         નિરખશે નેણ ભરી પ્રેમાનંદ પામશે આનંદરે. ૬

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026