મુખ્ય સામગ્રી પર જાઓ

કરાવે ખેલ અતિ પ્રીતે રે, કરાવે ખેલ

કરાવે ખેલ અતિ પ્રીતે રે, કરાવે ખેલ;
          સંત હરિજન રાસ રચીને, ગાય રૂડે ગીતે...ટેક
રમે હરિ હરિજનને સાથે રે, રમે હરિ;
         લીંબતરુ તળે લાલ મનોહર, મુગટ ધરી માથે...કરાવે૦ ૧
ગાય જન ગરબી શુભ ગાને રે, ગાય જન;
         બબે જણાની જોડ થઈને, તાળી લિયે તાને...કરાવે૦ ૨
બજાવે ઝાંઝ મૃદંગ મુનિ રે, બજાવે;
         પડછંદા પગના બહુ બોલે, થાય અધિક ધૂની...કરાવે૦ ૩
કરે કર લટકાં વનમાળી રે, કરે કર;
         ચટચટ ચટચટ ચપટી વગાડે, લટકે લિયે તાળી...કરાવે૦ ૪
દોઉ કર કડતાળું ખળકે રે, દોઉ કર;
         ચંદા પૂનમની રાતે રમતા, વદનકમળ ઝળકે...કરાવે૦ ૫
ઘૂઘરા ઘમકે બહુ રમતા રે, ઘૂઘરા ઘમકે;
         ખેલ કરે અલબેલ અનુપમ, મુનિજન મનગમતા...કરાવે૦ ૬
ફરે ફેરફૂદડી ઉમંગે રે, ફરે ફેર;
         નૌતમ ખેલ કરે નટનાગર હરિજનને સંગે...કરાવે૦ ૭
સારી રાતે શ્યામસુંદર રમિયા રે, સારી રાતે;
         દાસ હરિ કહે હરિજન મુનિને, મનમોહન ગમિયા...કરાવે૦ ૮

પુસ્તક :
હરિકીર્તન
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
લીલા ભક્તિ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026