મુખ્ય સામગ્રી પર જાઓ

પુરુષોત્તમજી પધારિયા સુરનર મુનિના ઇશરે

પુરુષોત્તમજી પધારિયા સુરનર મુનિના ઇશરે;
         નરત્રિયા વૃંદ નીસરીયાં વેગે જોવાને મુનિશરે. ૧
આવે અસવારી વહાલાજીની શોભા વર્ણવી ન જાયેરે;
         દેવ દાનવ આદિ સુરપતિ નરપતિ ઉપમા ન દેવાયેરે. ૨
અગણિત ગજ રથ અશ્વને પાલખી પાળાનો નહીં પારરે;
         અગણિત મુનિવર હરિજન સાથે પરમ ઉદારરે. ૩
વાજા વાગે આગે વિધવિધ ભાતના ઉત્સવ થાયેરે;
         પડેરે નગારાની ધોંસ માનનીયો મંગલ ગાયેરે. ૪
ચમર ઢળે શિર છત્ર રાજે આગે બોલે છે છડીદારરે;
         ઉડેરે નિશાન જરીના ગજપર સોનેરી શણગારરે. ૫
શ્રીઘનશ્યામજી શોભે છે જાણીયે પૂરણચંદરે;
         શ્રીહરિકૃષ્ણ છબી જોઇ પ્રફુલ્લિત પ્રેમાનંદરે. ૬

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026