મુખ્ય સામગ્રી પર જાઓ

માન્ય ને શિખામણ કહું છું તારે કાજે, કહું છું તારે કાજે

માન્ય ને શિખામણ કહું છું તારે કાજે, કહું છું તારે કાજે;
          કહું છું તારે કાજે, હેત ઝાઝે, કહું છું તારે કાજે...માન્ય ને૦ ટેક
માની લે વાતો મૂરખા રે, જોને શિર ઉપર કાળ ગાજે;
         પ્રભુ ભજનને પરહરી રે, ચડયો સંસાર સુખને છાજે...કહું છું૦ ૧
પાંચ મળીને પૂછિયો રે, તું તો લેવાણો લોકની લાજે;
         ડાટ વાળ્યો ડાપણે રે, તારું ત્રિવિધિમાં તન દાઝે...કહું છું૦ ૨
સારો દિવસ ચોવટ કરે રે, તને સંગત નીચની છાઝે;
         સ્વારથ કાંઈ નવ સાધિયો રે, વીંટયો ઘૂડ કાગડે ઝાઝે...કહું છું૦ ૩
ભૂલી ગયો ભગવાનને રે, બહુ વિષય સુખને વાજે;
         રાંડ જવાબ દિયે રોકડો રે, તારે લેશ મૂરખ ન લાજે...કહું છું૦ ૪
નિર્લજ રાંડ રિઝાવવા રે, બેઠો આંખમાં આંજણ આંજે;
         ભેળા થઈ ભાઈબંધિયા રે, જઈ બેસે સરોવરિયાની પાજે...કહું છું૦ ૫
જોબન ગયું જખ મારતું રે, તું તો રસિયો થઈને રાજે;
         કાળ લઈ જાશે કારમો રે, જેમ તેતર પકડયું બાજે...કહું છું૦ ૬
પ્રભુ વિમુખને પરહરી રે, કર પ્રીત તું સંત સમાજે;
         પીયૂષ રસને પરહરી રે, તારું મન માન્યું પિયાજે...કહું છું૦ ૭
મોંઘા મનુષ્ય આ દેહને રે, તને આપ્યો ગરીબનિવાજે,
         દાસ હરિ કે પ્રાણિયા રે, તું તો શિષ્ય શામળિયાનો થાજે...કહું છું૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026