મુખ્ય સામગ્રી પર જાઓ

નાચતો કૂદતો ગાવા લાગ્યો કેવટ હરિનું નામ

નાચતો કૂદતો ગાવા લાગ્યો કેવટ હરિનું નામ;
તેના સામું ભાવે જુએ છે બાળ પ્રભુ ઘનશ્યામ,
         નાચતો૦ ટેક.
તેને માતાએ પૂછયું ભાડું, કેવટ કહે મા શું દેખાડું;
આપો બાળક ભાવે રમાડું, જવા દ્યોને મા ભાડુંબાડું,
         નાચતો૦ ૧
આ બાળક છે માડી તમારો, ધંધો એક છે એનો ને મારો;
માતા કહે કાંઈ વાત વિચારો, ધંધો એક કેવી રીતે ધારો,
         નાચતો૦ ૨
મારી નૌકા નદિયો તારે, ભવસાગર તે પાર ઉતારે;
તેથી ધંધો એક અમારે, એમ સમજવું માજી તમારે,
         નાચતો૦ ૩
બાલપ્રભુને કે’વા લાગ્યો, વિનંતી કરી અભય વર માગ્યો;
પાર ઉતાર્યા સરયુ જેમ, અંતકાળે મને તારજો એમ,
         નાચતો૦ ૪
કેવટ હોડી લાવ્યો કિનારે, પ્રભુએ તેને ઉતાર્યો પારે;
વાલમ હવે વારો મારો, જ્ઞાનજીવનને પાર ઉતારો,
          નાચતો૦ ૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026