મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અભિનવો આનંદ હૈડે હરખ ન માયરે

આજ અભિનવો આનંદ હૈડે હરખ ન માયરે;
          મોટા મુનિવર સાથે આવે છે જાદવરાયરે...૧
વહાલાની આવી વધામણી આનંદ વાધ્યો છે અપારરે;
         પૂરો સોહાગણ સાથીયા પે’રો સોળે તે શણગાર રે...૨
કુમકુમ કેસર છાંટીયે છાંટણાં આંગણિયે અનૂપરે;
         મંગલ કુંભ ભરી ધરો કરો દીપક ધૂપરે...૩
ઢોલ નગારા વગડાવો કરાવો ઉત્સવ સારરે;
         થાલ ભરો ગજ મોતીયે ચંદન પુષ્પના હારરે...૪
સામૈયુ લઇ ચાલો સાહેલી વધાવાને મહારાજરે;
         નેણા સુફલ કરો નિરખીને અવસર આવ્યો છે આજરે...૫
ઘોડલાની ઘુમરે આવે વિંટાણા અબળાનો આધારેરે;
         પ્રેમાનંદ છબી નિરખીને હરખે છે વારમવારરે...૬

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026