મુખ્ય સામગ્રી પર જાઓ

પામર તું પ્રાણી માની લે વાતો મનમાં, માની લે વાતો મનમાં

પામર તું પ્રાણી માની લે વાતો મનમાં, માની લે વાતો મનમાં;
         માની લે વાતો મનમાં, ટાઢું થાય તનમાં, માની લે વાતો મનમાં-પામર૦ ટેક
બાળપણે બુદ્ધિ ના હતી રે, ભજ પ્રભુને ભર જોબનમાં;
         જોને વિચારી તારા જીવમાં રે, મૂરખ સૂતો કેમ શયનમાં...માની લે૦ ૧
સુખ લેવા સંસારના રે, મૂરખ રહ્યો માયાના મંથનમાં;
         સુખ થવાનું છાનું રહ્યું રે, ભંગ પડયો પ્રભુના ભજનમાં...માની લે૦ ૨
સુખ નથી સ્ત્રી કે રાજમાં રે, સુખ નથી ધાતુ વળી ધનમાં;
         શોધે ન મળે સંસારમાં રે, સુખ છે એક રામ રટનમાં...માની લે૦ ૩
સુખ લેવા હરિશરણનું રે, મોટા જોગી વસ્યા જઈ વનમાં;
         ભાવે ભજી ભગવાનને રે, ધ્રુવ વસ્યા જઈ ગગનમાં...માની લે૦ ૪
પંચવિષયને પરહરી રે, કર સ્નેહ શ્યામના ચરણમાં;
         અલૌકિક સુખ આપશે રે, રહેતાં વાલમજીના વચનમાં...માની લે૦ ૫
સુખ મેલી ઘનશ્યામનું રે, શીદ ફરો છો દુ:ખના દનમાં;
         આનંદ ઉરમાં આણીને રે, ભજ પ્રભુને પ્રેમ મગનમાં...માની લે૦ ૬
દુ:ખ દાળિદર કાપવા રે, વાસ લેવા અક્ષરભુવનમાં;
         પંચવ્રતને પાળીને રે, નવ રહેવું લેશ લંછનમાં...માની લે૦ ૭
સ્વામિનારાયણ સમરિયે રે, નિત સૂતા બેઠા સુપનમાં;
         દાસ હરિના નાથજી રે, રાખે સમીપે ચરણ સેવનમાં...માની લે૦ ૮
         દોહો : સ-મજ શિખામણ હેતની, ત-ન મન આણી વાસ;
                    સં-ગત કરી લે સંતની, ગ-યો નયન પ્રકાશ.

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026